પાક PMની નારાજગી:ઇમરાને કહ્યું- બાઇડનને પૂછો કે તેઓ મને ફોન કેમ નથી કરતા, અફઘાનિસ્તાનને બહારથી કંટ્રોલ નહીં કરી શકાય

ઇસ્લામાબાદએક મહિનો પહેલા
  • અફઘાનિસ્તાન મુદ્દે ઈમરાને કહ્યું, તાલિબાનને સમય આપવાની જરૂર છે

જો બાઇડનને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાને 8 મહિના થઈ ગયા છે. તેમણે વિશ્વના લગભગ દરેક રાષ્ટ્રપ્રમુખોને ફોન કર્યો હતો, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અત્યારસુધી રાષ્ટ્રપતિ બાઈડનના ફોન કોલનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તમામ પ્રયાસો છતાં જ્યારે ઇમરાન ખાન નિયાઝીને અમેરિકી રાષ્ટ્રપતિનો ફોન ન આવ્યો, ત્યારે તેઓ વ્યથામાં જોવા મળી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે ઈમરાનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું- શું બાઇડન એટલા વ્યસ્ત છે કે તે મને ફોન પણ કરી શકતા નથી.

અફઘાનિસ્તાન મુદ્દે ઈમરાને કહ્યું હતું કે તાલિબાનને સમય આપવાની જરૂર છે, જેથી તેઓ મુદ્દાઓનો ઉકેલ કરી શકે. અમેરિકાનું નામ લીધા વગર પાકિસ્તાનના વડાપ્રધાને સ્પષ્ટપણે કહ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત અફઘાનિસ્તાનને બહારથી ચલાવી શકતી નથી.

તાલિબાન સરકારને મદદ કરો
ઇમરાને બુધવારે રાત્રે સીએનએનના કાર્યક્રમ 'કનેક્ટ ધ વર્લ્ડ'ના હોસ્ટ બેકી એન્ડરસનને ઇન્ટરવ્યુ આપ્યો હતો. તાલિબાનના શાસન પર પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું- જરૂર છે કે આ સરકારની મદદ કરવી જોઈએ, તેને ફાયદો કરાવવો જોઈએ, જેથી આ મુદ્દો ઉકેલી શકાય. અફઘાનિસ્તાનને બહારથી અંકુશમાં લેવાનો કોઈ પ્રયાસ ન હોવો જોઈએ, કારણ કે તેઓ ક્યારેય સફળ થશે નહીં. આશા રાખીએ છીએ કે હવે 40 વર્ષ પછી ત્યાં શાંતિ રહેશે. તાલિબાન પોતે કહી રહ્યા છે કે તેઓ દરેકને સાથે લઈને સરકાર ચલાવવા માગે છે, મહિલાઓને અધિકારો આપવા માગે છે.

અફઘાનિસ્તાનની પૂર્વ લીગલ એડવાઇઝર લૈલા હાલમાં જ અમેરિકા પહોંચી છે અને ત્યાં મહિલાઓને હક અપાવવા માટે દુનિયાની મદદ માટેની જરૂરની વાત કરી છે, જ્યારે પાક પીએમ ઈમરાનનું કહેવું છે કે કોઈ બહારની તાકાત અફઘાન મહિલાઓને તેમનો હક અપાવી શકશે નહીં. આ કામ તેમણે પોતે જ કરવાનું રહેશે.
અફઘાનિસ્તાનની પૂર્વ લીગલ એડવાઇઝર લૈલા હાલમાં જ અમેરિકા પહોંચી છે અને ત્યાં મહિલાઓને હક અપાવવા માટે દુનિયાની મદદ માટેની જરૂરની વાત કરી છે, જ્યારે પાક પીએમ ઈમરાનનું કહેવું છે કે કોઈ બહારની તાકાત અફઘાન મહિલાઓને તેમનો હક અપાવી શકશે નહીં. આ કામ તેમણે પોતે જ કરવાનું રહેશે.

કઠપૂતળીની સરકાર નહીં ચાલે
ઇમરાને હામિદ કરઝઇ, અશરફ ગની અને અમેરિકાનું નામ લીધું નથી, પરંતુ તે જે કહેવા માગે છે એ હાવભાવમાં સ્પષ્ટ કરી દીધું. ઈમરાને કહ્યું- અફઘાનિસ્તાનમાં કઠપૂતળી સરકારો પણ જોઈ, શું થયું? એ સરકારો નિષ્ફળ ગઈ. હવે નવા શાસનને વિશ્વની મદદની જરૂર છે. જૂની ભૂલોનું પુનરાવર્તન ન કરો. જો તાલિબાન નિષ્ફળ જાય તો શું થશે એ વિશે વિચારીને પણ ડર લાગે છે.

