અહો આશ્ચર્યમ:પાકિસ્તાનની એક મહિલાએ એક-બે નહીં, પણ એકસાથે 7 બાળકને જન્મ આપ્યો; મેડિકલ સાયન્સ પણ અચંબામાં

2 મહિનો પહેલા

જોડિયા બાળકો થવા તેવા કેસો આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છે, વધુમાં વધુ 3થી 4 બાળકો જન્મવાની ખબરો સામે આવતી રહેતી હોય છે, પરંતુ કોઈ આ વાત પર ક્યારેય વિશ્વાસ નહી કરે કે કોઈ મહિલા એકસાથે 7 બાળકોને જન્મ આપી શકે છે. પાકિસ્તાનથી એક ખબર સામે આવી છે, જેમાં એક મહિલાએ એકસાથે એક-બે નહીં, પણ 7 બાળકને જન્મ આપ્યો છે. તે બાળકોમાં ચાર દીકરા અને ત્રણ દીકરી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સાત બાળકો તદ્દન સ્વસ્થ છે. આ ઘટનાથી ડોક્ટરો પણ ચોંકી ગયા છે. આ મહિલાને 7 બાળક અગાઉ પણ બે દીકરી છે, તેમને ગણીને હવે તેમની પાસે કુલ 9 બાળક છે.

આ ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં સ્થિત એબટાબાદ શહેરની છે. ત્યાં જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી. બાળકો જન્મ્યા બાદ બાળકોના પિતા યાર મોહમ્મદે ડોક્ટરોને જણાવ્યું હતું કે અમને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે ગર્ભમાં એકથી વધુ બાળકો છે, પરંતુ સાત-સાત બાળકો હશે એવો તો અંદાજો પણ નહોતો.

અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળકો હોવાનું સામે આવ્યું હતું
યાર મોહમ્મદના નિવેદન અનુસાર, ડોક્ટરોની ટીમ દ્વારા હોસ્પિટલમાં મહિલાનું તાત્કાલિક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળક હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નક્કી થયું હતું કે મહિલાનું ઓપરેશન કરવામાં આવે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એક-એક કરીને સાત બાળકોએ જન્મ લીધો. મહિલા અને બાળકોની સ્થિતિ હાલ સ્થિર જણાવવામાં આવી છે.

સંયુક્ત કુંટુંબમાં રહેતા હોવાથી બાળકોનો ઉછેર સરળ
મીડિયાના અહેવાલો અનુસાર, યાર મોહમ્મદનું કહેવું છે કે બાળકોનું ભરણપોષણ કરવામાં તેમને કોઈ તકલીફોનો સામનો નહી કરવો પડે, કેમ કે તેઓ એક સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય બાળકોના ઉછેરમાં મારી મદદ કરશે.

ડોક્ટરે શું કહ્યું?
ડોક્ટર અનુસાર, 8 મહિનાની પ્રેગ્નન્ટ મહિલા તેમની પાસે પહેલીવાર શનિવારે આવી હતી. મહિલાનું બ્લડપ્રેશર ખૂબ જ વધારે હતું, પેટ પણ અતિશય ફૂલી ગયું હતું. ઓપરેશનનો ઓપ્શન ખતરનાક હતો, કેમ કે આ અગાઉ પણ મહિલાનાં બે બાળકો ઓપરેશનથી થઈ ચૂક્યાં હતાં. એનાથી તેમના જૂના ટાંકા અને ગર્ભાશય ફાટવાનું જોખમ હતું.

પરંતુ બાદમાં ડોક્ટરોની ટીમે એક કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં સફળ ડિલિવરી કરી. ડોક્ટરે કહ્યું હતું કે આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે કે એકસાથે જન્મેલા દરેક બાળક સ્વસ્થ હોય, પરંતુ અમારી ટીમે એ કરીને બતાવ્યું. બાળકની માને હાલ ICUમાં શિફ્ટ કરવામાં આવી છે.

દવાઓને કારણે એકથી વધુ બાળકોનો જન્મ
ડોક્ટર હિના ફૈયાઝે જણાવ્યું હતું કે મહિલાએ ગર્ભધારણ કરનારી દવાઓનો ઉપયોગ કર્યો હતો. દવાઓના ઉપયોગના કારણે મહિલાના શરીરમાં એકથી વધુ ઈન્ડા મેચ્યોર થઈ જાય છે, જેને કારણે એક જ સમયમાં બે કે તેથી વધુ ગર્ભ રહી જાય છે.

અન્ય સમાચારો પણ છે...