તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • International
 • Are Islamic Nations Capable Of Swaying Israel? How Did The Jewish Nation, Which Came Into Existence In 1948, Become A Superpower?

મિડલ ઈસ્ટનું રાજકારણ:ઈસ્લામિક રાષ્ટ્રો ઇઝરાયેલને ઝુકાવી દેવામાં સક્ષમ છે? 1948માં અસ્તિત્વમાં આવેલું યહૂદી રાષ્ટ્ર કઈ રીતે બન્યું સુપરપાવર?

4 મહિનો પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
 • કૉપી લિંક
 • તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરી કહ્યું, હવે ઇઝરાયેલને પાઠ ભણાવવાનો સમય આવી ગયો
 • 70ના દશકામાં આરબ રાષ્ટ્રોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જોકે ઇઝરાયેલે 6 દિવસમાં તમામ રાષ્ટ્રોને હરાવ્યા હતા, જોકે આજે વાત જુદી છે
 • પહેલાં પેલેસ્ટાઈન સામેની ઇઝરાયેલની લડાઈ સમગ્ર આરબજગતની લડાઈ હતી. જોકે હવે સમય અલગ છે અને પેલેસ્ટાઈનની લડાઈ બે રાષ્ટ્રો વચ્ચેની જ મુશ્કેલી છે

ઇઝરાયેલ અને હમાસ કે જે એક પેલેસ્ટાઈનનું સંગઠન છે, તેની વચ્ચે છેલ્લા 5 દિવસથી હુમલાઓ થઈ રહ્યા છે અને યુદ્ધની શક્યતા જોવામાં આવી રહી છે. હમાસ ઇઝરાયેલ પર અત્યારસુધીમાં 1750 રોકટ છોડી ચૂક્યું છે, જેની સામે ઇઝરાયેલે પેલેસ્ટાઈનના કબજાવાળી ગાઝાપટ્ટીમાં 600થી વધુ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલામાં 27 બાળકો સહિત 103 લોકો મોતને ભેટ્યાં છે. ઇઝરાયેલ હાલ કોઈ રાષ્ટ્ર સાથે નહીં, પરંતુ એક સંગઠન કે જેને ઇઝરાયેલ સહિત પશ્ચિમી રાષ્ટ્રો આતંકી સંગઠન માને છે તે હમાસ સાથે જંગ લડી રહ્યાં છે. જે લોકો ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદથી અજાણ હશે તેમના માટે હમાસનું નામ નવું છે. ઇઝરાયેલ હમાસની તુલના અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે કરે છે. જોકે હકીકત એ છે કે હમાસને જન્મ આપનારું ઇઝરાયેલ જ છે. જોકે હમાસ કેટલું મજબૂત છે અને ઇઝરાયેલ સામે કોના જોરે બાથ ઝીલી રહ્યું છે એ વાત આગળ કરીશું.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સ્કેલ વોર હવે મોટા જંગ તરફ આગળ વધી રહ્યું છે. ઇઝરાયેલે પોતાની આર્મી અને ટેન્ક્સને ગાઝાપટ્ટી પાસે તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. એરફોર્સની એક્ટિવિટી પણ વધી ગઈ છે. તો બીજી તરફ અમેરિકાએ ગુરુવારે મળનારી UNSCની મીટિંગને બ્લોક કરી દીધી હતી. USનું કહેવું છે કે આ મીટિંગથી શાંતિ કાયમ કરવાનો કોઈ જ ફાયદો નથી. આ મીટિંગ ચીન દ્વારા બોલાવવામાં આવી હતી. મિડલ ઈસ્ટમાં જોવા મળતા આ તણાવ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગને ઇઝરાયેલ વિરુદ્ધ મુસ્લિમ દેશોને એકઠા કરવાનું શરૂ કરી દીધું છે. અર્દોગેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરી હવે ઇઝરાયેલને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે એમ જણાવ્યું છે.