બહારની તાકતો મહિલાઓને અધિકારો આપી શકતી નથી
એન્ડરસને અફઘાનિસ્તાનમાં મહિલા અધિકારોના મુદ્દે ઇમરાનને વારંવાર પ્રશ્નો પૂછ્યા. તેમણે આનો કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. કહ્યું- એવું વિચારવું પણ ભૂલ હશે કે કોઈ બહારની તાકાતોથી અફઘાનિસ્તાનની મહિલાઓ તેમના અધિકારો મેળવી શકશે. તેઓ પોતે મજબૂત છે અને તેમના અધિકારો માટે લડી શકે છે.

બાઇડનનો ફોન ન આવવાથી નારાજગી
પાકિસ્તાનમાં ઇમરાનની ઘણીવાર એમ કહીને ઠેકડી ઉડાડવામાં આવે છે કે બાઈડન અથવા અમેરિકી વહીવટીતંત્રના અધિકારીઓ પાકિસ્તાની સેના અને આઇએસઆઇ ચીફ સાથે વાત કરે છે, પરંતુ ઇમરાન સાથે નહીં. આ વિશે પૂછવામાં આવેલા સવાલ પર ઈમરાને કહ્યું - બાઈડન ખૂબ વ્યસ્ત હોવા જોઈએ, એટલા માટે મને ફોન નથી કર્યો.

ઇમરાનના આ જવાબ પર એન્ડરસને ફરી તેને પૂછ્યું- નાટો પછી પાકિસ્તાન અમેરિકાનો સૌથી મોટો સાથી રહ્યો છે. શું એવું નથી કે તમે તાલિબાનને જે મદદ કરી છે એને કારણે બાઈડન તમને ફોન નથી કરતા, કારણ કે તાલિબાને અમેરિકન સૈનિકોની હત્યા કરી છે? જવાબમાં ઈમરાને કહ્યું- તેઓ કેવી રીતે આટલા વ્યસ્ત થઈ ગયા કે તે મને ફોન પણ નથી કરી શકતા?

ખુરશી પર બેસેલી વ્યક્તિ અફઘાનિસ્તાનના નવા પોલીસ ચીફ કારી અસદ છે. તેઓ ચક-એ-વારદાતમાં એક વિવાદનું સમાધાન કરવા માટે ગયા હતા. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અનેક ભાગોમાં લૂંટફાટની ઘટનાઓ વધી છે.
ખુરશી પર બેસેલી વ્યક્તિ અફઘાનિસ્તાનના નવા પોલીસ ચીફ કારી અસદ છે. તેઓ ચક-એ-વારદાતમાં એક વિવાદનું સમાધાન કરવા માટે ગયા હતા. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અનેક ભાગોમાં લૂંટફાટની ઘટનાઓ વધી છે.

ISIનો બચાવ
ઇમરાનને પૂછવામાં આવ્યું- પાકિસ્તાન સેના અને ગુપ્તચર એજન્સી ISI પર હક્કાની નેટવર્ક અને તાલિબાનને સીધી મદદ આપવાનો, તેમને ફંડિંગ કરવાનો આરોપ છે? આ અંગે ઇમરાને કહ્યું- આપણી વસતિ 22 કરોડ અને વાર્ષિક બજેટ 50 બિલિયન ડોલર છે. અમે અમારા પોતાના ખર્ચો ચલાવવા માટે સક્ષમ નથી, ત્યાં અમે અન્ય લોકોના યુદ્ધને કેવી રીતે ભંડોળ પૂરું પાડીશું? અને અમે તાલિબાનને શા માટે મદદ કરીશું? તેઓ અમારા જ દેશ પર હુમલો કરે છે. અમેરિકાએ અમને 20 બિલિયન ડોલરની સહાય આપી. અમારું નુકસાન 150 બિલિયન ડોલર થયું હતું.

અમેરિકાએ ભારતની જેમ પાકિસ્તાનને મહત્ત્વ આપવું જોઈએ
એક સવાલના જવાબમાં ઈમરાને કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ભારત અને અમેરિકા સમાન હોવા જોઈએ. એવું ન હોઈ શકે કે તેઓ અમને રૂપિયા આપે અને અમે તેમના વતી યુદ્ધ લડીએ. અમે પહેલેથી જ તાલિબાન અને ISISનાં જોખમોનો સામનો કરી રહ્યા છીએ.