અમેરિકાના રાજ્ય ટેક્સાસની સ્કૂલમાં ભારતીય વિદ્યાર્થીને હેરાન કરવાનો એક વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં એક ગોરો છોકરો ભારતીય વિદ્યાર્થીનું ગળું દાબાવતો દેખાઈ રહ્યો છે. આ મામલામાં સ્કૂલે કરેલી કાર્યવાહી પર પણ ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે સ્કૂલે આ ઘટનાનો ભોગ બનેલા છોકરાને જ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે, જ્યારે ગળું દબાવનારા વિદ્યાર્થીને માત્ર એક દિવસની સજા જ કરવામાં આવી છે.
ભારતીયનું ગળું લગભગ 4 મિનિટ સુધી દબાવવામાં આવ્યું હતું. ઘટના 11 મેના રોજ ડલાસના કોપેલ મિડિલ સ્કૂલમાં બની હતી. છોકરાના ક્લાસમેટ્સે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને એને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
વિદ્યાર્થીને કોણીથી પણ દબાવવામાં આવ્યો
વીડિયોમાં જોવા મળી રહેલો ગોરો છોકરો બેન્ચ પર બેઠેલા ભારતીય-અમેરિકન વિદ્યાર્થી તરફ વધે છે અને તેની પાસે જઈને ભારતીય વિદ્યાર્થીને ઊભા થવાનું કહે છે. જ્યારે તે ઊઠવાનો ઈનકાર કરે છે તો ગોરો વિદ્યાર્થી નારાજ થઈને તેનું ગળું પાછળથી દબાવવાનું શરૂ કરી દે છે. ગળું દબાવીને તે તેને સીટ પરથી ઉઠાડી છે. પછીથી તેને બેન્ચ પરથી નીચે પાડી દે છે. બાદમાં તેને પાછળથી કોણી વડે દબાવે છે.
ગોરા વિદ્યાર્થીને ઓછી સજા મળતાં લોકો નારાજ
નોર્થ અમેરિકન એસોસિયેશન ઓફ ઈન્ડિયન સ્ટુડન્ટ્સે ટ્વીટમાં જણાવ્યું છે કે આ ઘટના પછી ભારતીય બાળકને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જ્યારે તેનું ગળું દબાવનારને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયો છે. આ ઘટનાને લઈને લોકોમાં ગુસ્સો છે. સોશિયલ મીડિયા પર એની નિંદા કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.