ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આસામમાં 47 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, પીડિતોએ કહ્યું- આવું ભીષણ પૂર પહેલીવાર જોયું

ગુવાહાટી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરથી અત્યાર સુધી 84 લોકોનાં મોત, એનડીઆરએફ-સેના મોરચા પર
  • મેઘાલય પણ પૂરથી બેહાલ, આઠ દિવસમાં 18નાં મોત

આસામમાં પૂરનો કેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંના 35માંથી 32 જિલ્લા પૂરથી બેહાલ છે. અહીં પૂર-ભૂસ્ખલનને લગતી ઘટનાઓમાં મંગળવાર સુધી કુલ 84નાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 11 લોકોનાં ડૂબી જવાથી મોત થયાં છે. બીજી તરફ, મેઘાલયમાં પણ પૂરથી આઠ દિવસમાં 18 લોકોનાં મોત થયાં છે. અહીં અનેક સ્થળે બ્રહ્મપુત્ર અને તેની પેટા નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ભાસ્કર સંવાદદાતા આસામના કામરૂપ જિલ્લાના ઉડિયાના ગામ પહોંચ્યા, તો ત્યાં લાચારી અને તબાહીનાં દૃશ્યો દેખાયાં.

આ ગામના 55 વર્ષીય મોહમ્મદ સાબિર અલીએ કહ્યું કે આ પૂરમાં અમારા ખેતર ડૂબી ગયાં. ચોખા-અનાજ બધું જ વહી ગયું. પૂરે અમને ચારેય તરફથી ઘેરી લીધા છે. પીવાનું પાણી પણ નથી. પાંચ દિવસથી લોકોને એક એક દાણા માટે ફાંફાં પડી રહ્યા ગયા છે. આ જ જિલ્લાના નરેશ્વર ભુઈઆએ કહ્યું કે અમારું ઘર પાણીમાં ડૂબી ગયું. આ પહેલાં આટલું ભયાનક પૂર ક્યારેય નથી જોયું. દૂર દૂર સુધી ફક્ત પાણી જ દેખાય છે. જમીનનો એક ટુકડો નથી બચ્યો. ખાવા-પીવાનું ખતમ થઈ ગયું છે.

આટલા પાણીમાં જીવના જોખમે રહીએ છીએ. પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, એટલે બે દિવસથી અમે સૂઈ પણ નથી શક્યા. જો નદીઓમાં પાણી વધશે, તો ઘર છોડવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે.’ ભાસ્કર સંવાદદાતા ગુવાહાટીથી નેશનલ હાઈ-વે 31 પર આગળ વધ્યા તો રસ્તાની બંને તરફ ડૂબેલાં ગામ દેખાયાં. ઉડિયાના, દોદતિયા સહિત અનેક ગામના રસ્તા તૂટી ગયા છે. લોકો કેળાનાં વૃક્ષો અને વાંસની હોડીઓમાં અવરજવર કરી રહ્યા છે. સ્કૂલ, હેલ્થ સેન્ટર બધાં જ સ્થળે આઠ-દસ ફૂટ પાણી ભરાયું છે. આખું રંગિયા શહેર પણ પૂરના પાણીમાં ડૂબી ગયું છે.

ફાતિમા બેગમનું ગામ પણ રંગિયામાં છે. છેલ્લા પાંચ દિવસથી રસ્તા પર રહેતા ફાતિમા કહે છે કે અમારે કોંગ્રેસ-ભાજપની વાત નથી કરવી. કોઈ નેતા કહી શકે કે અમે રાશન વિના કેવી રીતે જીવી શકીશું? મહેરબાની કરીને અમારી મદદ કરો. સબ ડિવિઝનલ ઓફિસર જાવીર રાહુલ સુરેશે કહ્યું કે ભુતાનના પહાડી વિસ્તારોમાં સતત વરસાદથી ત્રણ દિવસમાં આખું રંગિયા પાણીથી ભરાઈ ગયું. એક તટબંધ પણ તૂટી ગયો છે, જેનાથી સ્થિતિ વધુ વણસી. લોકોને બચાવવા એનડીઆરએફ, સ્ટેટ ડિઝાસ્ટર ટીમ અને સેનાના જવાનો તહેનાત કરાયા છે. અમારા વિસ્તારમાં એક લાખથી વધુ વસતી પૂરની લપેટમાં છે. અનેક ગામ સાથે સંપર્ક તૂટી ગયો છે.

વિકરાળ પૂર, કારણ કે વરસાદ તેજ, નદીઓનાં પાણીનું યોગ્ય મેનેજમેન્ટ નથી થતું
આસામ યુનિવર્સિટીમાં પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર જયશ્રી રાઉત કહે છે કે આ વખતે પૂરની સ્થિતિ ગંભીર છે. વરસાદ સતત વધી રહ્યો છે. આ બધી બાબતોને હવે ક્લાઈમેટ ચેન્જ સાથે જોડી દેતા પહેલાં અહીંની મોટી નદીઓના મેનેજમેન્ટથી લઈને ફોરેસ્ટ કવરને લગતા વિષયોમાં ઊંડા ઉતરવાની જરૂર છે. જંગલો સતત કપાઈ રહ્યા છે, જેનાથી નદીઓમાં કાંસ વધી રહ્યો છે. એટલે જ ખાસ કરીને મોટી નદીઓની આસપાસ મોટાં જંગલ વિસ્તારો બચાવવાની તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...