ન્યૂ નોર્મલ:એશિયન દેશો ઝીરો કોવિડની રણનીતિ છોડીને નિયંત્રણો હટાવી રહ્યાં છે

વોશિંગ્ટન6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણની સાથોસાથ હવે સંક્રમણ રોકવા પર પણ ભાર

કોરોનાકાળની શરૂઆત દરમિયાન એશિયા-પેસિફિક ક્ષેત્રના દેશોએ ઝીરો કોવિડની રણનીતિ અપનાવી, જે અંતર્ગત તેમણે પોતાની સરહદો સીલ કરી, કડક લૉકડાઉન કર્યું અને હોટલ ક્વોરેન્ટાઇન શરૂ કર્યું. તેનાં હકારાત્મક પરિણામ પણ સામે આવ્યાં. કોરોનાના કેસ ઘટ્યા પણ હવે ઝીરો કોવિડની રણનીતિ કારગત સાબિત નથી થઇ.

આ દેશોએ રસીકરણનો દર ખૂબ વધાર્યો તે છતાં કોરોનાનો પ્રસાર રોકી ન શક્યા. અર્થતંત્રને અસર થઇ. એવામાં એશિયા પેસિફિકના ઘણા દેશો ઝીરો કોવિડની રણનીતિ છોડીને કોરોના સાથે જીવવાનું સૂત્ર અપનાવી રહ્યા છે. સિંગાપોરે 83% વસતીને રસી આપ્યા છતાં સંક્રમણદર પર અંકુશ ન લાવી શકાતાં હવે 9 દેશમાંથી આવતા લોકો માટે પોતાની બોર્ડર ખોલી દીધી છે.

સિંગાપોરના વડાપ્રધાન લી હેસિન લોન્ગે શનિવારે કહ્યું કે કાયમ લૉકડાઉનની સ્થિતિમાં ન રહી શકાય. કોરોના સાથે જ જીવવું પડશે.

કોરોનાના કેસ વધી રહ્યા છે
સિંગાપોરમાં રોજ 3 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રોજ લગભગ 2 હજાર અને ન્યૂઝીલેન્ડમાં પણ 500થી ઓછા કેસ રોજ સામે આવી રહ્યા છે. આ ત્રણેય દેશોએ ઝીરો કોવિડનું લક્ષ્ય રાખ્યું હતું પણ સંક્રમણ ન રોકી શકવાને કારણે હવે તેમણે ઝીરો કોવિડથી યુ-ટર્ન લઇ લીધો છે.

સિંગાપોર મોડલમાંથી બોધપાઠ, રસીકરણને ફોર્મ્યૂલા માની હતી

  • સિંગાપોરની નેશનલ હોસ્પિ.ના ડૉ. પોલ તમબયાનું કહેવું છે કે અમે અમારી જ સફળતાથી પીડિત છીએ. રસીકરણને કોરોના સામે લડવા માટેની એકમાત્ર ફોર્મ્યૂલા માનવી ભૂલ હતી.
  • ઝીરો કોવિડનું લક્ષ્ય નક્કી કરાયું પણ સિંગાપોરને જલદી ખબર પડી ગઇ કે વાઇરસથી ફેલાતા આ રોગથી ઝીરો કોવિડ થવું અશક્ય છે.
  • સિંગાપોરના નાણામંત્રીનું કહેવું છે કે હવે સ્પષ્ટ છે કે માત્ર રસીકરણથી જ રિઓપન ન કરી શકાય. ફેસ-માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ 2024 સુધી જારી રાખવું પડશે.
  • રસીકરણ વધતાં મૃત્યુદર પર કાબૂ મેળવી શકાયો. મૃતકોમાંથી મોટા ભાગના વૃદ્ધ અને કોમોર્બિડ છે. હાલ 98.4% દર્દીઓમાં સંક્રમણનું સ્તર ઘણું ઓછું છે.

લોકોએ કોરોના સાથે જીવવું પડશે

  • ઓસ્ટ્રેલિયા: વડાપ્રધાન સ્કોટ મોરિસનનું કહેવું છે કે હોસ્પિટલોને સંક્રમણ વધે તોપણ તૈયાર રહેવા કહીશું.
  • ન્યૂઝીલેન્ડ: સૌથી કડક લૉકડાઉન કરાયું હતું. પીએમ જેસિન્ડા આર્ડને કહ્યું કે ઝીરો કોવિડથી આગળનું વિચારવું પડશે.
  • વિયેતનામ: શરૂમાં ઝીરો કોવિડનું લક્ષ્ય રખાયું. અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો જોતાં પડતું મુકાયું.
  • હોંગકોંગ: રસીકરણ છતાં સંક્રમણ પર અસરકારક રોક ન લાગી. સરકાર હવે બહેતર મેડિકલ સુવિધાઓ આપવા પર ભાર મૂકી રહી છે.

અન્ય સમાચારો પણ છે...