શું ઈસ્લામિક દેશો ઇઝરાયેલને ઝુકાવી દેવાની સ્થિતિમાં છે?
સાઉદી આરબ અને તુર્કીની દુશ્મની ઓટોમન સામ્રાજ્ય સામે જ છે, જ્યારે કે બંને સુન્ની મુસ્લિમ બહુમતીવાળા દેશ છે. માનવામાં આવે છે કે બંને રાષ્ટ્રો વચ્ચે મુસ્લિમ વર્લ્ડના નેતૃત્વની પણ હોડ છે. સાઉદી આરબની પાસે મક્કા અને મદીના છે તો તુર્કીની પાસે વિશાળ ઓટોમન સામ્રાજ્યની વિરાસત. ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જોવા મળતા જંગને લઈને સાઉદી અને તુર્કી પેલેસ્ટાઈનના સમર્થનમાં જ નિવેદન આપી રહ્યા છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં પેલેસ્ટાઈન ઓટોમન સામ્રાજ્યનો એક ભાગ હતો, એટલે અર્દોગન ઊછળી ઊછળીને બોલે એ વાજબી છે, પરંતુ આ સિક્કાની બીજી બાજુ એ છે કે તુર્કી તરફથી પેલેસ્ટાઈનના સમર્થનમાં કેટલોક વિરોધાભાસ પણ છે. સાઉદી આરબના ઇઝરાયેલની સાથે કોઈ રાજકીય સંબંધ નથી પરંતુ તુર્કીના છે. ગત વર્ષે ટ્રમ્પ પ્રશાસને ખાડી દેશો પર ઇઝરાયેલ સાથે રાજકીય સંબંધ કાયમ કરવા માટેનું દબણ કર્યું હતું, જેને પરિણામે બહેરીન, UAEએ ઇઝરાયેલ સાથે રાજકીય સંબંધો મજબૂત બનાવ્યા હતા. એ બાદ સુદાન અને મોરક્કોએ પણ ઇઝરાયેલ સાથેના રાજકીય સંબંધ કાયમ કરવાનો નિર્ણય કર્યો હતો. આ રીતનું જ દબાણ સાઉદી પર પણ હતું, પરંતુ તેઓ કોઈ દબાણ આગળ ન ઝૂક્યા અને જ્યાં સુધી પેલેસ્ટાઈન 1967ની સરહદ અંતર્ગત સ્વતંત્ર દેશ નહીં બને ત્યાં સુધી તેઓ ઇઝરાયેલ સાથે ઔપચારિક સંબંધ કાયમ નહીં કરે એમ જણાવ્યું છે. સાઉદી પૂર્વી જેરુસલેમને પેલેસ્ટાઈનની રાજધાની બનાવવાની માગ પણ કરે છે.

ઈસ્લામિક રાષ્ટ્રોનો સમૂહ, જેમાં તુર્કી અને સાઉદી આરબે ઇઝરાયેલનાં પગલાંની નિંદા કરી છે અને ઇઝરાયેલ વિરુદ્ધ એક થવાની હાકલ કરી છે (ફાઈલ).
ઈસ્લામિક રાષ્ટ્રોનો સમૂહ, જેમાં તુર્કી અને સાઉદી આરબે ઇઝરાયેલનાં પગલાંની નિંદા કરી છે અને ઇઝરાયેલ વિરુદ્ધ એક થવાની હાકલ કરી છે (ફાઈલ).

તુર્કીની બેવડી નીતિ
UAE અને બહેરીને ઇઝરાયેલ સાથે રાજકીય સંબંધ મજબૂત કરતાં તુર્કી આ બંને રાષ્ટ્રોની નિંદા કરતું હતું. જોકે તુર્કી અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય સંબંધ 1949થી છે. આટલું જ નહીં, ઇઝરાયેલને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાવાળો પહેલો મુસ્લિમ દેશ પણ તુર્કી જ હતું. આ ઉપરાંત વર્ષ 2005માં અર્દોગને પોતાનાં કેટલાંક વેપારી ગ્રુપ સાથે બે દિવસ માટે ઇઝરાયેલની મુલાકાત પણ કરી હતી. આ મુલાકાત સમયે અર્દોગને ઇઝરાયેલના તત્કાલીન PM એરિયલ શેરોન સાથે મુલાકાત કરી હતી અને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ન માત્ર ઇઝરાયેલ માટે, પરંતુ સમગ્ર દુનિયા માટે ખતરનાક છે એમ જણાવ્યું હતું.

