અમેરિકામાં ભારતીયો પર જોખમ?:USમાં ભારતીયોનો દબદબો વધતાં હુમલા વધ્યા, ટ્રમ્પના પરાજય પછી એટેકની ઘટનામાં વધારો થયો

ન્યુયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકન કોંગ્રેસના સભ્ય પ્રેમા જયપાલે શુક્રવારે કહ્યું કે, તેમને ભારત પાછા જતા રહેવાના ધમકીભર્યા મેસેજ મળી રહ્યા છે, ત્યારે ભારતીય સમાજની એ આશંકા સાચી સાબિત થઈ કે, અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકાના વિવિધ ભાગોમાં ચાર ભારતીય પર હુમલા થયા. એક મહિનામાં આવી અડધો ડઝન ઘટના બની. ન્યૂયોર્કના એક મંદિર બહાર ગાંધીજીની પ્રતિમાની પણ તોડફોડ થઈ.

ભાસ્કર સાથે વાતચીતમાં પીડિતોએ કહ્યું કે, આ હુમલાની અનેક ઘટનાઓની તો પોલીસ ચોપડે નોંધ પણ નથી લેવાતી. હકીકતમાં ટ્રમ્પની ચૂંટણીમાં હાર પછી અમેરિકનોની માનસિકતા બદલાઈ છે. ચાર ભારતીય અમેરિકન મહિલાઓ પર મેક્સિકો મૂળની મહિલાએ ટેક્સાસમાં હુમલો કર્યો હતો.

તેણે વંશીય ટિપ્પણીઓ પણ કરી. હુમલાખોર એસ્મેરાલ્ડા અપટોન બૂમો મારીને બોલી હતી કે, દરેક જગ્યાએ ભારતીયો દેખાય છે. ભારતીયો અમેરિકાને બરબાદ કરી રહ્યા છે. તમે ભારત પાછા જાઓ. તો એક પીડિત રાણી બેનર્જીએ કહ્યું કે, તેને ગોળી મારવાની ધમકી મળી છે. અમને કોઈ ખરેખર ગોળી ના મારે. ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીલ માખીજાએ કહ્યું કે, સતત હુમલાની મનોવૈજ્ઞાનિક અસરોનો ઉકેલ લાવવો જોઈએ.

અમેરિકન ભારતીયોના સંગઠન હિંદુપેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાખી અસરાનીએ કહ્યું કે, હેટ ક્રાઈમ સામાન્ય થઈ ગયા છે. બે મહિના પહેલાં રિચમન્ડ હિલ્સમાં નિશાન બનેલા કુલદીપ સિંહે કહ્યું કે, અહીં ભારતીયોનો દબદબો વધ્યો છે, જેનાથી અમેરિકનોની માનસિકતા બદલાઈ છે. આવા હેટક્રાઈમ પહેલાં નહોતા થતા. છેલ્લાં 30 વર્ષમાં આટલો ડર મને નથી લાગ્યો. અમેરિકન શ્વેતોના મગજમાં એવું ઠસી ગયું છે કે, ભારતીયો દરેક સ્થળે દેખાઈ રહ્યા છે. તેમના મગજમાં એવું ભરાઈ રહ્યું છે કે, તમે ખતરામાં છો. તમારી જગ્યા પ્રવાસીઓ લઈ લેશે.

શ્વેતો જ શ્રેષ્ઠ છે એવું માનતું સંગઠન અમેરિકનોની બેરોજગારી, ગરીબી અને બેઘર નાગરિકો માટે ભારતીયોને જવાબદાર માને છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ઉલ્લેખ કરતા કહે છે કે, બાઈડેને માર્ચમાં કહ્યું હતું કે અમેરિકન ભારતીયોનું વર્ચસ્વ અહીં વધી રહ્યું છે. બાઈડેન સરકારમાં 130 ભારતવંશી ઉચ્ચ હોદ્દા પર છે. તેમાં બાઈડેનનાં ભાષણ લખનારા વિનય રેડ્ડીથી કોવિડ સલાહકાર ડૉ. આશિષ ઝા અને ક્લાઈમેટ ચેન્જ નીતિના સલાહકાર સોનિયા અગ્રવાલ વગેરે સામેલ છે. પ્રવાસીઓનો વિરોધ કરતાં સંગઠનો માને છે કે, બીજા દેશના નાગરિકો સ્વાર્થી હોય છે અને તેઓ મૂળ દેશ પ્રત્યે જ નિષ્ઠાવાન હોય છે.

જોકે, સરકાર આવા હુમલા રોકવા ગંભીર છે. કેલિફોર્નિયા સરકારે આવી ઘટનાઓની માહિતી આપનારા અને તેનો સામનો કરવા 80 સંગઠનને 1.4 કરોડ ડૉલર આપ્યા છે. આ સંગઠનોમાં મોટી સંખ્યામાં દક્ષિણ અમેરિકન છે.

શિક્ષણથી લઈને રાજકારણ સુધી ભારતીયોનું વર્ચસ્વ
ગયા વર્ષે ભારતમાંથી 2,32,851 વિદ્યાર્થી અમેરિકા ભણવા ગયા. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના મતે, તેમની સંખ્યા 12% વધી છે. અમેરિકન દૂતાવાસના મતે, આ વર્ષે અત્યાર સુધી આશરે 86 હજાર ભારતીય વિદ્યાર્થીને વિઝા મળી ચૂક્યા છે. આ આંકડા અન્ય દેશોથી વધુ છે. અમેરિકામાં ભણતા કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીમાં ભારતીયોની સંખ્યા 20% છે. 2019ના આંકડા પ્રમાણે, 27 લાખ ભારતીયો અહીં નોકરી કરે છે. તે રાજકીય રીતે પણ સક્રિય છે. અમેરિકન કોંગ્રેસમાં ભારતીય મૂળના પાંચ સભ્ય છે. તે ગૃહના કુલ સભ્યના 9% છે. અમેરિકામાં બીજો સૌથી મોટો અપ્રવાસી સમાજ ભારતીયોનો છે. અમેરિકાની વસતીના આંકડા પ્રમાણે, 2018ના સરવે પ્રમાણે અહીં 42 લાખ ભારતીય છે.

ધ ઈકોનોમિસ્ટઃ મૂળ અમેરિકન પહેલાં ભારતીય મૂળના વ્યક્તિ યુએસ પ્રમુખ બનશે
ધ ઈકોનોમિસ્ટના મતે, અમેરિકામાં અમેરિકન મૂળ જનજાતિની કોઈ વ્યક્તિ પ્રમુખ બને તે પહેલાં ભારતીય મૂળની વ્યક્તિ પ્રમુખ બનશે. પ્યૂ રિસર્ચ પ્રમાણે, ભારતીય પરિવારોની સરેરાશ ઘરેલુ આવક રૂ. 95 લાખ છે, જે અન્ય એશિયન પ્રવાસીઓથી વધુ છે. ભારતીયો અન્યોની તુલનામાં વધુ સમૃદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...