તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રત્નોના દેશને લાગી નજર:અફઘાનના બેશકીમત રત્નો હવે તાલિબાનના કબજામાં, જેમસ્ટોનની દાણચોરીને કારણે અફઘાનિસ્તાનને વર્ષે 100 મિલિયન ડોલરનું નુકસાન

એક મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • વર્ષો પહેલાં ભારતમાં અફઘાનિસ્તાનથી રત્નો આયાત થતા, પછી સદંતર બંધ થઈ ગયું

અફઘાનિસ્તાનમાં 1,400થી વધુ ખનિજ ક્ષેત્રો છે, જેમાં બારાઇટ, ક્રોમાઇટ, કોલસો, તાંબું, સોનું, આયર્ન ઓર, સીસું, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કીમતી અને અર્ધકીમતી પથ્થરો, મીઠું, સલ્ફર, ટેલ્ક અને ઝિંક, અન્ય ઘણા ખનીજો છે. ધ પેન્ટાગન અને યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના સંયુક્ત અભ્યાસ મુજબ, અફઘાનિસ્તાનમાં અંદાજે 1 ટ્રિલિયન અમેરિકી ડોલર બિનઉપયોગી ખનિજ છે. અફઘાનિસ્તાનની ભૂમિમાંથી અનેક કીમતી રત્નો મળી આવે છે. આ રત્નોમાં ઉચ્ચ ગુણવત્તાના નીલમ, લેપિસ લાઝુલી, લાલ ગાર્નેટ અને રુબીનો સમાવેશ થાય છે. હવે આ રત્નો પર તાલિબાનનો કબજો છે. અફઘાનિસ્તાનમાં રત્નોની દાણચોરી થાય છે અને એને કારણે અફઘાનને વર્ષે 100 મિલિયન ડોલરનું નુકસાન થઇ રહ્યું છે.

અફઘાનિસ્તાનમાંથી મળી આવતા રત્નોની પ્રતીકાત્મક તસવીર.
અફઘાનિસ્તાનમાંથી મળી આવતા રત્નોની પ્રતીકાત્મક તસવીર.