2010માં ઇઝરાયેલના કમાન્ડોએ તુર્કીના 10 લોકોને ઠાર કર્યા હતા છતાં તુર્કીએ ઇઝરાયેલ સાથે વ્યાપારિક સંબંધો રાખ્યા છે. 2019માં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 6 અબજ ડોલરથી વધુ થયો હતો. 2010 બાદથી અર્દોગનના શાસનકાળમાં તુર્કી અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધ તણાવભર્યા જ રહ્યા છે. પેલેસ્ટાઈનનાં હથિયારબંધ ઈસ્લામિક ગ્રુપ હમાસને અમેરિકા અને EU આતંકવાદી સંગઠન ગણે છે જ્યારે કે તુર્કી હમાસને એક રાજકીય આંદોલનકારી ગણાવે છે.

તુર્કી અને ઇઝરાયેલ વચ્ચે 1949થી રાજકીય સંબંધ છે. ઇઝરાયેલના PM નેતન્યાહુ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (ફાઈલ).
તુર્કી અને ઇઝરાયેલ વચ્ચે 1949થી રાજકીય સંબંધ છે. ઇઝરાયેલના PM નેતન્યાહુ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (ફાઈલ).
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી UAE અને બહેરીને ઇઝરાયેલ સાથે રાજકીય સંબંધ સુધાર્યા છે. તસવીરમાં ઇઝરાયેલના PM નેતન્યાહુ, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ અને UAEના વિદેશમંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ હળવા વાતાવરણમાં જોવા મળે છે. (ફાઈલ)
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી UAE અને બહેરીને ઇઝરાયેલ સાથે રાજકીય સંબંધ સુધાર્યા છે. તસવીરમાં ઇઝરાયેલના PM નેતન્યાહુ, અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ અને UAEના વિદેશમંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ હળવા વાતાવરણમાં જોવા મળે છે. (ફાઈલ)

સાઉદી અને હમાસના સંબંધોમાં ભારે ઉતાર-ચડાવ
80ના દશકામાં હમાસના અસ્તિત્વ બાદ સાઉદી આરબની સાથે વર્ષો સુધી સારા સંબંધ રહ્યા. જોકે 2019માં સાઉદી આરબે હમાસના અનેક સમર્થકોની ધરપકડ કરી હતી, જેને લીધે હમાસે નિવેદન જાહેર કરી સાઉદી આરબની નિંદા કરી હતી. હમાસે પોતાના સમર્થકોને સાઉદીમાં પરેશાન કરી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો. 2000ના દશકામાં હમાસ ઈરાનની નજીક થયું. ઈરાન અને સાઉદી આરબ બંને એકબીજાનાં વિરોધ રાષ્ટ્રો છે. ઈરાન શિયા મુસ્લિમ દેશ છે, જ્યારે સાઉદી આરબ સુન્ની ઈસ્લામિક દેશ તો પેલેસ્ટાઈનનું સંગઠન હમાસ પણ સુન્ની ઈસ્લામિક સંગઠન છે.

આ તસવીર 2015ની છે. તસવીરમાં સાઉદીના કિંગ સલમાન અને હમાસના રાજકીય બ્યુરો મોહમ્મદ નઝલ જોવા મળે છે.
આ તસવીર 2015ની છે. તસવીરમાં સાઉદીના કિંગ સલમાન અને હમાસના રાજકીય બ્યુરો મોહમ્મદ નઝલ જોવા મળે છે.

