સિએરા લિયોનમાં ફ્યુઅલ ટેન્ક ફાટ્યું:ટ્રકે પેટ્રોલ ભરેલા ટેન્કરને ટક્કર મારતાં બ્લાસ્ટ; 91 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

23 દિવસ પહેલા

આફ્રિકન દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ફ્યુઅલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં 91 લોકોનાં મોત થયાં છે. સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (NDMA)ના કોમ્યુનિકેશન ડાયરેક્ટર મોહમ્મદ લમરાને બાહે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.

તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ગંભીર રીતે ઘાયલોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અકસ્માતનાં કારણોની તપાસ ચાલી રહી છે.

એક ટ્રકને બીજા ટ્રકે ટક્કર મારી
ફ્રીટાઉનના મેયર યવોન અકી-સોયરે ઘટનાને લઈને ફેસબુક પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે વેલિંગ્ટનના બાઈ બ્યુરેહ રોડ પર વિસ્ફોટ અંગે સાંભળીને હું દુ:ખી છું. જાણવા મળ્યું છે કે પેટ્રોલ લઈને જઈ રહેલી એક ટ્રકે બીજા ટેન્કરને ટક્કર મારી છે, જેનાથી જીવલેણ ધમાકો થયો.

દુર્ઘટનાની તસવીરો વિચલિત કરનારી
ફ્યુઅલ ટેન્કર બ્લાસ્ટ સાથે જોડાયેલા અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. અકી-સોયરે કહ્યું હતું કે આ ખૂબ જ પરેશાન કરનારી ઘટના છે. "મારી સંવેદનાઓ વિસ્ફોટના પીડિતોના પરિવારો અને પ્રિયજનો સાથે છે. મૃત્યુ પામેલા લોકોનો આત્માને શાંતિ મળે.

અન્ય સમાચારો પણ છે...