ભાસ્કર વિશેષ:અમેરિકનોનો મોટાં શહેરોથી મોહભંગ, નાના શહેરો લોકપ્રિય

વોશિંગ્ટન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1990 પછી પહેલીવાર અમેરિકાનાં 56 મોટાં શહેરોની વસતી સતત ઘટી રહી છે

આધુનિકતાની ઓળખ બની ગયેલાં મોટાં શહેરોથી અમેરિકનોનો મોહભંગ થઈ રહ્યો છે. અમેરિકામાં શહેરી વર્ચસ્વનો યુગ પૂરો થયો છે. મિડલ ક્લાસ અમેરિકનોને લાગવા માંડ્યું છે કે હવે મેટ્રો સિટીમાં રહેવાની જરૂર નથી. તેથી તેઓ બહારના વિસ્તારો અને નાના શહેરોમાં સ્થાયી થવા લાગ્યા છે. મોટાં શહેરોને કાયમ માટે છોડી દીધાં છે. સ્થિતિ એ છે કે 1990 પછી પહેલીવાર અમેરિકાનાં 56 મોટાં શહેરોની વસ્તીમાં 10 લાખથી વધુનો ઘટાડો થયો છે. આ શહેરોમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ ખોટમાં ગયો છે. ઘરની કિંમતો ઘટી રહી છે. ઓફિસની જગ્યાઓ કોરોનાકાળથી ખાલી છે અને તેનો શૂટિંગ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેટ્રો સિટીમાં કેટલાંક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યા છે. હજારો ફ્લેટ ખાલી પડ્યા છે.

ખરેખર, વિશ્વનું અર્થતંત્ર બદલાઈ રહ્યું છે. કેટલાક બદલાવ કોરોના તો કેટલાંક પરિવર્તન ટેક્નોલોજીએ કર્યા. આર્થિક પ્રવૃત્તિઓ હવે શહેરોમાં કેન્દ્રિત નથી. કંપનીઓ નાના શહેરોમાંથી પણ બિઝનેસ કરી રહી છે. વર્ક ફ્રોમ હોમ મોડલ વર્કિંગ સિસ્ટમનો એક ભાગ બની ગયું છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના સિનિયર ફેલો વિલિયમ ફ્રે જણાવે છે કે આઇટી, ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ અને મનોરંજન ક્ષેત્રના કર્મચારીઓ સૌથી વધુ સંખ્યામાં શહેર છોડી રહ્યા છે. લાખોની સંખ્યામાં શહેર છોડીને જતા મોટા ભાગના લોકો વ્યાવસાયિકો છે. તેમનો પગાર સરેરાશ કરતાં વધારે છે. આ લોકો મોટા કરદાતા હતા. તેમના જવાને કારણે શહેરોની આવકમાં મોટો ઘટાડો થયો છે. ન્યુયોર્ક-વોશિંગ્ટન જેવાં મોટાં શહેરોને મળતા પ્રોપર્ટી ટેક્સમાં પણ ઘટાડો થયો છે. ઓફિસ અને હોટલ ટેક્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ નાના શહેરો આવકની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ બની રહ્યાં છે. હવે મેટ્રો શહેરોમાં રહેતા નોકરિયાત લોકોમાં સૌથી વધુ લોકો સેવા, આરોગ્ય, હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટર સાથે જોડાયેલાં છે.

મોટાં અને નાના બંને શહેરોની વસ્તી બદલાઈ રહી છે કારણ કે લોકો શહેરો છોડી રહ્યાં છે. લોસ એન્જલસના લોંગ બીચ, શિકાગોના નેપરવિલે અને એલ્ગિન, ફિલાડેલ્ફિયાના કેમડેન અને વિલ્મિંગ્ટનમાં ગોરાઓની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે કેટલીક કાઉન્ટીઓમાં અશ્વેતો બહુમતી બન્યા છે. અર્થશાસ્ત્રી નિકોલસ બ્લૂમ કહે છે કે આનાથી અમેરિકન શહેરોનો બોજ ઓછો થશે. મોંઘવારી ઘટશે. ઓછી આવક ધરાવતા લોકો અને વિદ્યાર્થીઓ માટે મેટ્રો શહેરોમાં જીવન સરળ બનશે.

બ્રિટન-નોર્વે જેવાં યુરોપનાં મોટાં શહેરો પણ ખાલી થઈ રહ્યાં છે
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી નિકોલસ બ્લૂમ કહે છે કે માત્ર અમેરિકાનાં શહેરો ખાલી નથી થઈ રહ્યાં પરંતુ ઉત્તર યુરોપની સ્થિતિ પણ એવી જ છે. સ્વિડન, યુકે, ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે સહિતના દેશોમાં લોકો મોટાં શહેરો છોડી રહ્યાં છે. 1980થી 2019 સુધી લોકોમાં શહેરોમાં રહેવાની ઇચ્છા હતી. પ્રોફેશનલ્સ અને મેનેજર કાયમી ધોરણે હાઇબ્રિડ મોડમાં કામ કરે છે. કેટલાક દિવસ ઓફિસથી અને કેટલાક દિવસ ઘરેથી. એટલે લોકો શહેરોથી દૂર જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...