વધુ એક હુમલો:કાબુલ પર એકસાથે અનેક રોકેટ છોડવામાં આવ્યાં, પાવર પ્લાન્ટ નજીક થયો હુમલો, ISIS-Kની સંડોવણીની આશંકા

એક મહિનો પહેલા
(ફાઈલ ફોટો)
  • પ્રાથમિક અહેવાલમાં કોઈ નુકસાન નહીં થયાની માહિતી મળી

કાબુલ પર ગુરુવારે સાંજે અનેક રોકેટો વડે હુમલો કરવામાં આવ્યો છે. રશિયાની ન્યૂઝ એજન્સીના લાઈવ રિપોર્ટ પ્રમાણે, એક પાવર પ્લાન્ટને નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે તેને કોઈ જ પ્રકારનું નુકસાન થયું નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે ચમતલાહ ઈલેક્ટ્રિક બસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જોકે હુમલાખોરો નિશાન ચૂકી ગયા હતા.

અત્યારસુધી આ બાબત સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ પાવર પ્લાન્ટને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. તાલીબાનના કેટલાક લોકો ઘટના બાદ અહીં પહોંચ્યા હતા. ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓને પણ ઘટનાસ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે એવું માનવામાં આવે છે કે હુમલો શહેરનો વીજપુરવઠો ખોરવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.

ISIS-K પર શક
રોકેટ હુમલાની આશંકા ISIS ખુરાસાન ગ્રુપ પર વ્યક્ત કરવામાં આવી રહી છે. તેણે 26 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેમાં અમેરિકાના 13 સૈનિકો સહિત 170 લોકો માર્યા ગયા હતા. આ હુમલા સામે અમેરિકાએ આતંકવાદી અડ્ડા પર ડ્રોન હુમલા કર્યાં હતા, જેમાં અનેક આતંકવાદી માર્યા ગયા હતા.