• Gujarati News
  • International
  • Afghanistan Kunduz City Situation Vs Taliban; Dainik Bhaskar Exclusive Report From Kabul And Border Areas

અફઘાનિસ્તાનને ભીંસમાં લેતા તાલિબાનો:ભારત દ્વારા બનાવી આપેલા હાઇવે પર કબજો કર્યો; પાકિસ્તાને તાલિબાનોની મદદ માટે 20,000 સૈનિકો મોકલ્યા

એક વર્ષ પહેલાલેખક: પૂનમ કૌશલ

એક બાળકનો લોહીલૂહાણ મૃતદેહ પડ્યો છે અને તેની બહેન તેને ઉઠાવવાની કોશિશ કરી રહી છે. અફઘાનિસ્તાનનો આ વીડિયો સતત ખરાબ થઈ રહેલી સ્થિતિની એકમાત્ર ઝલક છે.

તાલિબાન અને અફઘાન સરકારી સૈન્યબળો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તાલિબાને દેશના બહારના વિસ્તારો પર કબજો કર્યા પછી દેશની અંદરના પ્રાંતોની રાજધાનીઓ તરફ વધવાનું શરૂ કરી દીધું છે.

છેલ્લાં 5 દિવસમાં તાલિબાને પાંચ પ્રાંતીય રાજધાની પર કબજો કરી લીધો છે. દક્ષિણમાં ઈરાનની સરહદ પાસે આવેલા નિમરોઝ પ્રાંતની રાજધાની જરાંજ પર કબજો કરી લીધો છે. ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન સરહદ નજીક નોવજ્જાન પ્રાંતની રાજધાની શબરધાન પર પણ ભીષણ લડાઈ પછી તાલિબાનનો કબજો થઈ ગયો છે. અત્યારે દેશના 80% ભાગ પર તાલિબાનનો કબજો છે અથવા ત્યાં લડાઈ ચાલી રહી છે.

ભાસ્કરે કાબુલ સહિત અફઘાનિસ્તાનના બીજા વિસ્તારોના પત્રકારો સાથે સંપર્ક કરી ત્યાંની સ્થિતિ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક પત્રકારો અને સામાન્ય લોકોએ સુરક્ષા હેતુથી પોતાનું નામ જાહેર કર્યું નથી. તેમની જાણકારી દ્વારા જાણીએ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ.....

દૂર-દૂરથી નાગરિકો ભાગીને કાબુલ પહોંચી રહ્યા છે

કાબુલમાં આ પ્રમાણે લોકો કેમ્પમાં સહારો લઈ રહ્યા છે.
કાબુલમાં આ પ્રમાણે લોકો કેમ્પમાં સહારો લઈ રહ્યા છે.

કાબુલના કાર્યકર્તા હસીબુલ્લાહ તરીન કહે છે, 'અફઘાનિસ્તાનમાં આ સમયે સંપૂર્ણ રીતે યુદ્ધની સ્થિતિ છે. કાબુલની આસપાસ પણ ભીષણ લડાઈ ચાલી રહી છે. કુંદુંજમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. તેઓ કુંદુંજ પ્રાંત અને આસપાસના કેટલાક પ્રાંતોમાં કબજો કરવા માગે છે. કુંદુંજથી લોકો ભાગી રહ્યા છે. ત્યાં મીડિયા પણ કામ નથી કરી શકતું. મારા ઘણાય પરિચિતો ભાગીને આજે જ કાબુલ પહોંચ્યા છે.

ડ્રગ તસ્કરીના માર્ગ પર તાલિબાનનો કબજો, આ તેમની આવકનો પ્રમુખ સ્ત્રોત
નામ ન આપવાની શરતે અફઘાન રાજકારણના નિષ્ણાત આપણને તાલિબાનની આગેકૂચનો અર્થ સમજાવે છે.

