અફઘાનિસ્તાનની હોટલોમાં મોટા હુમલાની સંભાવના:અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને કાબુલની સેરેના હોટલને તાત્કાલિક ખાલી કરવાની ચેતવણી આપી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકા અને બ્રિટને અફઘાનિસ્તાનમાં હાજર પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે હોટલોમાં જવાથી બચે. 8 ઓક્ટોબરે અફઘાનિસ્તાનની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં 100થી વધુ લોકોના જીવ ગયા હતા. એ હુમલાની જવાબદારી ISISએ લીધી હતી. આ હુમલા બાદ હવે હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવે એવી આશંકા છે.

અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જે પણ નાગરિક સેરેના હોટલ તથા એની આસપાસ રોકાયેલા છે તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી જાય. ત્યાં સુરક્ષાને લઈને જોખમ છે. બ્રિટનની કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને સલાહ આપવામાં આવી રહી છે કે હોટલોમાં ના રોકાય. ખાસ કરીને કાબુલની સેરેના હોટલમાં તો બિલકુલ ન રોકાવો.

બે વખત સેરેના હોટલમાં હુમલો થઈ ચૂક્યો છે
કાબુલની સેરેના હોટલ એ ત્યાંની લક્ઝરી હોટલ છે, જ્યાં પર્યટક અને વિદેશી મહેમાનો આવીને રોકાય છે. આ હોટલ અગાઉ પણ તાલિબાનના હુમલાઓની શિકાર બની ચૂકી છે. તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ ઘણા વિદેશી મહેમાનો અફઘાનિસ્તાન છોડીને પોતાના દેશ પરત ફર્યા છે, પરંતુ ઘણા પત્રકારો અને મદદ પહોંચાડનાર લોકો કાબુલમાં જ રોકાઈ ગયા હતા.

શનિવાર-રવિવારે તાલિબાન-અમેરિકાના પ્રતિનિધિઓ મળ્યા હતા
અગાઉના બે દિવસમાં તાલિબાન અને અમેરિકી પ્રતિનિધિઓ વચ્ચે કતારની રાજધાની દોહામાં મુલાકાત થઈ હતી. અમેરિકી સૈનિકોના અફઘાનિસ્તાન છોડ્યા બાદ આ પહેલી ફેસ-ટુ-ફેસ મુલાકાત હતી. આ મુલાકાતમાં સુરક્ષાના મુદ્દાઓ પર વાત થઈ. અમેરિકાએ આતંકવાદને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી અને અમેરિકી નાગરિકો તેમજ અન્ય વિદેશી નાગરિકોને દેશ છોડવા માટે સુરક્ષિત રસ્તો આપવાની પણ ચર્ચા થઈ.

અન્ય સમાચારો પણ છે...