તાલિબાની તાનાશાહી શરુ:અફઘાનિસ્તાનની સરકારી ચેનલમાંથી મહિલા એન્કરને હટાવી, બલ્ખની ગવર્નર સલીમા મઝારીને બંધક બનાવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા પછી તાલિબાનની તાનાશાહી ચોખ્ખી રીતે નજરે આવવા લાગી છે. હવે તો તાલિબાન તાનાશાહની સાથે જૂઠ્ઠુ પણ નજરે આવી રહ્યુ છે. એક દિવસ પહેલા તાલિબાને પત્રકાર પરિષદમાં વાયદો આપ્યો હતો કે મહિલાઓના તમામ અધિકારો તેમને મળશે, પરંતુ એક સપ્તાહ પહેલા જ અફઘાનિસ્તાનની સરકારી ચેનલને જોઈન કરનારી મહિલા એન્કર ખદીજા અમીનને ત્યાનાં અધિકારીઓએ નિકાળી દીધી છે. અને, બલ્ખની મહિલા ગવર્નર સલીમાને પણ બંધક બનાવી લેવામાં આવી છે.

ચેનલના અધિકારીઓએ ખદીજાને કહ્યું કે સરકારી ચેનલ પર મહિલાઓ કામ નહી કરી શકે. ખદીજાએ કહ્યું, હવે હું શું કરીશ, ભવિષ્યની પેઢી માટે કઈ નહી બચે. 20 વર્ષોમાં અમે જે કંઈ પણ હાંસલ કર્યુ છે, તે બધુ જ વ્યર્થ જશે. તાલિબાન તાલિબાન જ રહેશે, તે સહેજ પણ બદલાયુ નથી.

સલીમાએ તાલિબાનીઓ વિરુદ્ધ લડાઈ લડી હતી
ચારકિન્ટના ગવર્નર સલીમા મઝારીએ અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં તાલિબાને કબ્જાની લડાઈ શરૂ કરી ત્યારે તાલિબાન સામે શસ્ત્રો ઉપાડ્યા હતા. જ્યારે અફઘાન નેતૃત્વ દેશ છોડી રહ્યું હતું ત્યારે સલીમા તેના ચારકિન્ટ જિલ્લામાં હાજર હતી. જ્યાં સુધી તાલિબાનને ત્યાં સંપૂર્ણપણે કબ્જો ન જમાવે ત્યાં સુધી તેઓ તેમના અવામની સુરક્ષા માટે લડ્યા રહ્યા હતા. ચારકિન્ટ એકમાત્ર જિલ્લો હતો જે એક મહિલા ગવર્નર દ્વારા ચલાવવામાં આવે છે અને સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કરતા પહેલા તાલિબાન સમક્ષ શરણાગતિ સ્વીકારી ન હતી.

સલીમાની ક્ષમતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે તેમણે વાતચીત દ્વારા 100 તાલિબાનીઓનું સરેન્ડર કરાયુ હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે લડાઈ શરુ થયા પછી સલીમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ક્યારેક હું મારી ઓફિસમાં રહું છું તો ક્યારેક મારે બંદૂક ઉઠાવી જંગમાં જવુ પડે છે. જો અમે કટ્ટરપંથીઓ વિરુદ્ધ લડાઈ ના લડી તો તેમને હરાવાની તક ખોઈ દઈશું. તેઓ જીતી જશે. તેઓ સમગ્ર સમાજનું બ્રેન વોશ કરી, તેમને પોતાનો એજન્ડા માનવા પર મજબૂર કરી દેશે.

3 લાખ સૈનિકોએ હથિયાર નાખી દીધા, પરંતુ આ 5 અડીખમ રહી
જે તાલિબાનિઓ આગળ 3 લાખ અફઘાન સૈનિકો ઝૂકી ગયા તે તાલિબાનીઓ વિરુદ્ધ પાંચ મહિલા પ્રદર્શન કરી રહી છે. તેમને તાલિબાની શાસન મંજૂર નથી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના ત્રીજા દિવસે કાબુલમાં 5 મહિલાઓ પ્રદર્શન કરતી જોવા મળી. તેમના સામે સશસ્ત્ર લડાકુઓ પણ હતા તો પણ મહિલાઓ ગભરાઈ નહી અને તેમના સામે વિરોધ કરતી રહી.