પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની નવમી મેનાં દિવસે ધરપકડ અને ત્યારબાદ થયેલી વ્યાપક હિંસાનાં કારણે રાજકીય તોફાનની શરૂઆત થઇ હતી. આ રાજકીય તોફાનની વચ્ચે સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરને સોંપવામાં આવેલા એક અહેવાલે શાહબાઝ શરીફનાં નેતૃત્વવાળી સરકારની મુશ્કેલી વધારી દીધી છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇમરાનની ધરપકડ બાદ સૈન્ય ઠેકાણામાં તોડફોડ અને હુમલામાં સરકાર પણ સામેલ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલયનાં નિર્દેશ પર તોડફોડ અને સેનાની સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ગુપ્તચર બ્યુરો (આઇબી)એ સરકાર સમર્થકોને ઉશ્કેર્યા હતા. આઇબી સરકાર હેઠળ કામ કરે છે. આ રીતે ઉશ્કેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ- ઇન્સાફ (પીટીઆઇ)ને સેનાની દુશ્મન બનાવી દેવાનો હતો. આ અહેવાલ મિલિટ્રી ઇન્ટેલિજન્સ (એમઆઇ) દ્વારા તૈયાર કરાયો હતો.
એનર્જી સિક્યુરિટી સ્કોલર સઇદ અફરીદીએ કહ્યું છે કે, ઇમરાનને સત્તાથી દુર કરવામાં આવ્યા બાદથી જ પીએમએલ-એન નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ટીમ પીટીઆઇ અથવા તો ઇમરાન પર પ્રતિબંધ મુકવા માટે તક શોધી રહી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં પણ નવાઝની ટીમે પીટીઆઇ પર પ્રતિબંધ મુકવા માટે સહમતિ સાધવાનાં પ્રયાસ કર્યા હતા, જો કે સરકારની સાથી પાર્ટી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી ( પીપીપી)નાં નેતા બિલાવલે તેનો વિરોધ કર્યો હતો. નવાઝનાં નજીકનાં સાથી અને સરકારનાં બીજા સૌથી શક્તિશાળી મંત્રી ગૃહમંત્રી રાણા સનાઉલ્લા તો ચૂંટણી યોજવા માટેની માંગણી કરી રહેલા ઇમરાન ખાનને કેટલીક વખત ધમકી આપી ચુક્યા છે.
સઇદનાં સુપ્રીમ કોર્ટ દ્વારા નવમી મેનાં દિવસે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ઠેરવવામાં આવે તે પહેલા અને ત્યારબાદની ઘટનાઓને ધ્યાનમાં લેવામાં આવે તો કાવતરાનો પર્દાફાશ થઇ જશે. હકીકતમાં ઇમરાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેઓ પંજાબ અને ખેબર પખ્તુનખ્વામાં ચૂંટણી યોજવાને લઇને સરકાર અને અન્ય સંસ્થાઓ પર દબાણ લાવી રહ્યા હતા. સરકાર અને સૈન્ય સંસ્થાઓએ ઇમરાનને રોકવા માટે તેમની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દિશામાં સરકારની તરત પ્રથમ પ્રતિક્રિયા ખુબ જ કઠોર હતી.
પીટીઆઇની સાથે આતંકી જેવુ વર્તન કરવામાં આવ્યું હતું.નવાઝ બદલો લેનાર વ્યક્તિ તરીકે છે. નવાઝ ઇમરાનની સાથે સાથે સેનાથી પણ નફરત કરે છે. ટીવી એન્કર અને નિષ્ણાંત વસીમ બદામીનાં કહેવા મુજબ નવાઝ માટે આ જ આદર્શ સ્થિતિ છે કે, શક્તિશાળી સેના અને પીટીઆઇને આમને સામને કરવામાં આવે. નિષ્ણાંત મોઇદ પીરઝાદાનું કહેવું છે કે, નવમી મેનાં દિવસે ઘટનાઓ બન્યા બાદ સ્પષ્ટ છે કે, તમામ બાબતો પીટીઆઇને ખતમ કરવા અને સરકાર મુજબ ચૂંટણી યોજવાની કવાયતનાં ભાગરૂપે બની હતી.
ઇમરાન, પત્ની બુશરા સહિત 80 લોકોની ઉડાન પર પ્રતિબંધ
શાહબાઝ સરકારે ઇમરાન અને તેમની પાર્ટી પીટીઆઇની મુશ્કેલી વધારી દીધી છે. ગુરૂવારે ઇમરાન, તેમની પત્ની બુશરા બીવી સહિત પીટીઆઇ સાથે જોડાયેલા 80 લોકોને નો ફ્લાય યાદીમાં મુકી દીધા છે. આનો અર્થ એ થયો કે, આ યાદીમાં સામેલ લોકો દેશની બહાર જઇ શકશે નહીં. બીજી બાજુ લાહોરનાં કોર્પ્સ કમાન્ડર આવાસ પર હુમલાનાં 16 આરોપીઓને સૈન્ય અદાલતમાં કેસ ચલાવવા માટે સેનાને સોંપી દીધા છે. આરોપીઓની પ્રથમ બેચને સેનાને સોંપી દેવાઇ છે. બીજી બાજુ મર્દાનમાં પણ એક બેચ સામે સેના કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.