બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે વેનેઝુએલાની સરહદે આવેલા યાનોમામી આદિવાસી વિસ્તારમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરી છે. તાજેતરમાં જાહેર કરાયેલા રિર્પોટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષોમાં કુપોષણ, મેલેરિયા,ડાયેરિયા અને ગેરકાયદેસર સોનાનું ખાણકામ જેવા કારણોને લીધે અહીં રહેતી જનજાતિનાં 570 બાળકોનાં મોત થયા છે.
બોલ્સોનારોના કાર્યકાળ દરમિયાન બાળકો મૃત્યુ પામ્યાં હતાં
એમેઝોન જર્નાલિઝમ પ્લેટફોર્મ સુમાઉમાના એક રિપોર્ટ અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન કુપોષણ અને અન્ય બીમારીઓને કારણે 570 આદિવાસી બાળકોનાં મોત થયાં હતા. નવા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા એ આરોપ લગાવ્યો છે કે, આ બધું યાનોમામીના લોકોના નરસંહારનું કાવતરું છે, જે અગાઉની સરકાર દ્વારા ઘડવામાં આવ્યું હતું.
રિર્પોટમાં બાળકોનાં મોતનાં એક કારણ તરીકે ગેરકાયદેસર સોનાનું ખાણકામ પણ દર્શાવાયું છે. હકીકતમાં, યાનોમામી જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણકામ એકદમ સામાન્ય છે. અહીં ખાણકામ માટે પારાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પારો પર્યાવરણમાં રહી જાય છે. આ પારો કયાંક હવાના નાના મોટા કણોમાં ભળી જાય છે, તો કયાંક પાણીમાં ભળી જાય છે.
પારાનું આ સ્વરૂપ ખતરનાક બની શકે છે. આનાથી બાળકોની કિડની અને મગજ જેવા અંગો ખરાબ થઇ શકે છે. તેનાથી અન્ય ઘણા રોગો પણ થઇ શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, બ્રાઝિલમાં બાળકોના મોતની પાછળ આ કારણો જવાબદાર હોઇ શકે છે. નવી સરકાર અનુસાર ગેરકાયદેસર ખાણકામ રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પુખ્ત વયના લોકોનું વજન બાળકો જેટલું થયું
મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિજેનસ પીપલના કેબિનેટ મંત્રી બનનાર પહેલી સ્વદેશી મહિલા સોનિયા ગુઆજાજારાએ એક ટ્વીટમાં કહ્યું કે, અગાઉની સરકારે આદિવાસી વિસ્તારમાં રહેનાર લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી છે. અહીં પુખ્ત વયના લોકોનું વજન બાળકો જેટલું થઈ ગયું છે. બીજી બાજુ બાળકોના શરીરમાં ફ્કત ચામડી અને હાડકાઓ જ રહી ગયા છે.
આદિવાસીઓ માટે હેલ્થકેર અને રાશનની વ્યવસ્થા
બ્રાઝિલની સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે કે યાનોમામી વિસ્તારમાં રહેતા લોકો માટે મેડિકલ સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેને બોલ્સોનારો દ્વારા નાબૂદ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ હાલમાં જ એક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લીધી છે.
સરકાર એમેઝોનના જંગલોમાં રહેતા 26 હજાર યાનોમામી લોકોને રાશન પણ પૂરું પાડશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય કુપોષણની સમસ્યાને નાબૂદ કરવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.