ઇન્ડોનેશિયાના બાલીમાં મંગળવારે G20 સમિટ શરૂ થઈ. પ્રથમ સત્રમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન-રશિયા યુદ્ધ રોકવાનો આગ્રહ કર્યો હતો. સાંજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સમિટના તમામ નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામસામે મળ્યા હતા. બંનેએ નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડીવાર વાતચીત કરી.
આ પહેલા સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલી SCOની બેઠક દરમિયાન બંને નેતાઓ એક જ મંચ પર હાજર રહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમની આંખો પણ મળી ન હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને જિનપિંગ G-20 સમિટમાં અલગ-અલગ વાતચીત પણ કરી શકે છે.
ડિનરના થોડા કલાકો પહેલાં મોદીએ ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. અહીં મોદીએ કહ્યું- ઈન્ડોનેશિયા અને બાલી આવ્યા બાદ દરેક ભારતીયની અલગ અનુભૂતિ થાય છે. હું પણ એ જ વાઈબ્રેશન્સ અનુભવું છું. અમારી વચ્ચે હજારો વર્ષ જૂનો સંબંધ છે. અમે હજારો વર્ષોથી આ પરંપરાને નિભાવી રહ્યાં છીએ.
મોદીના ભાષણની મહત્ત્વની વાતો...
મોદીએ સંબોધન કરતાં કહ્યું-અમે બાલીમાં છીએ અને અહીંથી દોઢ હજાર કિલોમીટર દૂર કટકમાં બાલી જાત્રા (પ્રવાસ) ચાલી રહી છે. અમે ઘણીવાર વાતચીતમાં કહીએ છીએ - તે એક નાનું વિશ્વ છે. દરિયાના મોજાએ બંને દેશ વચ્ચેના સંબંધોને જીવંત બનાવી રાખ્યા છે. અહીંના વિકાસમાં ભારતીયો સહયાત્રી તરીકે રહ્યા છે.
તેમણે કહ્યું, અમે ઈન્ડોનેશિયાના એક કલાકારને પદ્મશ્રી એનાયત કર્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. તેઓ કહેતા હતા - ભારતની સૌથી મોટી વિશેષતા અતિથિ દેવો ભવ: છે. ઈન્ડોનેશિયાના લોકોનો લગાવ પણ ઓછો નથી.
છેલ્લી વાર જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે મેં રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે પતંગ ચગાવી હતી. મને ગુજરાતમાં મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાનો ઘણો અનુભવ છે. આપણે સુખ અને દુઃખના સાથી છીએ. 2018માં જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે અમે ઓપરેશન સમુદ્ર મૈત્રીની શરૂઆત કરી હતી.
અમે 99 નોટિકલ માઇલ દૂર નથી, અમે 99 નોટિકલ માઇલ નજીક છીએ. ભારતમાં હિમાલય છે તો અહીં આગુંગ છે. ભારતમાં ગંગા છે તો બાલીમાં પણ ગંગા છે. અહીં પણ ભગવાન ગણેશ દરેક ઘરમાં બિરાજમાન છે. અગણિત વસ્તુઓ આપણને સાથે રાખે છે. અહીંના લોકો મહાભારત સાથે મોટા થાય છે.
ભારતમાં જ્યારે ભવ્ય રામ મંદિરનો પાયો નાખવામાં આવે છે ત્યારે ઈન્ડોનેશિયાની રામાયણ યાદ આવે છે. અહીં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જે તેના જીવનમાં એકવાર પણ અયોધ્યા જવાની ઈચ્છા ન રાખી હોય. એક વર્ષમાં 5 લાખ ભારતીયો અહીં આવ્યા. જ્યારે વારસો વહેંચવામાં આવે છે ત્યારે વિકાસના રસ્તાઓ પણ બનતા જાય છે. અમારી આઝાદી 15મી ઓગસ્ટ છે અને ઈન્ડોનેશિયાની 17મી ઓગસ્ટ છે. ઇન્ડોનેશિયા બે વર્ષ વહેલાં સ્વતંત્ર થયું હતું. આપણા બંનેની પાસે એકબીજાને આપવા માટે ઘણુંબધું છે.
વિશ્વની અસંખ્ય કંપનીઓના CEOs ભારતીય છે. 10માંથી એક યુનિકોર્ન ભારતનો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મામલે અમે નંબર વન છીએ. 2014 પહેલાં અને 2014 પછીના ભારત વચ્ચે ઘણો તફાવત છે. મોટો ફરક મોદીનો નથી, કૌશલ્ય અને ઝડપનો છે. સ્ટેચ્યૂ હોય કે સ્ટેડિયમ, સૌથી મોટું અમે જ બનાવ્યું.
અમે અમેરિકાની કુલ વસતિ છે એટલા તો અમે બેંક ખાતાં ખોલાવ્યાં છે. અમે 3 કરોડ ઘર બનાવ્યાં છે, જેનો અર્થ છે કે ઓસ્ટ્રેલિયાના દરેક નાગરિકને ઘર મળી જાય. 55 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે, જે આ સમગ્ર પૃથ્વીની આસપાસ દોઢ ચક્કર લગાવવા બરાબર છે.
