રાજકારણ ગરમાયું:ડોનાલ્ડ ટ્રમ્પના વફાદારોની જાહેરાત- હારીશું તો પરિણામ નહીં સ્વીકારીએ

ન્યુયોર્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 રિપબ્લિકનને ગણતરીમાં ગેરરીતિની શંકા
  • અમેરિકા મધ્ય-સત્ર ચૂંટણી

અમેરિકામાં 9 નવેમ્બરે યોજાનાર મધ્ય-સત્ર ચૂંટણીનાં પરિણામો અંગે રાજકારણ ગરમાયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના વફાદાર 12 ઉમેદવારોએ અત્યારથી જાહેરાત કરી છે કે જો તે હારશે તો ચૂંટણીનાં પરિણામો નહીં સ્વીકારે. આ તમામ ઉમેદવારોની ભલામણ ટ્રમ્પે કરી હતી. આ જાહેરાત કરનારા તમામ ઉમેદવાર ગવર્નર માટે ચૂંટણી મેદાને છે. તે બધા કહે છે કે મતગણતરી પર અમને વિશ્વાસ નથી.

તેમનો આરોપ છે કે સત્તારુઢ ડેમોક્રેટિક પાર્ટી તેમને હરાવવા ગણતરીમાં ગેરરીતિ કરશે. રિપબ્લિકન વતી ગવર્નર માટે મેદાને ઉતરેલા નોર્થ કેરોલિના, અલાસ્કા, ઓહાયો, મિશિગન, મેસાચ્યુસેટ્સ, કેલિફોર્નિયા અને ટેક્સાસના ઉમેદવારો હારનાં પરિણામોને માનવા ઇનકાર કરી રહ્યા છે. અમેરિકી મધ્ય-સત્ર ચૂંટણી હેઠળ 50માંથી 35 ગવર્નર અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની 435 સીટો માટે મતદાન થશે.

કેપિટલ હિંસાના પુનરાવર્તનની વધુ આશંકા
લગભગ 2 વર્ષ પહેલાં તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણી પરિણામોમાં હાર છતાં તેને સ્વીકારવા ઈનકાર કરી દીધો હતો. ટ્રમ્પના ઈશારે તેમના સમર્થકોએ અમેરિકી સંસદ કેપિટલ પર કબજો કરી લીધો હતો. હિંસાની ઘટનાઓ બની હતી. હવે ફરી ટ્રમ્પ સમર્થકોની જાહેરાતની મધ્ય-સત્રની ચૂંટણીમાં કેપિટલ હિંસાનું પુનરાવર્તન થઈ શકે છે.

ડેમોક્રેટિક ઉમેદવારોએ કહ્યું - જે પરિણામ હશે તે સ્વીકારીશું
જે રિપબ્લિકન ઉમેદવારોએ પરિણામો નહીં સ્વીકારવાની જાહેરાત કરી છે એ જ સીટો પર ઉતરેલા તમામ ડેમોક્રેટિક ઉમેદવારોએ કહ્યું કે તેઓ જે પરિણામ હશે તે સ્વીકારશે. ગત ચૂંટણીમાં હાર ન સ્વીકારનાર ડેમોક્રેટિક સ્ટેસી અબ્રાહમે કહ્યું કે તેમને ચૂંટણી પ્રક્રિયા પર ભરોસો છે.

રિપબ્લિકન પાર્ટીએ પ્રોપોગેન્ડા તેજ કર્યો, વેબસાઇટ લોન્ચ
​​​​​​​મધ્ય-સત્રની ચૂંટણીને ધ્યાનમાં રાખી રિપબ્લિકન પાર્ટીએ પ્રોપોગેન્ડા તેજ કર્યો છે. ગત એક મહિના દરમિયાન પાર્ટીએ 85થી વધુ વેબસાઇટ શરૂ કરી છે. તેમાં એજન્ડા સાથે સાથે શ્વેતાધિકાર અને અપ્રવાસીઓ પર રોક લગાવવાના મુદ્દા સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...