પંજાબ નેશનલ બેન્ક (PNB)કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય સત્તાવાળાઓને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તેણે કહ્યું છે કે ભારતીય અધિકારીઓ ડોમિનિકા આવે અને પોતાની તપાસને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ચોક્સીએ દાવો કર્યો છે કે તેણે સારવાર માટે જ ભારત છોડ્યું હતું. તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. ચોક્સીએ ડોમિનિકા હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં આ વાત કહી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ચોક્સીએ સોગંદનામામાં કહ્યું છે કે ભારતીય અધિકારીઓ મારી સામેની તપાસને લગતા કોઈ પણ પ્રશ્નો કરી શકે છે. હું તેમને અહીં આવવા અને પ્રશ્નો પૂછવા અંગે ઓફર કરું છું. મેં ભારતની કોઈ એજન્સીથી બચવાનો પ્રયત્ન કર્યો નથી. જ્યારે મે અમેરિકામાં સારવાર કરાવવા ભારત છોડ્યું હતું ત્યારે મારી સામે કોઈ પણ એજન્સીએ કોઈ જ વોરન્ટી ઈશ્યુ કર્યું ન હતું.
ચોક્સીએ સોગંદનામામાં આ દલીલ કરી
1. ડોમિનિકામાં કોર્ટની કાર્યવાહીથી બચવાનો મારો કોઈ ઈરાદો નથી. રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થવાને લીધે હું ભાગી જાઉં તેવી કોઈ જ આશંકા નથી. રેડ કોર્નર નોટિસ કોઈ ઈન્ટરનેશનલ વોરન્ટ નથી, તે ફક્ત એક અપીલ હોય છે, જે સરન્ડર માટે હોય છે.
2. ઈન્ટરપોલ ભારત તરફથી અપીલ કરી રહી છે કે મને શોધવામાં આવે અને ભારતમાં મારી પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું ડોમિનિકા છોડવાનો કોઈ જ ઈરાદો ધરાવતો નથી.
3.હા, હું કોર્ટની મંજૂરીથી એન્ટીગુઆ જવા ઈચ્છું છું. એન્ટીગુઆ અને બારબૂડામાં મારી સામે બે કેસ પેન્ડિંગ છે. આ કેસ મે ફાઈલ કર્યાં છે. તે મને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે કે ન આવે તે અંગે છે. હું એન્ટીગુઆ કોર્ટમાં દરેક વખત હાજર રહ્યો છું. હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. મારી ઉપર અગાઉ કોઈ આરોપ નથી રહ્યો.
4. મને ડર છે કે જો હું પોલીસ કસ્ટડીમાં રહીશ તો મારા આરોગ્યની સ્થિતિ વધારે બગડી શકે છે. હું 62 વર્ષનો છું અને મને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યા છે. હું ડાયાબિટીસ ધરાવું છું, મારા મગજમાં ક્લોટ છે, હૃદય સંબંધિત સમસ્યા તથા અન્ય મુશ્કેલી ધરાવું છું. મને જામીન આપવામાં આવે.
5. જો કોર્ટ કહે છે તો હું જામીન માટે આદેશ પ્રમાણ નાણાં આપી શકું છું. હું મારી સામે ડોમિનિકામાં ખોટી રીતે એન્ટ્રીને લગતા કેસનો અંત ન આવે ત્યાં સુધી અહીં જ રહીશ. ભાગીશ નહીં. હું અહીં રોકાવાનો ખર્ચ પણ વહન કરીશ. હું મારી સુરક્ષાનો ખર્ચ પણ ઉઠાવી શકું છું, મને ડોમિનિકા તરફથી કોઈ જ પ્રકારની સુરક્ષા ઈચ્છતો નથી.
ડોમિનિકા પહોંચ્યા પહેલા એન્ટીગુઆમાં રહેતો હતો ચોક્સી
મેહુલ ચોક્સી એન્ટીગુઆના નાગરિકતા લઈ વર્ષ 2018થી ત્યાં રહેતો હતો, પણ 23 મેના રોજ અચાનક જ તે ગૂમ થઈ ગયો. તેના 2 દિવસ બાદ તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વચ્ચે એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટર બ્રાઉનનો એક પત્ર સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મેહુલે નાગરિકતાને લગતી માહિતી છુપાવી હતી.
14 ઓક્ટોબર, 2019ના રોજ લખવામાં આવેલા પત્રમાં બ્રાઉને કહ્યું હતું કે હું એન્ટીગુઆ અને બારબૂડા નાગરિકતા અધિનિયમ, કેપ 22ની કલમ 8 પ્રમાણે એક આદેશ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું, જેથી તમને હકીકત છૂપાવવાના આધારે એન્ટીગુઆ તથા બારબૂડાની નાગરિકતાથી વંચિત રાખી શકાય.
અટકાયતને હાઈકોર્ટમાં પડકારી
ચોક્કસી પર ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં એન્ટ્રી કરવાનો આરોપ છે, જોકે તેણે પોતાની અટકાયતને હાઈકોર્ટમાં પડકારી છે. ચોક્સીએ દાવો કર્યો છે કે તેને એન્ટીગુઆ-બારબુડાથી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. જોકે સરકારી વકીલે ચોક્સીના દાવાનો વિરોધ કરતા કહ્યું હતું કે તે ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં દાખલ થયો છે અને તેને કારણે તેની અટકાયત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.