ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 15 દિવસમાં ત્રણ હિન્દુ મંદિરો પર ભારત વિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા બાદ અહીં વસતા હિન્દુઓ ચિંતિત બન્યા છે. જો કે સમુદાયે સંવેદનશીલ અને પરિપક્વ પ્રતિક્રિયા આપી છે. હિન્દુ સંગઠનોએ આગળ આવીને શીખ સમુદાય સાથે એકતાનો સંદેશ આપ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા સામાન્ય ભારતીયોએ પણ શાંતિનું આહવાન કર્યું છે.
હિન્દુ ફેડરેશન ઑફ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ ડૉ.નવીન શુક્લાએ દૈનિક ભાસ્કરને કહ્યું હતું કે, આ ઘટનાથી હિન્દુ સમુદાયે ઉશ્કેરાવાની જરૂર નથી. આ તોફાની તત્વોનું કામ હોઈ શકે છે. અહીં તમામ હિન્દુ અને શીખ પરિવારની જેમ રહે છે. બહુસાંસ્કૃતિક દેશ છે. આપણે સંવેદનશીલ થઈને વિચારવું જોઈએ. આ લોકો શીખ સમુદાયના જ લોકો હોય એ જરૂરી નથી. અમારા ઘણા મિત્રો શીખ સમુદાયના છે. એમાંથી કોઈની માનસિકતા આવી નથી.
ડૉ.નવીન શુક્લા ઓસ્ટ્રેલિયા એસોસિએશન ઑફ આયુર્વેદના પણ અધ્યક્ષ છે. તેઓ કહે છે કે, મેલબોર્નમાં ઘટેલી ઘટનાઓ જણાવે છે કે હિન્દુ સમુદાયે સતર્ક રહેવું પડશે. મેલબોર્નમાં જે કંઇપણ બની રહ્યું છે તેના કારણે અમેરિકા અને કેનેડા જેવી સ્થિતિ અહીં પણ થઈ શકે છે. તેથી સરકારે પણ સુરક્ષા પર વધારે ધ્યાન આપવું પડશે. સમુદાયમાં સક્રિય ભારતીય મૂળના બલજિંદર સિંહ કહે છે કે, આવી ઘટનાઓથી ભારતથી અહીં આવીને વસનારા કે ભણનારા લોકો પર અસર થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરનારાઓ લોકો માટે તથા ભવિષ્યમાં ભારત આવતા લોકો માટે સમસ્યા પેદા કરે છે.
ખરેખર તો ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે. 2021ની વસ્તી ગણતરી અનુસાર ઓસ્ટ્રેલિયામાં 6.84 લાખ હિન્દુઓ રહે છે. તેઓ અહીંની વસ્તીના 2.7 ટકા છે. જ્યારે શીખોની વસ્તી આશરે 2.09 લાખ છે. જે કુલ વસ્તીના 0.8 ટકા છે. મોટી વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં વસતા 34 ટકા હિન્દુ 14 વર્ષ અને 66 ટકા હિન્દુ 34 વર્ષની વયના છે. એટલું જ નહીં જુલાઇ 2022ના આંકડા અનુસાર ઓસ્ટ્રેલિયામાં 96 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. જે ચીન પછી વિદેશી વિદ્યાર્થીઓની સૌૈથી મોટી સંખ્યા છે.
12 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે ત્રણે ઘટનાઓમાં મેલબોર્નના મંદિરોની દિવાલ પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. જો કે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. ભારતીય મૂળના જય ગોયલ કહે છે કે દરેક સમસ્યાના બે પક્ષ હોય છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના લોકો દરેક ધર્મમાં હોય છે. પોલીસે તેમને પારખીને કાર્યવાહી કરવી જોઈએ.
મંદિરોને નિશાન બનાવવાની ઘટનાને ખાલિસ્તાન રેફરન્ડમ સાથે જોડાય છે
આ મહિને મેલબોર્નના ત્રણ અલગ અલગ હિન્દુ મંદિરોની દીવાલ પર ભારતવિરોધી નારા લખવામાં આવ્યા. 12 જાન્યુઆરીએ સ્વામિનારાયણ મંદિરના ચિત્રોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 17 જાન્યુઆરીએ શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. જ્યારે 23 જાન્યુઆરીએ હરે કૃષ્ણા મંદિર પર હુમલો કરવામાં આવ્યો. પહેલી ઘટના બાદ હિન્દુ અને શીખ સંગઠનોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ ઘટનાઓને 29 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયામાં થનાર કથિત ખાલિસ્તાન રેફરન્ડમની સાથે જોડીને જોવામાં આવે છે. આ પહેલા આવા રેફરન્ડમ કેનેડા અને અમેરિકાનાં શહેરોમાં થઈ ચૂક્યા છે. ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફૉર જસ્ટિસ દ્વારા આ કથિત જનમત સરવે કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.