• Gujarati News
  • International
  • Biden Spoke With Putin On The Phone For 62 Minutes, Telling Biden That The United States Would Respond If Ukraine Was Attacked.

યુક્રેન-રશિયા સંકટ ટળ્યુ નથી:બાઈડેને પુતિન સાથે ફોન પર 62 મિનિટ સુધી વાત કરી, બાઈડેને કહ્યુ- જો યુક્રેન પર હુમલો થશે તો અમેરિકા આપશે જવાબ

વોશિંગ્ટન7 મહિનો પહેલા
  • બાઈડેને કહ્યુ- રશિયાએ યુદ્ધ વિશે વિચારવું જોઈએ નહીં

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલો તણાવ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી, જે બિનઅસરકારક રહી હતી. વાતચીત દરમિયાન, બાઈડેને પુતિનને યુદ્ધ મોકૂફ રાખવાની અપીલ કરી અને ચેતવણી પણ આપી કે જો યુદ્ધ થશે તો રશિયાને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે.

વાટાઘાટોના થોડા સમય પછી, અમેરિકાએ યુક્રેનમાં તેના દૂતાવાસને ખાલી કરવાની સૂચનાઓ આપી હતી. સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે બંને ટોચના નેતાઓ વચ્ચે તણાવભરી સ્થિતિ સુધરવા બાબતનો કોઈ ઉકેલ આવ્યો નથી.

પુતિન અને બાઈડેન વચ્ચે શું વાતચીત થઈ?
અહેવાલો અનુસાર, 62 મિનિટની વાતચીતમાં બાઈડેને પુતિનને કહ્યું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયાને જડબાતોડ જવાબ આપશે. બાઈડેને વધુમાં કહ્યું હતુ કે આ હુમલાથી માનવજાતને ઘણું નુકસાન થશે, તેથી રશિયાએ યુદ્ધ વિશે વિચારવું જોઈએ નહીં. જ્યારે, અમેરિકાએ રશિયાને આશ્વાસન આપ્યું છે કે તે યુક્રેન બાબતે રાજદ્વારી વાતચીત માટે તૈયાર છે.

જો બાઈડેને પુતિન સાથે ફોન પર 62 મિનિટ સુધી વાત કરી હતી.
જો બાઈડેને પુતિન સાથે ફોન પર 62 મિનિટ સુધી વાત કરી હતી.

અમેરિકાની સરકાર રશિયાના જવાબોથી સંતુષ્ટ નથી
બાઈડેન અને પુતિનની વાતચીત બાદ અમેરિકી રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે રશિયા હુમલો કરશે કે નહીં તે અંગે કોઈ નક્કર ખાતરી નથી. તેમજ યુએસ સંરક્ષણ મંત્રાલયે યુક્રેનમાંથી તેના 160 તાલીમાર્થી લશ્કરી અધિકારીઓને પાછા બોલાવ્યા છે, જ્યારે યુક્રેનમાં કામ કરતા 80 લશ્કરી અધિકારીઓને પાછા બોલાવવાની તૈયારી કરાઈ રહી છે.

રશિયાએ કહ્યું- અમારા વિશે ખોટી માહિતી આપવામાં આવી રહી
આ ફોન-કોલ પછી, રશિયન સંસદના ટોચના વિદેશ નીતિ સલાહકાર યુરી યુશાકોવે કહ્યું કે અમેરિકાએ રશિયાના યુક્રેન પરના હુમલાની તારીખ પણ જાહેર કરી દીધી છે. મીડિયાને અમારા વિશે ખોટી માહિતી કેમ આપવામાં આવી તે અમને સમજાતું નથી.

યુશાકોવે કહ્યું કે યુએસ-રશિયા ફોન-કોલનું પ્લાનિંગ સોમવાર માટે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એમેરિકાએ તેને શનિવારે જ કરવા વિનંતી કરી હતી. આટલું કહ્યા પછી તેમણે બંને દેશો વચ્ચેના ફોન-કોલને સંતુલિત અને વેપાર જેવા ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે બંને રાષ્ટ્રપતિઓ તમામ સ્તરે વાતચીત ચાલુ રાખવા માટે સંમત થયા છે.

રશિયાએ કાળા સમુદ્રમાં પણ કર્યો યુધ્ધાભ્યાસ
યુક્રેન સરહદને ઘેરી લીધા બાદ રશિયાએ કાળા સમુદ્રમાં યુધ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. રશિયાએ કાળા સમુદ્રમાં નૌકાદળના 30 જહાજો ઉતાર્યા છે. રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી સરહદને ઘેરી લીધી છે અને સરહદ પર સેના તહેનાત કરવામાં આવી છે. રશિયાએ યુક્રેનની સરહદ પર 550થી વધુ આર્મી ટેન્ટ પણ લગાવ્યા છે.

રશિયાએ નૌકાદળના 30 જહાજો કાળા સમુદ્રમાં ઉતાર્યા છે.
રશિયાએ નૌકાદળના 30 જહાજો કાળા સમુદ્રમાં ઉતાર્યા છે.

અમેરિકા- બ્રિટન બાદ જર્મનીએ ચેતવણી જાહેર કરી
અમેરિકા અને બ્રિટન બાદ હવે જર્મનીએ પણ પોતાના નાગરિકોને ચેતવણી જાહેર કરી છે. જર્મનીના સ્ટેટ ડિપાર્ટમેન્ટે યુક્રેનમાં રહેતા પોતાના નાગરિકોને જલ્દી પાછા ફરવાની અપીલ કરી છે. તેમજ જર્મનીએ પણ તેના દૂતાવાસના અધિકારીઓને પરત આવી જવા માટે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...