અહીના ગુરુદ્વારા કર્તે પરવાન સાહિબ ઉપર બપોરે ફરી વખત હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ પવિત્ર સ્થળના મુખ્ય દરવાજા ઉપર હુમલો થયો હતો. ઘટના સમયે અહીં શીખો સાથે હિન્દુ સમુદાયના લોકો પણ ઉપસ્થિત હતા. 18 જૂનના રોજ પણ આ ગુરુદ્વારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બે લોકોના મોત થયા હતા.
ખાસ વાત એ છે કે 24 જુલાઈના રોજ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે શીખો અને હિન્દુઓના ડેલિગેશનને બોલાવી તેમની સાથે વાતચીત કરી હતી. તાલિબાન સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે લઘુમતી સમુદાયના જે લોકો આ દેશ છોડીને ગયા છે તેમને અમે સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી છીએ. અમારી અપીલ છે કે તેઓ પોતાના વતનમાં પરત ફરે.
દુકાનમાં બોમ્બ રાખવામાં આવેલો
બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તેમા એક શીખ દુકાનદાર કહે છે કે તે ભોજન માટે બહાર ગયો હતો. તે સમયે તેની દુકાનમાં બ્લાસ્ટ થયો. તેનાથી ઘણુ નુકસાન થયું હતું, જોકે ગુરુદ્વારાની અંદર રહેલા લોકોને અને આ દુકાનદારને કોઈ નુકસાન થયું ન હતું. ઘટના બાદ તાલીબાન પોલીસ પહોંચી હતી અને CCTV ફુટેજની તપાસ કરી હતી. કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. જોકે, સત્તાવાર રીતે અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
તાલીબાનનો દાવો ખોટો સાબિત થયો
ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ કાબુલની સાથે તાલીબાને સંપૂર્ણ અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યો હતો. ત્યારબાદ હિન્દુ અને શીખ સમુદાય ઉપર અનેક વખત હુમલા થયા હતા. મોટાભાગના હુમલાઆ આરોપ ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન ગ્રુપ પર લાગ્યા હતા. લઘુમતી સમુદાયના અનેક લોકોના મોત થયા હતા. ત્યારબાદ હિબ્તુલ્લાહ અખુંદજાદાની તાલીબાન સરકાર ઈમેજ સુધારવા માટે અનેક કવાયત કરી હતી.
24 જુલાઈના રોજ વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ડોક્ટર મુલ્લા વાસીએ અફઘાન હિન્દુ અને શીખ સમુદાયના પ્રતિનિધિ મંડળને વાતચીત માટે બોલાવ્યા હતા. આ સમયે વાસીએ સમુદાયને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. વાસીએ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે જે હિન્દુ અને શીખ સમુદાયના લોકો દેશ છોડી ગયા છે, તેમને પરત લાવવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.