વૃદ્ધોની વસતીથી ભરપૂર જાપાનની પાસે અપાર સમૃદ્ધિ છે પરંતુ વારસો સંભાળનાર વારસદારની અછત છે. બિઝનેસમેનો વૃદ્ધ થઇ રહ્યા છે અને ઉત્તરાધિકારી વગર 6.30 લાખ બિઝનેસો 3 વર્ષમાં બંધ થવાનો ખતરો છે. આ દરેક બિઝનેસો અત્યારે નફામાં છે. તેનાથી જાપાનને 14 લાખ કરોડનું નુકસાન થશે અને 65 લાખ લોકો રોજગારી ગુમાવશે.
આ બિઝનેસોના માલિકોની સરેરાશ ઉંમર 62 વર્ષ છે. હવે તેઓ રિટાયર થવા માંગે છે જેને કારણે તેઓ વારસદારની શોધમાં છે. તેમાંથી અનેકને સંતાન નથી તેમજ કેટલાંક સંતાનોને પિતાના ધંધામાં રુચિ નથી. આ બિઝનેસમાં કર્મચારીઓની ઉંમર પણ 50થી ઉપર છે. માટે તેઓ પણ બિઝનેસ ટેકઓવર કરવા માટે સક્ષમ નથી. ઉંમરના આ પડાવ પર અનેક ઉદ્યોગપતિઓ પોતાના મજબૂત બિઝનેસને મફતમાં સોંપવા માંગે છે, પરંતુ કોઇ મળતું નથી. દેશના અંદાજે 60% બિઝનેસનું ભાવિ અંધકારમય છે.
હવે જાપાનમાં તેના માટે કંપનીઓ ખૂલી છે. આ કંપનીઓ કારોબારીઓને એવા વારસદાર ઉપલબ્ધ કરાવી રહી છે, જે તેઓનો બિઝનેસ સંભાળી શકે. જાપાનની સરકાર પણ આવા લોકોને સમજાવી રહી છે કે રિટાયર થવાને બદલે બિઝનેસ ચાલુ રાખે. સરકારે પણ બિઝનેસને ટેકઓવર કરનારને શોધવા માટે દેશભરમાં સર્વિસ સેન્ટર સ્થાપિત કર્યા છે. નવા માલિકોને સબસિડીની સાથે ટેક્સમાં છૂટ અપાઇ રહી છે.
બિઝનેસ ટેકઓવર કરનારને શોધનારી કંપની M&M સેન્ટરના ડાયરેક્ટર સુનિયો વાટેનેબલ કહે છે કે ખરીદદાર શોધવામાં સૌથી મોટી સમસ્યા ભાવનાત્મક છે. જે લોકોએ કારોબાર ઊભો કરવામાં સમગ્ર જીવન આપી દીધું તેઓ અજાણ્યાને તે સોંપવાને બદલે કોઇ પરિચિતને સોંપવા માંગે છે. જાપાનની ટ્રેડ મિનિસ્ટ્રી અનુસાર 2021માં માત્ર 2413 બિઝનેસને જ ખરીદદાર મળ્યા હતા, જ્યારે આ જ વર્ષે 44 હજાર બિઝનેસને તાળાં લાગી ગયાં છે.
જાપાનના મોટા ભાગના લોકો શહેરોમાં વસે છે
જાપાનમાં અનેક લોકો ધંધા માટે કોઇ ખરીદદાર ન મળવાનું કારણ એ પણ છે કે જાપાનની વસતી મોટા પાયે શહેર તરફ સ્થળાંતર કરી રહી છે. લોકો ગામ અને નગરને હંમેશા માટે છોડી રહ્યાં છે. કેટલાક ગામમાં માત્ર સીમિત લોકો જ છે. જ્યારે મોનબેત્સુ જેવા નાના નગરની વસતી અત્યારે 20 હજાર છે, ત્યાંથી પણ લોકો હિજરત કરી રહ્યા છે જેને કારણે ત્યાં ધંધાનું વિસ્તરણ શક્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.