LIVE શ્રીલંકામાં સંકટ:ખાનગી બંકરમાંથી ભાગતા પહેલાં ગોટબાયાએ વિક્રમસિંધેને કહી હતી રાજીનામાની વાત

2 મહિનો પહેલા

શ્રીલંકામાં છેલ્લાં 3 મહિનાથી ચાલતા આર્થિક અને રાજકિય સંકટ વચ્ચે શનિવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડીને ભાગવાના સમાચાર સામે આવ્યા છે. સોમવારે વડાપ્રધાન કાર્યાલાય દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગોટબાયાએ રાષ્ટ્રપતિ ભવન છોડતા પહેલાં વડાપ્રધાન વિક્રમ સિંધે સાથે વાત કરી હતી. તેમાં ગોટબાયાએ કહ્યું હતું કે, તેઓ રાજીનામું આપી દેશે.

પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનની સફાઈ કરી
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓએ કબજો લીધા પછી ત્યાં મસ્તી અને બિનજવાબદારી ભર્યું વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારપછી સવારે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનના ગ્રાઉન્ડમાં ભેગો થયેલો કચરો સાફ કરીને તમની જવાબદારી દર્શાવી હતી. પ્રદર્શનકારીઓએ આખું ગ્રાઉન્ડ સાફ કર્યું હતું અને કચરો જમા કરાવીને થેલીઓમાં ભર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે ગંદકી ફેલાવી છે તેથી તેને સાફ કરવું અમારી જવાબદારીમાં આવે છે. આ એક જાહેર વિસ્તાર છે. અમે અહીં વ્યવસ્થા બદલવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ.

ખાનગી બંકરનો એક વીડિયો સામે આવ્યો
રવિવારે વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં ગુપ્ત રસ્તો હોવાનો દાવો કરવામાં આવ્યો. પ્રદર્શન કરી રહેલા લોકોનો દાવો છે કે રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવીને આ ગુપ્ત રસ્તેથી દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ ભવનના ફર્સ્ટ ફ્લોર પર આ બંકર બનાવવામાં આવ્યું છે. બંકરની બહાર જવાની પહેલા અહીં લાકડાનો કબાટ ફીટ કરાયો છે. જેની બનાવટ એવી છે કે એક વખતમાં કોઈને અહીં દરવાજો હશે તેનો ખ્યાલ નહીં હોય.

ગુમ થયેલા ગોટબાયાનો મેસેજ આવ્યો
ગોટાબાયાએ રવિવારે શ્રીલંકાના અધિકારીઓને એક નિર્દેશ આપ્યા છે. રાજપક્ષેએ અધિકારીઓને ગેસની અનલોડિંગ અને તેની સપ્લાઈના કામમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. કેમકે રવિવારે કેરાવલપિટિયામાં પહેલું જહાજ ગેસ લઈને પહોંચશે. શ્રીલંકાઈ મીડિયા મુજબ 3,740 મેટ્રિક ટન ગેસ લઈને આવનારું બીજું જહાજ 11 જુલાઈએ પહોંચશે અને ત્રીજું 3200 મેટ્રિક ટન ગેસ 15 જુલાઈએ આવશે.

નવી સરકાર માટે વિપક્ષે મીટિંગ કરી
શ્રીલંકામાં નવી સરકારના ગઠનને લઈને વિપક્ષી દળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય વિપક્ષી દળ સમાગી જન બાલવેગયા (SJB) અને તેમના સહયોગી પક્ષ સર્વદળીય સરકારના ગઠન માટે ટૂંક સમયમાં જ સ્પેશિયલ પાર્ટી મીટિંગ બોલાવી શકે છે. જો વિપક્ષી દળોના પ્રયાસ સફળ રહેશે તો આ બે મહિનામાં ત્રીજી સરકાર હશે.

બે મહિનામાં ચાર મંત્રીઓના રાજીનામા
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન મિનિસ્ટર ધમ્મિકા પરેરાએ આજે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ધમ્મિકા વિતેલા બે મહિનામાં મંત્રીપદ પરથી રાજીનામું આપનાર ચોથા મંત્રી છે. બીજી બાજુ, સેના પ્રમુખ શૈવેન્દ્ર સિલ્વેએ લોકોને સિક્યોરિટી ફોર્સ તથા પોલીસને સહયોગ કરવા અપીલ કરી છે,જેથી દેશમાં શાંતિ સ્થાપિત કરી શકાય.

