WHOએ આપી ગંભીર ચેતવણી:અફઘાનિસ્તાનમાં ખોરાકની અછતને કારણે વર્ષના અંત સુધી 10 લાખ બાળકોનાં મોત થઈ શકે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનનો કબજો થયા બાદ પેદા થયેલું સંકટ વધુ ઘેરુ બનતું જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (WHO)એ અફઘાન નાગરિકોને વિદેશી મદદ ન મળવાના કારણે ખૂબ જ મોટું આર્થિક સંકટ ઉભું થવાની સંભાવના ગણાવી છે. સાથે જ આ સંકટ વચ્ચે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ન સુધરવાને લઈને ગંભીર ચેતવણી આપી છે. WHOએ કહ્યું કે આ વર્ષના અંત સુધી 10 લાખ બાળકો દુષ્કાળને કારણે ભોજન ન મળવા પર મોતના શિકાર બની શકે છે.

32 લાખ બાળકો કુપોષણનો શિકાર બનશે
રોઈટર્સના રિપોર્ટ્સ અનુસાર, WHOએ ચેતવણી આપી છે કે શિયાળાની ઋતુ ગાઢ થતાં તાપમાન ઘટશે તો ખોરાકની ઉપલબ્ધતાને વધુ અસર થશે. અને 32 લાખ બાળકો કુપોષણનો શિકાર બનશે.

તાલિબાન સરકારને નથી મળી રહી માન્યતા
તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો અને ત્યાર બાદ પોતાની સરકાર બનાવી. આ સરકારને મોટાભાગના દેશોની સરકારો દ્વારા માન્યતા આપવામાં આવી નથી. તેમાં અફઘાનિસ્તાનને મોટા પાયે આર્થિક મદદ આપનારા યુરોપીયન દેશો અને યુએસનો સમાવેશ થાય છે. જેના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. WHOએ ચેતવણી આપી છે કે દુષ્કાળના કારણે આ આર્થિક સંકટ વધુ વકરી જશે.

સેલરી વિના હેલ્થ ક્ષેત્ર ઠપ થયું
WHOએ અફઘાનિસ્તાનની આરોગ્ય પ્રણાલી વિશે પણ ચેતવણી આપી છે, જે મહિનાઓથી મોટાભાગના હેલ્થ વર્કર્સને પગાર ન ચૂકવવાને કારણે સંપૂર્ણ રીતે અટકી ગઈ છે. રોઇટર્સના જીનીવા સંવાદદાતા સાથે ટેલિફોન વાતચીતમાં, આ ચિંતા WHOના પ્રવક્તા માર્ગારેટ હેરિસ દ્વારા કાબુલમાં વ્યક્ત કરવામાં આવી હતી.

વિશ્વ અફઘાનિસ્તાનની સ્થિતિને નકારી ન શકે
હેરિસે કહ્યું કે, આ પર્વત પર ચડવું અને લડવા જેવું છે, કારણ કે ભૂખે દેશને ઘેરી લીધો છે. વિશ્વ અફઘાનિસ્તાનથી પીઠ ફેરવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, જેમ જેમ રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે જશે. આટલા ઠંડા તાપમાનના કારણે વૃદ્ધો અને બાળકો પણ અન્ય રોગોનો ભોગ બનશે. હોસ્પિટલો માટે ઈંધણ ઉપલબ્ધ નથી, જેના કારણે લોકો ઘણી જગ્યાએ વૃક્ષો કાપીને હોસ્પિટલોને ઈંધણ પૂરું પાડી રહ્યા છે.

ઓરી પણ ચિંતાજનક છે, 24,000 કેસ મળ્યા
હેરિસે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પણ બાળકોમાં ઓરીનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં WHOને 24000 થી વધુ કેસ મળ્યા છે, જેણે એક નવી ચિંતા વધારી છે.

અન્ય સમાચારો પણ છે...