ભારતમાં કયા રત્નો અફઘાનિસ્તાનથી આયાત થતા?
અફઘાનિસ્તાનની ભૂમિ એવી છે કે એમાં કુદરતે કીમતી રત્નો ઠાંસી-ઠાંસીને ભર્યા છે. ભારતમાં જ્યોતિષશાસ્ત્રમાં માનનારા લોકોની સંખ્યા ખૂબ વધુ છે, એટલે ભારતમાં અફઘાનિસ્તાનમાંથી અનેક રત્નો ભારત આવતા થયા. જોકે અફઘાનિસ્તાનની દશા ક્યારેય સારી રહી નથી અને તાલિબાનોએ કેર વર્તાવ્યો છે એટલે રત્નો ભારત તરફ આવતા ઓછા થયા, પણ અફઘાનિસ્તાનમાંથી રત્નોની દાણચોરી ચાલુ રહી. ભારતમાં જે રત્નોની આયાત થતી એમાં શેફાયર એટલે પોખરાજ, લેપીસ લાઝુલી, નીલમ જેવા રત્નો આવતા.
અફઘાનિસ્તાનથી રત્નો આવતા શા માટે બંધ થયા?
ભારતમાં અફઘાનિસ્તાનથી બેશકીમત રત્નો આવતા, પણ સમયાંતરે એ આયાત બંધ થઇ ગઈ. એનાં બે કારણ છે. એક કારણ એવું છે કે 20 વર્ષ પહેલાં તાલિબાનનું શાસન હતું ત્યારે ભારત સાથે વ્યાપારમાં તકલીફ પડતી હતી. એ પછી અફઘાનિસ્તાનથી લાજવર્ત, માણેક, નીલમ જેવા રત્નો આવતા પણ બહુ ઓછા આવતા. જોકે અફઘાનિસ્તાનમાંથી કીમતી રત્નોની દાણચોરી મોટે પાયે થતી એટલે સારી ગુણવત્તાના રત્નો ભારતમાં આવતા બંધ થયા.
ભારતમાં કયા દેશથી કયા રત્નો આવે છે?
ભારતમાં રત્નો અલગ-અલગ દેશમાંથી આવે છે, જેમ કે બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, સિંગાપોર, તુર્કી, થાઈલેન્ડ, આફ્રિકા, ચાઈના... વગેરે. આ બધા દેશોની જમીનની અંદર સંગ્રહ થયેલા છે રત્નોનો ખજાનો. આ રત્નોમાં ચાઈનાથી સ્પિનલ, થાઈલેન્ડથી શેફાયર, તાન્ઝાનિયાથી માણેક અને રુબી, ઇન્ડોનેશિયામાંથી મોતી જેવા સ્ટોન આવે છે. આપણે ત્યાં ડેકોરેશનમાં ઓછા અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જેમસ્ટોન વધારે આયાત કરવા પડે છે. અગાઉ શ્રીલંકામાંથી મોટા પ્રમાણમાં શેફાયર એટલે પોખરાજ આવતા હતા પણ હવે ત્યાંથી આયાત બંધ થઇ ગઈ છે.
ભારતમાં જ્યોતિષશાસ્ત્રમાં રત્નોનું મહાત્મ્ય
ભારતની જ્યોતિષવિદ્યા પ્રાચીનકાળથી ચાલી આવે છે અને જ્યોતિષીઓ નિરાકરણ માટે ગુરુ, સૂર્ય, શનિ અને અન્ય સ્ટોન પહેરવાનું કહે છે અને આ માટેના મૂલ્યવાન રત્નો માત્ર અફઘાનિસ્તાનની ધરતીમાંથી જ મળે છે, જેમ કે અફઘાનિસ્તાનમાંથી નીકળતો પથ્થર લેપિસ લાઝુલી જેને ગુજરાતીમાં લાજવર્ત કહે છે, એ મોટી માત્રામાં નીકળે છે અને શનિની કૃપા માટે આ પથ્થર વીંટી કે પેન્ડન્ટમાં પહેરવામાં આવે છે. એવી રીતે સૂર્ય માટે માણેક અને પોખરાજ ગુરુ માટે પહેરાય છે. પોખરાજને શેફાયર કહે છે. અફઘાનિસ્તાનની ધરતીમાં ઉચ્ચ ગુણવત્તાના નીલમનો ભંડાર છે. નીલમ પણ શનિની કૃપા માટે પહેરાય છે. નીલમ ખૂબ મોંઘા હોય છે. સારા નીલમનો એક કેરેટનો ભાવ એક લાખ રૂપિયાથી વધારે હોય છે.
અફઘાનિસ્તાનમાં રત્નોની દાણચોરી
કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા અફઘાન નીલમને વિશ્વના શ્રેષ્ઠમાં ગણવામાં આવે છે. અફઘાનિસ્તાનની જમીનમાં કુદરતે એવા એવા ભંડાર આપ્યા છે કે અફઘાન સરકારે ખાણ મંત્રાલય ઊભું કર્યું હતું. જોકે તાલિબાનોના કબજા બાદ ખનન કરાયેલા રત્નોનું શું થાય છે એ આવનારો સમય નક્કી કરશે. અલબત્ત, વિશ્વ બેન્કનો અંદાજ છે કે અફઘાનિસ્તાનમાં ખનન કરાયેલા તમામ રત્નોમાંથી 90થી 99 ટકા દેશની બહાર દાણચોરી કરવામાં આવે છે. અહીં બદખશાન પ્રાંતમાંથી ગોલ્ડ, રત્ન, લેપિસ લાઝુલી નીકળે છે, જ્યારે નુરિસ્તાન પ્રાંતમાંથી પેગમાઇટ્સ અને અન્ય રત્નો મળી આવે છે. તાલિબાનના કબજા બહાર જે પ્રાંત આવે છે એ પંજશીરની જમીનમાં નીલમનો ભરપૂર ખજાનો છે.
દેશના પૂર્વ ખાણમંત્રી દાઉદ સબાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન રત્નની દાણચોરી દ્વારા દર વર્ષે આશરે 100 મિલિયન ડોલર ગુમાવે છે, જે કોલસા અને ટેલ્ક જેવી ઔદ્યોગિક ખનિજોની કુલ નિકાસ કરતાં વધારે છે!! તેમણે કહ્યું હતું કે ઉત્તરી અફઘાનિસ્તાનની એક ખાણ સર-એ-સાંગમાંથી લેપિસ લાઝુલી સૌથી વધારે અને ગુણવત્તાવાળા નીકળે છે, એટલે એની દાણચોરી પર અંકુશ રાખી શકાત, પણ હવે આ તમામ પર તાલિબાનોનો કબજો રહેશે.
અફઘાનિસ્તાનના કીમતી રત્નો અને એની વિશેષતા
લેપિસ લાઝુલી - Lapis Lazuli