"ઉત્તરી અફઘાનિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ શહેર કુંદુજ પર તાલિબાનનો કબજો, જે પરંપરાગત રીતે તાલિબાનનો ગઢ છે, તે તેની અત્યારસુધીની સૌથી મોટી જીત છે. અફઘાનિસ્તાનને મધ્ય એશિયા સાથે જોડવાના માર્ગ પર જઈ રહેલા આ શહેર ડ્રગની દાણચોરીના માર્ગ પર આવે છે. અફઘાનિસ્તાનથી યુરોપમાં અફીણ અને હેરોઇન આ સ્થળેથી પસાર થાય છે. શહેરના કબજાનો અર્થ એ છે કે તાલિબાન પાસે આવકનો મોટો સ્ત્રોત પણ હશે.

તાલિબાને અગાઉ 2015 અને 2016માં થોડા સમય માટે કુંદુંજ પર કબજો કર્યો હતો, પરંતુ ત્યારે તે નિયંત્રણ જાળવી શક્યું ન હતું. અફઘાન દળો સામે સૌથી મોટો પડકાર તાલિબાનને કુંદુંજમાંથી હાંકી કાઢવાનો હશે. જો તે ત્યાં લાંબા સમય સુધી કબજો કરશે તો તે આવકનો નવો સ્ત્રોત વિકસાવશે, જેને કારણે અફઘાન સરકાર માટે મુશ્કેલી પડશે. '

ભારત દ્વારા બનાવીને આપેલા દેલારામ-જરાંજ હાઈવે પર તાલિબાને કબજો કર્યો

ઇરાન સરહદ નજીક જરાંજ પર કબજો એ તાલિબાન માટે પણ એક મોટી વ્યૂહાત્મક જીત છે. આ માર્ગે અફઘાનિસ્તાન ઈરાન સાથે વ્યાપાર કરે છે. આ શહેર એ જ 217 કિમી લાંબા દેલારામ-જરાંજ હાઇવે પર છે, જે ભારતે અફઘાનિસ્તાનમાં બનાવ્યો છે.

કાબુલના એક વરિષ્ઠ પત્રકાર કહે છે, "તેના પર કબજો એ અફઘાન સરકાર માટે મોટો ફટકો છે." આ કબજા પછી આ માર્ગ દ્વારા વ્યાવસાયિક પ્રવૃત્તિઓ તાલિબાનના હાથમાં આવશે.'

બે-ત્રણ મહિનામાં અમે સ્થિતિ બદલી દઈશું, તાલિબાને વાતચીત કરવા ટેબલ પર આવવું પડશે: અફઘાન સેના

અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહના પ્રવક્તા રિઝવાન મુરાદે ભાસ્કરને જણાવ્યું હતું કે તાલિબાન શહેરોમાં માનવ કવચ(હ્યુમનશીલ્ડ)નો ઉપયોગ કરી રહ્યું છે. તાલિબાને કુંદુંજ, તખાર અને કંધારમાં સ્પિન બોલ્ડકમાં નાગરિકોની નિર્દયતાપૂર્વક હત્યા કરી છે. તેઓ બાળકોની હત્યા કરી રહ્યા છે, પત્રકારોની હત્યા કરી રહ્યા છે. તેઓ શાળાઓમાં આગ લગાવી રહ્યા છે, સરકારી ઇમારતોમાં આગ લગાવી રહ્યા છે.

અમેરિકન સૈન્ય પરત ખેંચવાની જાહેરાત કરી ત્યારથી તાલિબાન ઝડપથી આગળ વધી રહ્યો હતા. છેલ્લા એક અઠવાડિયામાં તાલિબાને સેના માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરી છે.

મુરાદ કહે છે, "અફઘાન સરકારે શાંતિ સ્થાપવા માટે છ મહિનાની સુરક્ષા યોજના બનાવી છે." અફઘાન સુરક્ષાદળો આગામી બેથી ત્રણ મહિનામાં જમીની સ્થિતિ બદલી નાખશે. તાલિબાન પાસે એક જ વિકલ્પ બચશે - બેસીને શાંતિથી વાત કરવી.'