શ્રીલંકા સંકટ અંગે અપડેટ્સ...

 • ગોટાબાયા રાજપક્ષેએ 13 જુલાઈના રોજ શરતો સાથે રાજીનામું આપી દેવાની જાહેરાત કરી હછે. ગોટાબાયા 8 જુલાઈ બાદ કોલંબોમાં જોવા મળ્યા નથી.
 • શ્રીલંકાની સરકારમાં મંત્રી હિરેન ફર્નાન્ડો અને મનુષા નનયકારાએ રાજીનામા આપી દીધા
 • શ્રીલંકા પોલીસે દેશમાં કથડતી સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દીધા છે. ચીફ ડિફેન્સ સ્ટાફે લોકોને શાંતી જાળવવા માટે અપીલ કરી છે.
 • પ્રદર્શનકારીઓએ સમાગી જાના બાલવેગયા (SJB)ના સાંસદ રજિતા સેનારત્ને ઉપર હુમલો કર્યો છે.

છેવટે ક્યાં ગૂમ થઈ ગયા રાષ્ટ્રપતિ ગોટાબાયા
શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન ઉપર કબ્જો કર્યાં બાદ સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે છેવટે ગોટાબાયા ક્યાં ગૂમ થઈ ગયા છે? સ્થાનિક મીડિયા પ્રમાણે ગોટાબાયા શુક્રવારે રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન પર ઈરાનના રાજદૂતને મળ્યા હતા. ત્યારબાદ તેમના વિશે કોઈ માહિતી મળી શકી નથી.

એક મહિના સુધી સ્પીકર બની શકે છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ ભવન ઉપર પ્રજાએ કબ્જો કર્યાં બાદ વધી રહેલા દબાણ વચ્ચે પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે સોશિયલ મીડિયા ઉપર આ અંગે માહિતી આપી હતી. રાજીનામું આપ્યું તે અગાઉ PMએ ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.
જેમાં એસેમ્બલીના સ્પીકર મહિન્દ્રા યપ્પા અભયવર્ઘનેને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવા અંગે દરખાસ્ત રજૂ કરી હતી. શ્રીલંકાના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજીનામું આપે દે તો સ્પીકર એક મહિના માટે વચગાળાના રાષ્ટ્રપતિ બની શકે છે.

શ્રીલંકા સંકટમાં અત્યાર સુધી સર્જાયેલા ઘટના ક્રમ

 • 15 માર્ચ 2022: વિરોધ પ્રદર્શનકારીઓએ રાજપક્ષે પરિવાર સામે વિદ્રોહ શરૂ કર્યો. શ્રીલંકા સરકારે આનન-ફાનનમાં ખાદ્ય વસ્તુઓ પર ઈમર્જન્સી લાદી
 • 2 એપ્રિલ 2022: રાષ્ટ્રપતિ નિવાસ સ્થાનની બહાર હિંસક પ્રદર્શનને લીધે શ્રીલંકામાં ઈમર્જન્સી લાદવામાં આવી. જોકે 5 દિવસમાં તે પરત ખેંચવામાં આવી.
 • 4 એપ્રિલ 2022: શ્રીલંકામાં પ્રદર્શનને જોતા 26 મંત્રીએ એક સાથે રાજીનામા આપી દીધા. તેમા મહિન્દ્રા રાજપક્ષેના દીકરા નમલનો પણ સમાવેશ થતો હતો.
 • 6 મે 2022: શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું. અનેક સ્થળોએ પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારબાદ ફરી વખત ઈમર્જન્સી લાદવામાં આવી.
 • 9 મે 2022: ભારે વિરોધ પ્રદર્શન બાદ મહિન્દ્રા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. રાનિલ વિક્રમસિંઘે નવા પ્રધાનમંત્રી બન્યા.
 • 5 જુલાઈ 2022: પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકાને નાદાર જાહેર કર્યું, ત્યારબાદ ફરી પ્રદર્શાનકારી ઉગ્ર બની ગયા.
 • 9 જુલાઈ 2022: વિરોધ પ્રદર્શનકારીઓએ કોલંબોના ગલ્સા હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન) પર કબ્જો કરી લીધો. રાષ્ટ્રપતિ ગોટાબાયા ભાગી ગયા.
અન્ય સમાચારો પણ છે...