લેપિસ લાઝુલી - લાજવર્ત.
લેપિસ લાઝુલી - લાજવર્ત.

લેપિસ લાઝુલી અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન અને પાકિસ્તાનમાં હજારો વર્ષોથી ખનન કરવામાં આવે છે અને આ વિસ્તાર આજે પણ આ કીમતી રત્નનો વિશ્વનો મુખ્ય સ્રોત છે. એનો કલર નેવી બ્લૂ જેવો હોય છે અને એમાં સોનાનાં ટપકાં જોવા મળે છે. લેપિસ લાઝુલીનો ઉપયોગ તુતન ખાનમના મકબરામાં કરવામાં આવ્યો હતો, એનો ઉલ્લેખ માનવજાતની પ્રારંભિક વાર્તા, ગિલગમેશમાં છે, જે 2750 બીસીમાં લખાયેલી છે અને બાઇબલમાં પણ આ રત્નનો ઉલ્લેખ છે.
લેપિસ લાઝુલી રત્નને પર્વતની ટોચ પરથી લાવવામાં આવે છે અને એને લાવવાની પ્રાચીન પદ્ધતિ છે. એવું કહેવાય છે કે લેપિસ લાઝુલીનો મોટો પથ્થર હોય અને એની પાસે અગ્નિ પ્રગટાવવામાં આવે તો આ વિરાટ પથ્થર પાણીની જેમ ઓગળીને છૂટા પડી નાના ભાગોમાં વિખેરાઈ જાય છે. રત્નો વીણવાનું કામ કરનારા માઇનર્સ આગ પેટાવીને દૂર જતા રહે છે અને પછી વિખેરાયેલા ટુકડાઓ લેવા પાછા આવે છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ લેપિસ લીઝુલી શનિ ગ્રહનું પ્રાધાન્ય કરે છે. એને ગુજરાતીમાં લાજવર્ત કહે છે.
કુંઝાઇટ - Kunzite

કુંઝાઇટ.
કુંઝાઇટ.