હમાસ અને ઈરાન વચ્ચેની નિકટતા
ઇઝરાયેલનો ખુલ્લેઆમ વિરોધ જેટલું ઈરાન કરે છે એટલો વિરોધ મિડલ ઈસ્ટના એકપણ દેશ કરતા નથી, ત્યારે હમાસ અને ઈરાન વચ્ચે નિકટતા સ્વાભાવિક છે. 2007માં પેલેસ્ટાઈનની ચૂંટણીમાં હમાસની જીત થઈ અને આ સાથે જ ઈરાન સાથેની તેમની નિકટતા પણ વધી ગઈ. જોકે હમાસ અને સાઉદીના સંબંધમાં ઓટ આવી. જ્યારે 2011માં આરબ સ્પ્રિંગ કે આરબ ક્રાંતિ શરૂ થઈ તો સિરિયામાં બશર અલ-અસદ વિરુદ્ધ લોકો રસ્તા પર ઊતરી આવ્યા. ઈરાન બશર અલ-અસદની સાથે હતા અને આ વાત હમાસને પસંદ પડી ન હતી, જેને પગલે ઈરાન અને હમાસના સંબંધમાં તિરાડ પડી હતી. જોકે આરબ ક્રાંતિને લઈને સાઉદી આરબનું વલણ ઈજિપ્તને લઈને જે રહ્યું એ પણ હમાસને પસંદ ન પડ્યું.

સાઉદી ઈજિપ્તમાં ચૂંટાયેલી સરકારનો વિરોધ કરી રહ્યા હતા, એવામાં ફરીથી હમાસની નિકટતા તહેરાન સાથે વધી હતી. 2019ના જુલાઈમાં હમાસનું એક પ્રતિનિધિમંડળ ઈરાન પહોંચ્યું હતું અને ત્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખોમેનેઇ સાથે મુલાકાત કરી હતી. સાઉદી આરબમાં હમાસના નેતાઓને મુસ્લિમ બ્રધરહૂડ સાથે પણ જોડવામાં આવે છે.

હમાસના સિનિયર લીડર ઈસ્માઈલ હનિયા અને ઈરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખોમેનેઇ સાથે મુલાકાત કરી રહ્યા છે (ફાઈલ)
હમાસના સિનિયર લીડર ઈસ્માઈલ હનિયા અને ઈરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખોમેનેઇ સાથે મુલાકાત કરી રહ્યા છે (ફાઈલ)

આટલા વિરોધ વચ્ચે ઈસ્લામિક દેશો ઇઝરાયેલ વિરૂદ્ધ એક થશે?
મિડલ ઈસ્ટના રાજકારણમાં એક રાષ્ટ્રનો બીજા રાષ્ટ્ર સાથે મનમેળ નથી જોવા મળતો, ત્યારે પેલેસ્ટાઈન કે હમાસ માટે તેઓ પોતાની અંદરોઅંદરની લડાઈ ભૂલી જશે. આ અંગે મિડલ ઈસ્ટના રાજકારણના નિષ્ણાત જણાવે છે કે 1967 પહેલાંથી સિચ્યુએશન અલગ હતી. 1967 પહેલાં પેલેસ્ટાઈન અને ઇઝરાયેલની સમસ્યા સમગ્ર આરબની સમસ્યા હતી, પરંતુ 1967માં ઇઝરાયેલ વિરુદ્ધ આરબ રાષ્ટ્રોનું યુદ્ધ જ્યારથી ઇઝરાયેલે જીતી લીધું છે ત્યારથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સમસ્યા આ બંને રાષ્ટ્રો વચ્ચેની જ રહી ગઈ છે.

જ્યાં સુધી તુર્કીની વાત છે તો એર્દોગન USમાં બાઈડન આવ્યા બાદથી ઇઝરાયેલ સાથે સંબંધ સુધારવાના પ્રયાસમાં છે. તેઓ રાજદૂત મોકલવા માટે પણ તૈયાર હતા, પરંતુ ઇઝરાયેલે ખાસ કોઈ રસ ન દાખવ્યો. એ બાદ અર્દોગન ઇઝરાયેલ વિરુદ્ધ આક્રમક નિવેદનો આપી રહ્યા છે.