લોકોએ 'મોદી, મોદી'ના નારા લગાવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સૌને શુભેચ્છા પાઠવી હતી. લોકોએ ‘મોદી, મોદી’ના નારા લગાવ્યા હતા.
PMએ કહ્યું- મેં વારંવાર કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિનો માર્ગ અપનાવવો જોઈએ. છેલ્લી સદીમાં, WWIIએ વિશ્વ પર કહેર મચાવ્યો. એ બાદ એ સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આપણો વારો છે.
હવે વિગતવાર વાંચો G20 સમિટના પ્રથમ સત્રમાં શું થયું...
મોદીએ કહ્યું- યુક્રેન-રશિયા યુદ્ધને રોકવા માટે કોઈ રસ્તો શોધવો પડશે
સમિટના પ્રથમ સત્રમાં G20 નેતાઓએ ફૂડ એન્ડ સિક્યોરિટી પર ચર્ચા કરી હતી, જેમાં પીએમ મોદીએ કહ્યું- કોરોના, યુક્રેન સંકટથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. યુએન જેવી સંસ્થાઓ આ મુદ્દાઓ પર નિષ્ફળ ગઈ છે. યુક્રેન-રશિયા યુદ્ધને રોકવા માટે કોઈ રસ્તો શોધવો પડશે. યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર થઈ છે.
બાઈડને ખભા પર હાથ મૂક્યો, મોદી તેમનો હાથ પકડી રાખ્યો અને પછી હસ્યા
પ્રથમ સત્ર પહેલા પીએમ મોદી અને બાઈડનની મુલાકાત સુખદ જોવા મળી હતી. બાઈડને મોદીના ખભા પર હાથ મૂક્યો અને મોદી તેમનો હાથ પકડી રાખ્યો હતો. મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને ત્યાર બાદ બંને હસતાં હસતાં મીટિંગ તરફ આગળ વધ્યા હતા. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ત્યાં જોવા મળ્યા, જેઓ મોદીને જોઈ શક્યા નહીં. આ પછી મોદીએ મેક્રોનને બોલાવીને તેમની સાથે હાથ મિલાવ્યા હતા.
હિન્દી બોલનાર અમેરિકન પ્રવક્તા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં હિન્દી ભાષી પ્રવક્તા જેડ તરાર ચર્ચામાં રહ્યા હતા. તરાર પાકિસ્તાની મૂળના છે, પરંતુ હિન્દીના અઘરા શબ્દો પર પણ તેમની સારી પકડ છે. તેઓ ઘણીવાર ટીવી ચેનલો પર પણ જોવા મળે છે. જી-20 દરમિયાન વિદેશ વિભાગે તેમને મહત્ત્વની જવાબદારી સોંપી હતી. તેમણે કેટલીક ભારતીય ટીવી ચેનલોને ઈન્ટરવ્યૂ પણ આપ્યા હતા. ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં તરારે કહ્યું- ભારત અને અમેરિકાનો રસ્તો હવે જુદો થઈ શકે નહિ. આપણી સુંદરતા અને તાકાત લોકશાહી છે અને વિશ્વને એની સૌથી વધુ જરૂર છે.
અપડેટ્સ...
પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. પીએમ બાલીની અપૂર્વા કેમ્પિસાંકી હોટલ પહોંચ્યા હતા, જ્યાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું. G20 સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ અપૂર્વ કેમ્પિસાંકી હોટલ પહોંચ્યા હતા.
બાલીમાં ગુંજી ઊઠ્યું- ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ....
સોમવારે રાત્રે મોદી જ્યારે બાલી પહોંચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો હાજર હતા. મોદીએ બધાની પાસે ગયા અને થોડીવાર વાત કરી હતી. આ દરમિયાન ભારતીય સમુદાયના લોકોએ તાળીઓ પાડી અને 1986ની ફિલ્મનું ગીત ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ.... ગાયું. આ ગીતને સ્ક્રીન પર સંજય દત્ત અને કુમાર ગૌરવ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીત પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસે ગાયું હતું. તેઓ પણ સ્ક્રીન પર પણ જોવા મળ્યા હતા.
બાઈડન અને જિનપિંગની મુલાકાત
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાલી પહોંચ્યા છે. બંને વચ્ચે મહત્ત્વની બેઠક થઈ હતી. 'ન્યૂયોર્ક ટાઈમ્સ' અનુસાર, મીટિંગ પહેલા બાઈડને ચીનના રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું- તમને જોઈને ખૂબ આનંદ થયો. આ પછી બંને નેતાઓ બેઠક ખંડમાં ગયા. બાદમાં એક સવાલના જવાબમાં બાઈડને કહ્યું- મને નથી લાગતું કે ચીન અત્યારે તાઈવાન પર હુમલો કરવાનું છે. અમે દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યા છીએ.
20 દેશોનો સમૂહ છે G-20
G20 ગ્રુપ ફોરમમાં 20 દેશો છે. તે વિશ્વની વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ ધરાવે છે. 20 દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુ.કે., યુએસ અને યુરોપિયન યુનિયન (EU) સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.