અમે નહિ, સરકાર સામાન્ય નાગરિકો પર હુમલો કરી રહી છે: તાલિબાન
સામાન્ય નાગરિકો પર હુમલો કરવાની વાત પર તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ કહે છે,' અમે નહિ, સરકારે દેશ માટે અલગ-અલગ ભાગોમાં નાગરિકો પર હુમલાનો આદેશ આપ્યો છે. તેઓ સાર્વજનિક સુવિધાઓ પર બોમ્બમારો કરી રહ્યા છે. અમારા ગરીબ લોકોને પોતાના ઘર છોડીને ભાગવું પડી રહ્યું છે. તેઓ અલગ-અલગ પ્રાંતોમાં અપરાધ કરી રહ્યા છે. અમે આના પર શાંત નહિ બેસીએ. કુંદુંજ અને સર-એ-પોલ હવે તાલિબાનના નિયંત્રણમાં છે, તખર અને શબરધાનમાં પણ તાલિબાન આગળ વધી રહ્યા છે. આ શહેર હવે તાલિબાનના નિયંત્રણમાં છે અને ત્યાં અત્યારે સ્થિતિ શાંતિપૂર્ણ છે.

પાકિસ્તાને 20,000 સૈનિકો તાલિબાનની મદદ માટે મોક્લ્યા: અફઘાન સરકાર

અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહના પ્રવક્તા રિઝવાન મુરાદ કહે છે, "અમે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે કે તાલિબાન અને તેની પાકિસ્તાનતરફી ગુપ્તચર એજન્સી ISIએ મદરેસાથી અફઘાનિસ્તાનમાં 20,000થી વધુ લડવૈયાઓને મોકલ્યા છે." તાલિબાનના અલ કાયદા અને અન્ય કટ્ટરપંથી જૂથો સાથે પણ સંબંધ છે. અમારા સૈનિકો ઓછામાં ઓછા 13 આતંકવાદી જૂથો સામે લડી રહ્યા છે.'

કાબુલ પણ સુરક્ષિત નથી, તાલિબાન સતત હુમલો કરી રહ્યું છે

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ દેશના અન્ય ભાગો કરતાં વધુ સલામત છે, પરંતુ ગયા બુધવારે તાલિબાનના આત્મઘાતી લડવૈયાઓએ અત્યંત સાહસિક હુમલામાં કાબુલમાં સંરક્ષણમંત્રીના ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 8 નાગરિક માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. પાછલા વર્ષમાં તાલિબાનનો કાબુલ પર આ સૌથી મોટો હુમલો હતો.

આ હુમલા બાદ ભાસ્કરને આપેલા લેખિત નિવેદનમાં તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે "ઇસ્લામિક અમીરાતની શહીદ બટાલિયન દ્વારા કરવામાં આવેલા આ હુમલા કાબુલ સરકારમાં મુખ્ય લોકો સામે તાલિબાન હુમલાની શરૂઆત છે. અમે આવા હુમલાઓ કરવાનું ચાલુ રાખીશું. '

બીજા જ દિવસે શુક્રવારે તાલિબાને કાબુલમાં અફઘાન સરકારના મીડિયા પ્રમુખ દાવા ખાન મેનાપાલની હત્યા કરી હતી.

તાલિબાન વિરુદ્ધ અલ્લાહ-હુ-અકબર વિરોધનો નારો બન્યો

કાબુલમાં તાલિબાની હુમલા બાદ શેરીઓમાં ટોળાએ તેની સામે અલ્લાહ-હુ-અકબરની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. સૌપ્રથમ હેરાત પ્રાંતના લોકોએ આ નારા લગાવવાનું શરૂ કર્યું અને હવે કાબુલ સહિત દેશભરના લોકો એમાં જોડાઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં મહિલા અધિકાર કાર્યકર્તા અને દેશના ચૂંટણીપંચ સાથે સંકળાયેલી જરમીના કહે છે, "કાબુલના લોકોએ શાંતિ માટે અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા હતા. એમાં દેશભરનાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને જનજાતિઓનો સમાવેશ થતો હતો. આ સૂત્ર અફઘાનિસ્તાનની એકતા માટે છે. અફઘાનિસ્તાનના લોકો ફરીથી તાલિબાન શાસન ઇચ્છતા નથી. લોકોએ કહ્યું હતું કે તેઓ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવીને જણાવી રહ્યા છે કે તેઓ તાલિબાન વિચારધારાના સમર્થક નથી.'

