બોમ્બની ધમકી મળ્યા પછી રશિયાથી ગોવા આવી રહેલી ચાર્ટર્ડ ફ્લાઇટને આજે સવારે ઉઝબેકિસ્તાન ડાઇવર્ટ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, એઝર એરની ફ્લાઇટે રશિયાથી પર્મ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા માટે ઉડાન ભરી હતી.
પ્લેનમાં 238 પેસેન્જર અને સાત ક્રૂ-મેમ્બર સવાર હતા. યાત્રીઓમાં બે નવજાત હોવાની જાણકારી પણ મળી હતી. 12 દિવસ પહેલાં એઝર એરની મોસ્કો-ગોવા ફ્લાઇટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી, જોકે તપાસ દરમિયાન કંઈ મળ્યું નહોતું.
મેઇલમાં લખ્યું હતું પ્લેનમાં બોમ્બ છે
એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ફ્લાઇટ સવારે 4:15 વાગ્યે ડાબોલિમ એરપોર્ટ પહોંચવાની હતી. જોકે તેને ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાં પહેલાં વાળવામાં આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટરને સવારે 12:30 વાગ્યે મેઈલ આવ્યો હતો, જેમાં પ્લેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનું લખવામાં આવ્યું હતું.
9 જાન્યુઆરીએ જામનગર એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું મોસ્કો-ગોવાની ફ્લાઇટનું લેન્ડિંગ
જામનગર 9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. એમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના પ્રતીક્ષા લોન્ચમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે બોમ્બ-સ્ક્વોડે બૉમ્બ ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરી હતી. ત્યારે બોમ્બ હોવાની આશંકાને પગલે કલેક્ટર-પોલીસવડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો, જોકે તપાસ કરતાં કઈ મળ્યું નહોતું.
ગત વર્ષે ઓક્ટોબરમાં પણ પ્લેનમાં બોમ્બની ધમકી મળી હતી
આખરે ઈરાની વિમાનનું ચીનમાં સુરક્ષિત લેન્ડિંગ, બોમ્બ હોવાની માહિતીને આધારે દિલ્હીમાં ઊતરવાની મંજૂરી નહોતી મળી, સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો
ઈરાનથી લઈને ભારત અને ચીન સુધી ખળભળાટ મચાવનાર ઈરાનના પ્લેન W581એ આખરે પોતાના ગંતવ્ય ગ્વાંગઝૂમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ સાથે ઈરાન, પાકિસ્તાન, ભારત અને ચીનની સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહોતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ હતી. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી આ ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યાં હતાં. આ ઘટનાને પગલે દેશનાં તમામ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.