ટ્વીટરમાં કાગારોળ:મસ્કના ફરમાનથી ટ્વિટરમાં હોબાળો, ફરી અનેક કર્મચારીઓના રાજીનામા

ન્યૂયોર્ક17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસ્ક સરમુખત્યાર, પાગલ અને અહંકારીઃ ટ્વિટર કર્મીઓનો બળાપો

ઇલોન મસ્કે ટ્વિટરને નવેસરથી ઊભું કરવા કર્મચારીઓને ભારે મહેનતનું અને લાંબા સમય સુધી ચાલે એવું કામ કરવા ગુરુવાર સુધીનો સમય આપ્યો હતો. તેમના આ ફરમાન પછી મુદત પૂરી થતાં જ કંપનીના અનેક કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ અને લોકોએ રાજીનામા આપવાનું શરૂ કરી દીધું. આ સ્થિતિમાં ટ્વિટરની સ્થિતિ બગડવા લાગી.

સોશિયલ મીડિયા પર ટ્વિટરના સેન ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાર્ટના વીડિયો જારી થવા લાગ્યા. ટ્વિટરના ઇલેક્ટ્રોનિક બિલ બોર્ડ પર મસ્ક માટે સરમુખત્યાર, પાગલ અને અહંકારી જેવા શબ્દો પણ દેખાયા. કેટલાક કર્મચારીઓએ રાજીનામું આપ્યાની વાત પણ સોશિયલ મીડિયામાં વિગતે કરી. તેના જવાબમાં મસ્કે કહ્યું કે, મને કોઈ ચિંતા નથી. જે ઉત્તમ કર્મચારીઓ છે, તેઓ કંપની છોડીને ગયા નથી.

આ પહેલા મસ્કે બુધવારે કર્મચારીઓને કંપનીમાં સતત કામ કરતા રહેવા ઇ-મેલ મોકલીને ગર્ભિત ચીમકી આપી હતી. તેમાં કર્મચારીઓને કહેવાયું હતું કે, તમારે કંપનીની શરતો પ્રમાણે કામ કરવું પડશે. નહીં તો રાજીનામું આપી દો. તમને બધાને ટ્વિટરના નવા વર્ઝન 2.0 માટે મોડા સુધી કામ કરવું પડશે.

આ ઇ-મેલના જવાબમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ કંપનીમાંથી રાજીનામું જ આપી દીધું હતું. કંપની છોડનારા અનેક લોકોએ કહ્યું છે કે, અમે અમારી મરજીથી ટ્વિટર છોડી રહ્યા છીએ. નોંધનીય છે કે, મસ્કે ટ્વિટર કંપની ખરીદીને તાત્કાલિક ધોરણે 3700 કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી.

મોટા પરિવર્તનના સંકેત, આ સ્થિતિમાં કંપની કેવી રીતે ચાલશે
મસ્ક ટ્વિટર 2.0ને ‘સુપર એપ’ની તર્જ પર બનાવવા ઈચ્છે છે. તેના થકી ક્રિએયર પૈસા કમાઇ શકશે અને યુઝર્સ પેમેન્ટ, શૉપિંગ અને ટેક્સી પણ બુક કરી શકશે. સબસ્ક્રિપ્શન બેસ્ટ મોડલ થકી તેને ફ્રી સ્પીચ પ્લેટફોર્મ બનાવશે અને કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં ફેરફાર કરશે. મસ્ક નથી ઈચ્છતા કે, ટ્વિટરના નવા મોડલમાં કમાણી ફક્ત જાહેરખબરો થકી થાય. એટલે તેઓ કમાણીના અન્ય વિકલ્પો શોધવાનો જુગાડ કરી રહ્યા છે. આ મોડલ અંતર્ગત જ મસ્કે ટ્વિટર પર ‘બ્લૂ ટિક’ માટે ચાર્જ વસૂલવાનો વિકલ્પ પણ લાગુ કર્યો છે.

ઝોમેટોના સહ-સ્થાપક મોહિત ગુપ્તાએ રાજીનામું આપ્યું| ઝોમેટોના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મોહિત પહેલા ઝોમેટોના નવા ઈનિશિએટિવ હેડ રાહુલ ગંજુએ રાજીનામું આપી દીધું હતું. જ્યારે 7 નવેમ્બરે ગ્લોબલ ગ્રોથના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઝાવરે પણ પોતાનું પદ છોડી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...