અફઘાનિસ્તાન તાલિબાનના નિયંત્રણ હેઠળ:તાલિબાને કાબુલને ચારેય બાજુથી ઘેર્યું, ટૂંક સમયમાં રાજધાની ઉપર કબ્જો મેળવે તેવી પ્રબળ શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન હવે ધીમે ધીમે સંપૂર્ણપણે તાલિબાનના નિયંત્રણમાં આવી રહ્યું છે. રાજધાની કાબુલથી તાલિબાની લડાકુઓ ફક્ત 11 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત તેઓ રાજધાની પર હુમલો કરવાની સ્થિતિમાં છે. સરકારી સુરક્ષા દળ કાબુલની સુરક્ષા કરવા માટે તૈયારી કરી રહ્યા છે. જનરલ સમી સાદાદને કાબુલની સુરક્ષાની જવાબદારી આપવામાં આવી છે.

બીજી બાજુ તાલિબાન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે તાલિબાને ચાર બાજુએથી કાબુલને ઘેરી લીધુ છે. પૂર્વમાં તે ખાક બજર પાસે છે, જે કાબુલ પ્રાંતનો એક જિલ્લો છે. પશ્ચિમમાં અરઘંડીમાં છે,જે કાબુલના શહેરી વિસ્તાર સાથે જોડાયેલું છે.

આ ઉપરાંત ઉત્તરમાં કારાબાગમાં છે,જે કાબુલ પ્રાંતનો એક જિલ્લો છે. દક્ષિણમાં તે ચાર અસયાબમાં છે,જે કાબુલનો એક જિલ્લો છે. તાલિબાન ઈચ્છે તો કેટલાક દિવસમાં જ કાબુલ પર કબ્જો કરી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં આ લડાકુઓએ અફઘાનિસ્તાનના ઉત્તરી, પશ્ચિમી અને દક્ષિણી રાજ્યો પર કબજો કર્યા પછી રાજધાની કાબુલ તરફ ઝડપથી કૂચ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસોમાં જ તાલિબાને 190 કિલોમીટરનાં અંતર કાપી આ વિસ્તારો પર અંકૂળ મેળવી લીધુ છે. હવે તેઓ કાબુલની ખૂબ નજીક છે.

દરમિયાન ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ અશરફ ગની પર અમેરિકા સતત રાજીનામું આપવાનું દબાણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે તેઓ એક શાંતિ યોજના પર કામ કરી રહ્યા છે. તે યોજના શું છે તેના વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી.

અન્ય સૂત્રોનું કહેવું છે કે તાલિબાન વચગાળાની સરકારની રચના કરી શકે છે. જેમા તાલિબાનના નિયંત્રણવાળા પ્રાંતોને તેમના નિયંત્રણમાં રાખવામાં આવી શકે છે. જોકે, અફઘાનિસ્તાનમાં હજી કશું નિશ્ચિત નથી.

રાષ્ટ્રપતિ ગની બોલ્યા-દેશમાં ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે
આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાની યુદ્ધ વચ્ચે પહેલીવાર દેશને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું કે, એક ઐતિહાસિક મિશનના સ્વરુપે હું એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે થોપવામાં આવેલુ યુદ્ધ અફઘાનિસ્તાનના લોકોને હવે ના મારે અને છેલ્લા 20 વર્ષોની તમારી ઉપલબ્ધીઓને નષ્ટ ના કરે.

ગનીએ કહ્યું, હુ તમને બધાને વિશ્વાસ અપાવું છું કે આપના રાષ્ટ્રપતિના રુપે મારુ ધ્યાન અસ્થિરતા, હિંસા અને લોકોનું વિસ્થાપન રોકવા પર છે. અમે દેશ વિદેશમાં મોટા સ્તરે વિચાર વિમર્શ કરવાનું શરુ કરી દીધુ છે. અને આનું પરિણામ જલ્દી જ જનતાને મળશે.

શું રાજીનામું આપવાના છે રાષ્ટ્રપતિ?
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ઉપરાષ્ટ્રપતિના પ્રવક્તા મોહમ્મદ અમીરીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગનીનો વીડિયો સંદેશ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તે શું કરશે તે વિશે કંઈ કહી શકાય નહીં. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ શનિવારે ટેલિવિઝન દ્વારા લોકોને સંબોધન કર્યું છે.

લોગારમાં અફઘાન સેના અને તાલિબાન વચ્ચે યુદ્ધ ચાલુ, 30નાં મોત
દરમિયાન અફઘાનિસ્તાને લોગાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા છે. મઝાર-એ-શરીફમાં લડાઈ ચાલી રહી છે. તાલિબાનના એક સૂત્રએ જણાવ્યું હતું કે, લોગારમાં હવાઈ હુમલામાં 30થી વધુ નાગરિકોમાર્યા ગયા છે. તેઓએ બાળકો સહિત માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા છે.

તાલિબાને પાકિસ્તાનને અડીને આવેલા પક્તિકા પ્રાંતની રાજધાની શરાનાને કબજે કરી
અફઘાનિસ્તાનમાં હિંસા ચાલુ છે. તાલિબાને શનિવારે પાકિસ્તાનને અડીને આવેલા પક્તિકા પ્રાંતની રાજધાની શરાના પર કબજો કર્યો હતો. અફઘાનિસ્તાનના સાંસદ ખાલિદ અસદે આ વાતની પુષ્ટિ કરી હતી.

19 પ્રાંતો પર તાલિબાનશાસન પક્તિયા તાલિબાન દ્વારા કબજે કરવામાં આવેલો 19મો પ્રાંત છે. છેલ્લા 7 દિવસમાં તાલિબાને 18 પ્રાંતો પર કબજો કરી લીધો છે. તાલિબાનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ કબજો ભયંકર યુદ્ધ બાદ થયો હતો. અહીં ભારે હથિયારો મળી આવ્યા છે.

તાલિબાને શુક્રવારે સાંજ સુધીમાં અફઘાનિસ્તાનમાં 19 પ્રાંતો અને તેમની રાજધાનીઓ પર કબજો કર્યો હતો. આ પ્રાંતોમાં નિમરોઝ, જવજજાન, સર્પિલ, તખારી, કુંદુઝ, સમનગન, ફરાહ, બગલાન, બડખ્શન, ગઝની, હેરાત, બદધિશ, કંધાર, હેલમંદ, ઘોર, ઉરુગજાન, જાબુલ, લોગાર અને પક્તિકા છે.

અન્ય સમાચારો પણ છે...