આ વિશ્વના સૌથી પ્રાચીન રત્નોમાંનું એક છે. તેજસ્વી ગુલાબી અને સંપૂર્ણ આધુનિક કુંઝાઇટની શોધ 20મી સદીની શરૂઆતમાં અમેરિકામાં થઈ હતી. ટિફનીના વાઇસ-પ્રેસિડન્ટના નામ પર શોધાયેલું આ રત્ન સમૃદ્ધ લોકો પહેરે છે અને હોલિવુડ પાર્ટીઓમાં પણ વધારે પહેરાય છે. અફઘાનિસ્તાનના ઉજ્જડ હાઇલેન્ડઝમાં કુંઝાઈટ જોવા મળે છે. કુંઝાઇટ એ ખનિજ સ્પોડ્યુમિનના આછા નાજુક ગુલાબી કણોથી બનેલો છે. અફઘાનિસ્તાનમાં કુંઝાઈટ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, તેથી એ સરસ મોટા કેરેટ કદમાં મળી શકે છે. કુંઝાઇટ રત્નોમાં અસામાન્ય બાબત એ છે કે એને દરેક ખૂણાથી જોવામાં આવે તો અલગ અલગ ત્રણ રંગ પ્રદર્શિત કરે છે. આને પ્લોક્રોઇઝમ કહેવામાં આવે છે. આ રત્ન ઘરેણાંમાં વધારે વપરાય છે.
મોર્ગનાઇટ - Morganite

મોર્ગનાઇટ.
મોર્ગનાઇટ.

મોર્ગનાઇટ ગુલાબી રત્ન છે, જે સામાન્ય રીતે કુંઝાઇટ કરતાં થોડો વધુ સૂક્ષ્મ હોય છે અને નીલમ અને એક્વામરીન જેવા રત્નોની સાથે પ્રખ્યાત બેરિલ પરિવારનો સભ્ય છે. એની પાસે કુંઝાઇટની વધારાની લિંક છે, કારણ કે જ્યોર્જ કુન્ઝ આ રત્નને ઓળખનારા પ્રથમ હતા અને તેમણે તેનું નામ ન્યૂયોર્કના ફાઇનાન્સર જે.પી. મોર્ગન પરથી 1910માં આપ્યું હતું. મોર્ગનાઇટ આછા ગુલાબીથી વાયોલેટ સુધીમાં જોવા મળે છે. એની તેજ, ચમક અને ઉત્કૃષ્ટ સ્પષ્ટતા આ રત્નને તમામ પ્રકારના દાગીનાને આકર્ષક બનાવે છે.
નીલમ - Emerald

નીલમ.
નીલમ.

દક્ષિણ અમેરિકામાં કોલંબિયા અને આફ્રિકામાં ઝામ્બિયા એ નીલમના બે શ્રેષ્ઠ સ્ત્રોત છે, પરંતુ અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં નીલમનો ભંડાર છે. કાબુલની ઉત્તરે આવેલા પર્વતોમાં આ સ્થાન હજારો વર્ષોથી નીલમણિ માટે ખનન કરવામાં આવ્યું છે, પરંતુ તાજેતરમાં જ એને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સારી માત્રામાં જથ્થો મળી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં મળેલા રત્નો વાદળી-લીલા રંગના હોય છે અને એ જ શ્રેષ્ઠ હોય છે.
એક્વામરીન - Aquamarine

એક્વામરીન.
એક્વામરીન.

હજુ સુધી અફઘાનિસ્તાનમાં જોવા મળતા રત્નોના બેરિલ પરિવારમાંનું એક એક્વામરીન છે. આ ટકાઉ રત્ન વાદળી રંગમાં આવે છે, ઓનો સમુદ્રના પાણી જેવો કલર હોવાથી ઓને નામ મળ્યું - એક્વામરીન. લગભગ તમામ એક્વામરીન રત્ન અતિપારદર્શક છે, એટલે આંતરિક ખામીઓ નરી આંખે દેખાતી નથી.

હિડનાઇટ - Hiddenite

હિંડનાઇટ.
હિંડનાઇટ.