રાજકીય નિષ્ણાત વધુમાં જણાવે છે કે ઈસ્લામિક દેશો માત્ર પ્રતિક્રિયા દેખાડ્યા સિવાય વધુ કંઈ જ નહીં કરી શકે. મોટા ભાગના ઈસ્લામિક દેશ રાજાશાહીવાળા છે ત્યારે ત્યાંની પ્રજાને જનાદેશ તરીકે પોતાની રજૂઆત દેખાડવાની તક નથી મળતી. જોકે મુસ્લિમ રાષ્ટ્રોમાં સામાન્ય લોકોનું સમર્થન પેલેસ્ટાઈન પ્રત્યે જ હોય છે. આવામાં ત્યાંના શાસક માત્ર ઇઝરાયેલ વિરુદ્ધ આગ ઓકીને પેલેસ્ટાઈનના સમર્થનમાં કંઈક બોલીને તેઓ મુસ્લિમ રાષ્ટ્રો એકસાથે જ છે એવું બતાવવાનો પ્રયાસ કરે છે, સાથે જ ત્યાંના લોકો અને ઈસ્લામિક સંગઠનોને પણ ખુશ રાખે છે.

ઇઝરાયેલ મુસ્લિમ આરબ દેશો વચ્ચે ઘેરાયેલું રાષ્ટ્ર છે.
ઇઝરાયેલ મુસ્લિમ આરબ દેશો વચ્ચે ઘેરાયેલું રાષ્ટ્ર છે.

આ તો વાત થઈ ઇઝરાયેલની આજુબાજુ આવેલા ઈસ્લામિક દેશની. આ એ જ દેશો છે, જેણે 1967માં ઇઝરાયેલને એક નબળું રાષ્ટ્ર ગણી હુમલો કર્યો હતો. જોકે ઇઝરાયેલે બધાની ધારણાથી વિપરીત માત્ર 6 જ દિવસમાં લડાઈનો ફેંસલો લાવી દિધો હતો. આ લડાઈ ઇઝરાયેલ વિરુદ્ધ જોર્ડન, ઈજિપ્ત, અને સિરિયા જેવાં આરબ રાષ્ટ્રોએ એક થઈને લડી હતી. આ લડાઈ 5 જૂને શરૂ થઈ હતી અને 10મી જૂને એનો નિર્ણય પણ આવી ગયો હતો. આ લડાઈ થઈ ત્યારે ઇઝરાયેલના અસ્તિત્વને માત્ર 18 જ વર્ષ થયાં હતાં. એ બાદથી ઇઝરાયેલે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા સુપરપાવર બનવા તરફ દોટ મૂકી અને આજે ઇઝરાયેલ વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્રોની યાદીમાં સ્થાન પામે છે. ત્યારે ઇઝરાયેલ કેમ સુપરપાવર કહેવાય છે એ જોઈએ..

