દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં એક પોપટે પત્રકારનો ઈયરફોન ચોરી લીધો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેટિઝન્સમાં ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની મજાની વાત એ છે કે પત્રકાર શહેરમાં એક ચોરીની ઘટનાનું રિપોર્ટિંગ કરી રહ્યો હતો. ત્યારે પોપટે તેના ઈયરફોન ચોરી લીધા હતા.
પત્રકાર નિકોલસ ક્રુમનો આ વીડિયો જીની હેલહેડ નામની મહિલાએ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નિકોલ્સ શહેરમાં થયેલી ચોરી અંગે લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. ત્યારે એક પોપટ આવીને તેના ખભા પર બેસી જાય છે. 10 સેકન્ડ સુધી બેઠા પછી પોપટ ઈયરફોન લઈને ઊડી જાય છે. જો કે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પોપટે ઇયરફોન થોડા અંતરે મૂકી દીધા હતા, જે રિપોર્ટરને મળી આવ્યા હતા.
જ્યારે એન્કરના મોઢામાં માખી ઘૂસી ગઈ હતી
રિપોર્ટિંગ દરમિયાન બનેલી આ પહેલી રમૂજી ઘટના નથી. ભૂતકાળમાં પણ આવી કેટલીક ઘટનાઓ બની છે. સપ્ટેમ્બર 2022માં કેનેડામાં એન્કરિંગ દરમિયાન મહિલા પત્રકારના મોઢામાં માખી ઘૂસી ગઈ હતી. ગ્લોબલ ન્યૂઝ ચેનલની એન્કર ફરાહ નાસિર સાથે આ ઘટના બની હતી. સમાચાર વાંચતી વખતે હવામાં ઊડતી માખી એન્કર ફરાહના મોઢામાં ઘૂસી જતા તે માખી ગળી ગઈ હતી.
કૂતરાએ મહિલા રિપોર્ટર પાસેથી માઈક છીનવી લીધું હતું
એપ્રિલમાં મોસ્કોમાં લાઈવ પ્રસારણ દરમિયાન એક કૂતરાએ રિપોર્ટરનું માઈક છીનવી લીધું હતું. રિપોર્ટર હવામાનનો અહેવાલ આપી રહ્યો હતો. ત્યારે એક કૂતરાએ કૂદીને રિપોર્ટરના હાથમાંથી માઈક છીનવી લીધું હતું.
પાકિસ્તાની મહિલા પત્રકારે બાળકને થપ્પડ મારી હતી
પાકિસ્તાનની એક મહિલા પત્રકારે ઈદના અવસર પર રિપોર્ટિંગ કરતી વખતે કેમેરાની સામે આવવા બદલ બાળકને થપ્પડ મારી હતી. બાળક રિપોર્ટરને પરેશાન કરી રહ્યો હતો, જેના કારણે તે પોતાનું ભાન ભૂલી ગઈ અને બાળકને થપ્પડ મારી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.