હિંડનાઇટની શોધની વાર્તા એકદમ અનોખી અને થોડી વિચિત્ર છે. ડબ્લ્યુ.ઈ. હિંડન એક શોધ પર નીકળ્યા હતા. હિંડનનો ટાર્ગેટ હતો કે તેના નવા બલ્બ માટે પ્લેટિનમ શોધવું. તે ઉત્તર કેરોલિના પહોંચ્યા અને જ્યારે તે વિસ્તારની શોધ કરી રહ્યા હતા એવામાં તેને સ્થાનિક વ્યક્તિએ લીલો રત્ન સોંપ્યો. હિંડને તેમને ખરાઈ કરવા મોકલ્યો હતો અને એને વિવિધ લીલા સ્પોડ્યુમિન (ગુલાબી સ્પોડ્યુમિન કુંઝાઇટ) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. હિંડનના નામ પરથી આ રત્નનું નામ હિંડનાઇટ રાખવામાં આવ્યું હતું. ત્યારથી અફઘાનિસ્તાન આ અનોખા લીલા રત્નનો શ્રેષ્ઠ સ્રોત બની ગયું.
ટૂરમાલાઇન - Tourmaline

ટૂરમાલાઇન.
ટૂરમાલાઇન.

ટૂરમાલાઇન એ રત્નનો એવો પ્રકાર છે, જેમાં ખૂબ જ રંગીન વિવિધતા જોવા મળે છે. એ સમગ્ર વિશ્વમાં અસંખ્ય સ્થળોએ જોવા મળે છે. એ એક ટકાઉ સ્ફટિક છે, તેના દેખાવને સુધારવા માટે મહેનત નથી કરવી પડતી. અફઘાનિસ્તાનમાં અત્યારસુધી જોવા મળતા ટૂરમાલાઇન્સ ગુલાબી, લીલા અને વાદળી રંગના છે, જેમાં નુરિસ્તાન પ્રાંતમાંથી મળી આવતા ઇન્ડિકોલિટ ટૂરમાલાઇનનો કલર પણ અલગ છે.
બેરિલ - Beryl

બેરિલ.
બેરિલ.

અફઘાનિસ્તાનમાંથી મળી આવતા રત્ન બેરિલ અનેક પ્રકારના જોવા મળે છે. એમાં પણ ગોલ્ડન બેરિલને વિવિધ આકારોમાં કાપી શકાય છે. આ રત્નનો ઉપયોગ તમામ પ્રકારનાં ઘરેણાં બનાવવામાં થાય છે.
સ્પિનલ - Spinel

સ્પિનલ.
સ્પિનલ.

સ્પિનલ પ્રમાણમાં અજાણ્યું, પરંતુ સુંદર રત્ન છે, જે વિશ્વભરનાં ઘણાં સ્થળોએ વિવિધ રંગોમાં આવે છે. જોકે 'સ્પિનલ' પણ પ્રાચીન સમયમાં કોઈપણ લાલ રત્નનો ઉલ્લેખ કરવા માટે વપરાતો શબ્દ હતો અને આનાથી માણેક અને ગાર્નેટ સાથે કેટલીક મૂંઝવણ ઊભી થઈ. યુરોપ અને એશિયાના કેટલાક રાજવી પરિવારોના તાજમાંથી અનેક રુબી અને સ્પિનલ મળ્યા છે - બ્લેક પ્રિન્સ રુબી અને તૈમુર રુબી તેમની ઓળખ છે. ઉત્તરી અફઘાનિસ્તાનના બદકસાન પર્વતીય વિસ્તારમાં ઉદ્ભવ્યા છે. કમનસીબે આ દિવસોમાં અફઘાનિસ્તાનની બજારમાં સ્પિનલ ખૂબ ઓછા મળે છે.
સર્પન્ટાઇન - Serpentine

સર્પન્ટાઇન.
સર્પન્ટાઇન.

સર્પન્ટાઇન એ સામાન્ય રીતે અપારદર્શક રત્ન છે, જેમાં લીલો રંગ અને રેશમી જેવા લીટા હોય છે, જે ક્યારેક જેડનો વિકલ્પ બની શકે છે. ઘણીવાર આ રત્ન વિવિધ ખનિજોના જૂથથી બનેલો હોય છે, જેની સપાટી પર વિવિધ રંગોની લીટીઓ બનેલી હોય છે.

અન્ય સમાચારો પણ છે...