કાબુલમાં રહેતા અને સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતા માનવાધિકાર કાર્યકર્તા શ્કુલા જરદાન કહે છે, "તાજેતરના સમયમાં બે બાબત એવી આવી છે જેણે વાતાવરણ બદલી નાખ્યું છે અને લોકોએ અપેક્ષા રાખી છે." એક તો રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર પૂરી તાકાતથી તાલિબાન સામે લડશે અને બીજું, હેરાતથી શરૂ થયેલી અલ્લાહ-હુ-અકબર ચળવળ આખા દેશમાં ફેલાઈ ગઈ છે. આનાથી તાલિબાનની ધાર્મિક કાયદેસરતાને પડકારવામાં આવી છે.'

ઉત્તરી અફઘાનમાં નાગરિકોએ તાલિબાન સામે શસ્ત્રો ઉપાડ્યાં
ઉત્તરી અફઘાનમાં રહેતા એક નાગરિકે નામ ન આપવાની શરતે કહ્યું, "અહીંના સામાન્ય લોકોએ તાલિબાન સામે શસ્ત્રો ઉપાડ્યાં છે. તેઓ સરકારી લશ્કરી દળો સાથે મળીને લડી રહ્યા છે. હેરાતમાં તાલિબાનના કબજા સામે બળવો શરૂ થઈ ગયો છે, જેને કારણે તાલિબાન માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.'

અમેરિકાએ B-52 બોમ્બર્સ દ્વારા હુમલો કર્યો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યનું પરત ફરવાનું સતત ચાલુ છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં અમેરિકાએ અફઘાન સેનાના સમર્થનમાં તાલિબાન સામે કેટલાક હવાઈહુમલા કર્યા છે. એમાં બોમ્બર્સ B-52નો સમાવેશ થાય છે.

તાલિબાને કહ્યું છે કે "હવાઈહુમલાઓ સામાન્ય અફઘાનોને નિશાન બનાવી રહ્યા છે. આ હવાઈહુમલા છતાં તાલિબાનની ગતિ અટકી નથી.'

હિંસામાં બાળકો માર્યાં ગયાં છે, લોકો બેઘર થઈ રહ્યા છે
અફઘાનિસ્તાનમાં બાળકો માટે કાર્ય કરનારી સંસ્થા UNICEFના પ્રતિનિધિ હર્વે લુડોવિચ ડે લિઝે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 72 કલાકમાં અફઘાનિસ્તાનમાં 20 બાળકોનાં મોત થયાં છે અને 130 બાળકો ઘાયલ થયાં છે. "યુનિસેફ સશસ્ત્ર જૂથો દ્વારા બાળકોની બળજબરીથી ભરતી અંગે પણ ચિંતિત છે.'

એક નિવેદનમાં યુએન બોડી ફોર રેફ્યુજી અફેર્સ UNHCRએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં જ અફઘાનિસ્તાનમાં 35,000 પરિવારો બેઘર થઈ ગયા છે.

અત્યારસુધીની હાલની પરિસ્થિતિ મુજબ તાલિબાનો ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ વાતચીત પહેલાં યુદ્ધના મેદાનમાં તાલિબાનને હરાવવાની અફઘાન સરકારની વ્યૂહરચના અને તેની સામે સામાન્ય જનતાના ઉતરાણથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આ કેટલું બદલાશે એ થોડા સમય પછી જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...