ઈરાનમાં ચાર મહિનાથી ચાલી રહેલા હિજાબવિરોધી દેખાવો હવે થંભી ગયા છે. હતાશ થઇને લોકોએ ઘરે પાછા ફરવાનું શરૂ કર્યું છે. તેની પાછળ તર્ક એ છે કે સરકારવિરોધી દેખાવોની સરકાર પર કોઈ અસર દેખાઈ રહી નથી.
તેનાથી વિપરિત સરકાર વધુ કડક વલણ અપનાવી રહી છે. તેની ઔપચારિક જાહેરાત હાલ થઈ નથી. અહીં લોકોમાં સરકાર પ્રત્યે હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. ખરેખર 13 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહસા અમિની પોતાના પરિવારને મળવા તહેરાન આવી હતી. તેણે હિજાબ નહોતો પહેર્યો. પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. ધરપકડના 3 દિવસ પછી એટલે કે 16 સપ્ટેમ્બરે તે મૃત્યુ પામી ગઈ. તેના બાદથી આ મામલો ચર્ચામાં રહ્યો.
સમગ્ર દેશમાં હિજાબવિરોધી ધારદાર દેખાવો શરૂ થઇ ગયા. તેના લીધે અત્યાર સુધી ફૂટબોલર, એક્ટર, પત્રકાર અને વિદ્યાર્થીઓ સહિત 20 હજારથી વધુ લોકોને જેલ ભેગાં કરાયા છે. 100થી વધુ લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 4 દેખાવકારોને તો ફાંસી આપી દેવામાં આવી.
બીજી બાજુ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનાઇ ભલે ચાર મહિના પછી રાહતના શ્વાસ લઈ રહ્યા છે પણ લોકોમાં હજુ પણ વિરોધની ભાવના યથાવત્ છે. યુનિવર્સિટી કેમ્પસ જ્યાં દેખાવો સૌથી લાંબા સમય સુધી યથાવત્ રહ્યા, સુરક્ષાગાર્ડો અને કેમેરાના માધ્યમથી કિલ્લામાં રૂપાંતરિત થઈ ગયા છે.
વિરોધ તો શમ્યો પણ સરકારની મુશ્કેલી વધી
દેખાવો તો થંભી ગયા પણ સરકારની મુશ્કેલી વધી ગઈ છે. દેશ અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. યાત્રા કરનારા ઈરાની વિમાન, ટ્રેન અને બસની ટિકિટ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ડૉલરની તુલનાએ રિયાલની કિંમત 50% સુધી ઘટી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.