69 વર્ષનું મજબૂત રાષ્ટ્ર એટલે ઇઝરાયેલ

ગાઝાપટ્ટી પર હમાસના અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરતું ઇઝરાયેલના એરફોર્સનું હેલિકોપ્ટર.
ગાઝાપટ્ટી પર હમાસના અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરતું ઇઝરાયેલના એરફોર્સનું હેલિકોપ્ટર.
 • ઇઝરાયેલનું અસ્તિત્વ 1948માં આવ્યું. ભારતના મણિપુરથી પણ નાના ઇઝરાયેલની વસતિ લગભગ 85 લાખ જેટલી છે. ખનીજ સંપદાના મામલે પણ ઇઝરાયેલ ભારત સામે ક્યાંય નથી ટકતું છતાં ઇઝરાયેલ ટેક્નિક અને સૈન્ય ક્ષમતામાં અગ્ર દેશોની યાદીમાં સામેલ છે.
 • ઇઝરાયેલ એક હાઈટેક સુપરપાવર છે અને તેઓ વિશ્વભરમાં આધુનિક હથિયારો વેચવાના મામલે ઘણા જ આગળ છે. દર વર્ષે ઇઝરાયેલ લગભગ 6.5 અબજ ડોલરનાં હથિયાર વેચે છે. 1985 સુધી ઇઝરાયેલ વિશ્વભરમાં સૌથી વધુ ડ્રોન એક્સપોર્ટ કરનારો દેશ રહ્યો.
 • ઇઝરાયેલની સૈન્ય તાકાતની વાત કરીએ તો એવું કહેવાય છે કે તેઓ પોતાના દેશમાં નાગરિક નહીં એક સેના તૈયાર કરે છે. ત્યાંના દરેક નાગરિકને સેનામાં સેવા આપવી ફરજિયાત છે.
 • 2000માં ઇઝરાયેલના એરફોર્સને પહેલી ઓપરેશનલ એરો મિસાઈલ બેટરી મળી હતી. આ ઓપરેશન સિસ્ટમની સાથે જ ઇઝરાયેલ દુનિયાનો પહેલો દેશ બની ગયો હતો, જેને દુશ્મન દેશની મિસાઈલને રસ્તામાં નષ્ટ કરવાની ક્ષમતા મેળવી હોય.
 • 1989માં ઇઝરાયેલે અંતરિક્ષમાં પહેલો જાસૂસી ઉપગ્રહ છોડ્યો હતો. આજે ઇઝરાયેલના આઠ જાસૂસી ઉપગ્રહ અંતરિક્ષમાં છે. દુનિયાભરમાં ઇઝરાયેલના જાસૂસી ઉપગ્રહનો કોઈ જ જવાબ નથી.
 • ઇઝરાયેલ વિશ્વભરમાં પોતાની મર્કોવા ટેન્ક માટે પણ જાણીતું છે.,જેને આઈટીએફ એટલે કે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સમાં 1979માં સામેલ કરાયું હતું. આઈડીએફમાં લગભગ 1600 મર્કાવા ટેન્ક છે. ઇઝરાયેલી એરફોર્સની પાસે F-15I થંડર ફાઈટર પ્લેન છે. મધ્યપૂર્વમાં આ ફાઈટર પ્લેન ઘણાં જ ઘાતક માનવામાં આવે છે. જે એર ટુ એર અટેકની ક્ષમતા ધરાવે છે.
 • ઇઝરાયેલની પાસે જેરિકો III પરમાણુ પ્રતિરોધક ક્ષમતા છે. જેરિકો I બેલેસ્ટિક મિસાઈલને ઇઝરાયેલી સેનામાં 70ના દશકામાં સામેલ કર્યું હતું. એ બાદ જેરિકો II અને હવે જેરિકો IIIએ છે.
 • સમગ્ર દુનિયામાં ઇઝરાયેલ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા સૌથી સ્થિર માનવામાં આવે છે. ઇઝરાયેલની કુલ GDP 318.7 અબજ ડોલર છે અને તેની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર લગભગ 4 ટકા જેટલો છે.
 • ઇઝરાયેલ સત્તાવાર રીતે પોતાને પરમાણુ શક્તિ સંપન્ન દેશ નથી ગણાવતો, પરંતુ કહેવાય છે કે ઇઝરાયેલ 70ના દશકામાં જ પરમાણુ હથિયારોથી સજ્જ થઈ ગયું હતું. વોશિંગ્ટન સ્થિત સંસ્થા આર્મ્સ કંટ્રોલ એસોસિયેશનના હાલના રિપોર્ટ મુજબ ઇઝરાયેલની પાસે કુલ 80 પરમાણુ હથિયાર છે.
ઇઝરાયેલની પોલીસે અત્યારસુધીમાં આ રમખાણોમાં સામેલ 400 લોકોની ધરપકડ કરી છે.
ઇઝરાયેલની પોલીસે અત્યારસુધીમાં આ રમખાણોમાં સામેલ 400 લોકોની ધરપકડ કરી છે.
ઇઝરાયેલની મહિલા સૈનિક.
ઇઝરાયેલની મહિલા સૈનિક.
અન્ય સમાચારો પણ છે...