પાકિસ્તાનની નફ્ફટાઈ:કરાંચીમાં કટ્ટરપંથીઓએ ફરી હિન્દુ મંદિર તોડ્યું, દુર્ગા માની મૂર્તિ ખંડિત કરી; હિન્દુઓની આસ્થા પર 22 મહિનામાં 9મો હુમલો

એક મહિનો પહેલા
માતાજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. તોડફોડ કરનાર આરોપીને લોકોએ ઝડપી લીધો હતો.

પાકિસ્તાનથી ફરી એક શરમ જનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના કરાંચીમાં કટ્ટરવાદીઓએ નરિયન પોરા હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. અહીં કટ્ટરપંથીઓએ મા દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવાની સાથે સાથે મા દુર્ગાની મૂર્તિ પણ ખંડિત કરી છે. પાકિસ્તાની પત્રકાર વીનગાસે આ વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે. વીનગાસે તેની ટ્વિટમાં કહ્યું છે કે, છેલ્લાં 22 મહિનામાં આ હિન્દુ મંદિરો પર 9મો મોટો હુમલો છે.

પાકિસ્તાની પત્રકાર વીનગાસે તેમની ટ્વિટમાં લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલી નોટીસ અને સરકાર તરફથી મંદિરોની રક્ષાના કરવામાં આવેલા વાયદા પછી પણ 22 મહિનામાં આ હિન્દુ મંદિર પર 9મો હુમલો છે. કશું જ બદલાયું નથી. આવું ત્યારે જ શક્ય છે જ્યારે આરોપીઓને ખુલ્લા ફરવા દેવામાં આવે છે. નોંધનીય છે કે, આ પહેલાં પણ ઘણાં કટ્ટરપંથીઓ પાકિસ્તાનમાં ઘણાં મંદિરો પર હુમલો કરી ચૂક્યા છે.

આ ઘટના પછીથી સ્થાનિક હિન્દુ સમુદાયના લોકો ઈદગાહ પોલીસ સ્ટેશન બહાર સતત વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ ઘટનામાં જે બે લોકો સામેલ હતા તેમાંથી એકની ત્યારે જ ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બીજો આરોપી ભાગી ગયો છે. તેની પણ વહેલામાં વહેલી ધરપકડ કરવામાં આવે તે હેતુથી વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

માતાજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી
માતાજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી

પ્રદર્શન કરતાં લોકોનું કહેવું છે કે, આરોપીઓને ફાંસી આપવામાં આવે. ઘટના સ્થળે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેઓ સ્પીકરથી જાહેરાત કરીને હિન્દુ સમુદાયને સમજાવી રહ્યા છે કે, પાકિસ્તાની પોલીસ, રેન્જર્સ અને દરેક રાજકીય પાર્ટી તમારા દુ:ખમાં સામેલ છે. આ મામલે ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે. પ્રશાસને કહ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મંદિરો પર હુમલા મામલે સુપ્રીમ અધિકારીઓ ટ્રાન્સફર કર્યા, ઈમરાને કર્યો છે મંદિરોના જીર્ણોદ્ધારનો વાયદો
પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ તરફથી હિન્દુ મંદિર પર છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા હુમલા વિશે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર પર કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી સુપ્રીમ કોર્ટે ત્યાના મુખ્ય સચિવ અને ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસની ટ્રાન્સફર કરી દીધી હતી. આ કેસમાં વડાપ્રધાન ઈમરાન ખાને ઘટનાના 24 કલાક પછી કરેલા નિવેદનમાં મંદિરના જીર્ણોદ્ધારની વાત કરી હતી.

સુપ્રીમ કોર્ટે આરોપીઓ પાસેથી 3.30 કરોડ રૂપિયાની વસુલીનો ચુકાદો આપ્યો છે
ગયા વર્ષે પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા (કેપી)માં કટ્ટરપંથીઓએ કરક મંદિર પર હુમલો કરીને તેને તોડી નાખ્યું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય સંભળાવ્યો હતો. બીજી બાજુ મંદિર પર હુમલાના આરોપીઓ પાસેથી મંદિરના જીર્ણોદ્ધાર માટે રૂ. 3.30 કરોડ ખર્ચની વસુલીનો આદેશ પણ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...