પાકિસ્તાનની શાહબાઝ સરકાર અફઘાનિસ્તાનના બેવડા મારનો સામનો કરી રહી છે. પહેલાં તો તહેરિક- એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર હુમલા કરતું હતું. હવે અફઘાનિસ્તાન સૈન્યે પણ પાકિસ્તાન સૈનિકો પર હુમલા શરૂ કરી દીધા છે. આ દરમિયાન અફઘાન સુરક્ષાકર્મીઓના ગોળીબારમાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 15થી વધુને ઇજા થઇ છે. તેની વિરુદ્ધ પાકિસ્તાને પણ ગોળીબારમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો છે. અફઘાન સૈનિકો બલુચિસ્તાનના ચમન જિલ્લા નજીક સરહદે એક નવી ચેકપોસ્ટ બનાવવા ઈચ્છતા હતા.
આ વાતથી મામલો બગડ્યો. તેમને પાકિસ્તાની રેન્જર્સે રોક્યા તો તેમણે તોપમારો શરૂ કર્યો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે કહ્યું કે, અફઘાન સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ ફરી ના થાય. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા આપીને પગ પર કુહાડો માર્યો છે.
અફઘાન સરહદે પાકિસ્તાનના 115 પોલીસકર્મીનાં મોત
ખૈબર પખ્તુન્વા પોલીસના ડેપ્યુટી હેડ મુહમ્મદ અલી બાબા ખેલે શાંતિ અને સુરક્ષા સામે અનેક પડકારો અંગેના સેમિનારમાં કહ્યું હતું કે અફઘાન તાલિબાન અને પ્રતિબંધિત ટીટીપી એક જ સિક્કાની બે બાજુ છે. આ વર્ષે સરહદે થયેલી અથડામણોમાં પાકિસ્તાનના 115 પોલીસકર્મી માર્યા ગયા છે. પોલીસ પર હુમલા એ વાતનો પુરાવો છે કે પોલીસ તેમનું કામ પ્રામાણિકતાથી કરે છે. હાલમાં જ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે બલુચિસ્તાનમાં આતંકી ગતિવિધિ વધી છે.
બંને દેશ વચ્ચે સરહદી વિવાદ, અફઘાન તાલિબાન પર પાક. હાવી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અનેક વર્ષોથી સરહદી વિવાદ છે. બંને દેશ વચ્ચે 2600 કિ.મી. સરહદ છે, જે પૈકી 90% પર પાકિસ્તાને કાંટાળા તાર બાંધ્યા છે. તેને ડુરાન્ડ લાઇન કહેવાય છે, જેને અફઘાનિસ્તાન સ્વીકારતું નથી. તાલિબાનના એક ટોચના કમાન્ડરે કહ્યું હતું કે અમે પાકિસ્તાનને સરહદે વાડ બનાવવાની મંજૂરી નથી આપતા.
પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાન તરફથી વધી રહેલા હુમલા
ગયા મહિને એક સશસ્ત્ર અફઘાને પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. તેમાં એક સૈનિકનું મોત પણ થયું હતું. ખૈબર પખ્તુન્તવા પ્રાંતમાં કુર્રમમાં સડક નિર્માણ અંગે વિવાદ થયો હતો, જેમાં પાક.ના આઠ નાગરિકને ઇજા થઇ હતી. ખાસ વાત એ છે કે સરહદી વિવાદ મુદ્દે તાલિબાનનું કોઈ નિવેદન નથી આવ્યું અને આ વિવાદ સતત વધી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.