અવિશ્વાસ પ્રસ્તાવની આશંકાઓ અને બેનઝીરની પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીની 27 ફેબ્રુઆરીએ લોંગ માર્ચ પહેલાં ઈમરાન ખાનની સરકાર પેટ્રોલ-ડીઝલ અને કેરોસીનના વધતા ભાવ મુદ્દે ઘેરાઈ હતી. ભાવ વધારા વિરુદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અત્યાર સુધી વિપક્ષના પ્રસ્તાવિત અવિશ્વાસ પ્રસ્તાવથી ઈમરાન સરકાર રાજકીય રીતે મુકાબલો કરવાની તૈયારીમાં હતી પણ હવે તેને પેટ્રો પ્રોડક્ટ્સના ભાવોમાં વધારાને કારણે પ્રજાનો રોષ સહન કરવો પડી રહ્યો છે.
આમ તો પાક.માં સત્તારુઢ પીપીપીનું કહેવું છે કે યુક્રેનના મુદ્દાને કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં વૃદ્ધિ થઈ છે પણ પ્રજા તેને માનવા તૈયાર નથી. ઈસ્લામાબાદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સભ્ય અમજદ હુસૈન કહે છે કે તેનાથી પાક.માં મોંઘવારી વધી જશે. પીપીપીની લોંગ માર્ચ કરાચીથી શરૂ થઈને ઈસ્લામાબાદ પહોંચશે. બિલાવલ ભુટ્ટો તેનું નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે પાક.માં બુધવારથી નવા ભાવ બાદ પેટ્રોલ ભારતીય ચલણ અનુસાર લગભગ 68 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
લોકો ભૂખે મરી રહ્યા છે, કામ-ધંધા નથી, ઈમરાન ઘરે જતા રહે
પેટ્રો પ્રોડક્ટ્સના ભાવમાં વધારા બાદ પાકિસ્તાનમાં હાથ ધરાયેલા એક સરવે અનુસાર 85 ટકા લોકો કહે છે કે ઈમરાન સરકાર શાસન ચલાવવા અને સામાન્ય લોકોને રાહત આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ઈમરાન ખાને ઘરે જતા રહેવું જોઈએ. સરકારી કર્મચારી મોહમ્મદ અલીએ કહ્યું કે લોકો ભૂખે મરી રહ્યા છે. કામ-ધંધા નથી અને ઈમરાન સરકાર મોંઘવારી રોકી શકતી નથી. 27 વર્ષીય શમી કહે છે કે તે પહેલાં બાઈક પર ઓફિસ પર જતો હતો પણ હવે પગપાળા જવું પોષાય તેમ છે. પરિવારનું પેટ ભરવું પણ જરૂરી છે.
પેટ્રો બોમ્બ ઈમરાન સરકાર માટે ઘાતક સાબિત થશે
વરિષ્ઠ રાજકીય નિષ્ણાત રાણા તારિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે પેટ્રો બોમ્બ ઈમરાન સરકાર માટે ઘાતક સાબિત થશે. દેશનું અર્થતંત્ર પહેલાંથી ધરાશાયી છે, વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ અને લોંગ માર્ચની જાહેરાત કરી છે. વિપક્ષ જો ભાવમાં વૃદ્ધિને મુદ્દો બનાવવામાં સફળ રહેશે તો ઈમરાન સરકાર માટે મોટી મુશ્કેલી સર્જાશે.
અંતિમ તબક્કામાં છે સરકાર, અવિશ્વાસ લાવીશું : મરિયમ
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝનાં મરિયમ નવાઝે ગુરુવારે કહ્યું કે પેટ્રો પેદાશોના ભાવમાં વધારા બાદ હવે ઈમરાન સરકાર અંતિમ તબક્કામાં છે. તેમની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. મરિયમે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ માટે તમામ વિપક્ષી દળોએ એકજૂટ થવું પડશે. આ પાક.ના ભવિષ્ય સંબંધિત મામલો છે.
કેબિનેટ વિસ્તરણથી સરકાર બચાવવાનો પણ જુગાડ
સૂત્રો અનુસાર ઈમરાન સરકાર અવિશ્વાસ પ્રસ્તાવને નિષ્ફળ કરવા માટે કેબિનેટ વિસ્તરણનો જુગાડ કરવા જઇ રહી છે. કહેવાય છે કે ઈમરાન સરકારને સમર્થન આપી રહેલા એમક્યુએમ અને બલુચિસ્તાન આવામી પાર્ટીને પ્રતિનિધિત્વ આપવાની તૈયારી છે. ઉલ્લેખનીય છે કે પાક.માં ઈમરાન સરકારને બંને પક્ષોના સમર્થનથી બહુમત પ્રાપ્ત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.