• Gujarati News
  • International
  • A Wave Of Resignations In The United States, 4 Million In April, 3.6 Million In May And 4.3 Million In August.

ભાસ્કર વિશેષ:અમેરિકામાં રાજીનામાંની લહેર, એપ્રિલમાં 40 લાખ, મેમાં 36 લાખ અને ઓગસ્ટમાં 43 લાખ લોકોએ નોકરી છોડી દીધી

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં નોકરીઓનો બદલાતો ટ્રેન્ડ, અમેરિકામાં દસકાનાં સૌથી વધુ રાજીનામાં

આજકાલ અમેરિકામાં નોકરી છોડવાનો ટ્રેન્ડ છે. અમેરિકામાં એપ્રિલમાં 40 લાખ, મેમાં 36 લાખ અને ઓગસ્ટમાં 43 લાખ લોકોએ રાજીનામાં આપી દીધાં છે. આ સંખ્યા અમેરિકાના કુલ વર્કફોર્સના 2.9% છે. અમેરિકામાં નોકરી છોડવાનો આ ટ્રેન્ડ બે દસકામાં સૌથી વધુ છે.

સૌથી વધુ રાજીનામાં રિટેલ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન તેમજ પ્રોફેશનલ અને બિઝનેસ સર્વિસ સાથે સંકળાયેલાં ક્ષેત્રોમાં પડ્યાં છે. કેથલિન ગિબેન્સ ન્યૂયોર્કની ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. ગયા વર્ષે કોરોના મહામારીમાં તેમની કંપની બંધ થઈ ગઈ. એ વખતે તેમના મોટા ભાગના સાથીદારોની નોકરી જતી રહી, પરંતુ તે છટણીમાંથી બચી ગયા. જોકે, બાદમાં આ વર્ષે એપ્રિલમાં કેથલિને નોકરી છોડી દીધી.

આ મુદ્દે ભાસ્કરે નોકરી છોડનારામાંથી એક ડઝનથી વધુ લોકો સાથે તેમજ આ ટ્રેન્ડનું વિશ્લેષણ કરનારા અર્થશાસ્ત્રીઓ સાથે પણ વાત કરી. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે અર્થતંત્રે અમેરિકનોને જાણે ભઠ્ઠીમાં નાંખી દીધા છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અમેરિકન શ્રમિકો કહે છે કે કામના વધુ કલાકો, મોડી રાત સુધી કામ તેમજ રજાઓ નહીં મળવાથી તેઓ કંટાળી ગયા છે. મોટા ભાગના અમેરિકનો મહામારીના કારણે નોકરી છોડવા મજબૂર બન્યા છે.

હવે કામદારો સારા પગાર, સારું વાતાવરણ વગેરેની માંગ કરી છે. ક્લિન્ટન સરકારમાં લેબર સેક્રેટરી રહી ચૂકેલા રોબર્ટ રિચ કહે છે કે મહામારીના કારણે જીવનમાં આવેલી નીરસતા, ઓછા પગાર અને થકવી નાંખતુ કામ નોકરીઓ છોડવાનું મુખ્ય કારણ છે. છેલ્લા એક વર્ષમાં આવેલી હાડમારીઓ, બીમારી અને પરિવારજનોનાં મૃત્યુએ અનેક લોકોને હચમચાવી નાંખ્યા છે.

આ ઉપરાંત મહામારી પછી અંતરિયાળ વિસ્તારોમાંથી નોકરી કરવાની માગ પણ વધી છે. જોબ વેબસાઈટોના સરવેમાં માલુમ પડ્યું છે કે, નોકરી ચાલુ રાખવા માંગતા 50% લોકો ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ કરી રહ્યા છે. આ સંખ્યા ખૂબ મોટી કહેવાય કારણ કે, સામાન્ય રીતે અગાઉ 10% લોકો જ ઘરેથી કામ કરતા હતા. અત્યારે પણ ફક્ત 37% નોકરીઓ જ એવી છે, જ્યાં ઘરેથી કામ કરવું શક્ય છે. મોટા ભાગની નોકરીમાં વ્યક્તિગત રીતે, સ્થળ પર હાજર રહેવું જરૂરી હોય છે.

ગુજરાન ચલાવવામાં સરકારી સહાય મદદરૂપ
બાઈડેન સરકાર અમેરિકનોને મહામારીમાં નાણાકીય સહાય કરી રહી છે. તેના કારણે અમેરિકનોને તણાવયુક્ત નોકરી છોડવામાં મદદ મળે છે. 1.6 કરોડથી વધુ અમેરિકનોને આ યોજના હેઠળ બેકારી ભથ્થું મળે છે.

આશરે1.16 કરોડ લોકો અને તેમના પરિવાર કેર્સ અધિનિયમ દ્વારા બનાવેલા મહામારી યુગના સામાજિક સુરક્ષા કાર્યક્રમ પર નિર્ભર છે. સરકારે લાખો અમેરિકનોને મહામારી રાહત ચેક, વિદ્યાર્થી લોન માફી કે ભાડું ચૂકવવામાં સુવિધાના લાભ મળે છે. એટલે ઓછી આવક ધરાવતા લોકો પણ એવી નોકરી છોડી રહ્યા છે, જે તેમને પસંદ નથી.

અનેક કંપનીઓ દ્વારા બોનસ અને મોટા પગારની જાહેરાતો
હાલ દુનિયાભરની ઈન્ડસ્ટ્રીમાં વધુ ને વધુ વર્કફોર્સની જરૂર છે. એટલે કંપનીઓ પણ બોનસ, ઊંચા પગાર આપીને સારા કર્મચારીઓને આકર્ષવા પ્રયત્નશીલ છે. એમેઝોને પગારવધારાની જાહેરાત કરી દીધી છે. એમેઝોન સહિત કોસ્ટકો, સીવીએસ અને વાલગ્રીન્સ જેવી મોટી કંપનીઓમાં કર્મચારીઓને પ્રતિ કલાક 15 ડૉલર કે તેનાથી વધુ પગાર અપાય છે.

એટલું જ નહીં, એમેઝોન, વૉલમાર્ટ અને ટારગેટ જેવી મોટી કંપનીઓએ કર્મચારીઓને મફત કોલેજ ટ્યૂશન અને પાઠ્યપુસ્તકો આપવાની પણ જાહેરાત કરી છે. બેન્ક ઓફ અમેરિકાએ પણ લઘુતમ વેતન 25 ડૉલર કરવાની તૈયારી કરી છે. મેમાં પહેલીવાર બાર, રેસ્ટોરન્ટમાં કામ કરતા નોન-મેનેજમેન્ટ કર્મીઓનો પ્રતિ કલાક પગાર 15 ડૉલરને પાર થયો, જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...