કોરોનાના સુપર વેરિયન્ટનું જોખમ:ઓમિક્રોન અને ડેલ્ટા સાથે મળી બની શકે છે ખૂબ જ ખતરનાક સ્ટ્રેન, બ્રિટનના નિષ્ણાતોએ આપી ચેતવણી

લંડનએક મહિનો પહેલા
  • બ્રિટનમાં ત્રણ દિવસમાં કોરોનાના વિક્રમજનક કેસ સામે આવ્યા છે. શુક્રવારે એક દિવસમાં જ 93 હજારથી વધારે કેસ સામે આવેલા

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. દરમિયાન સુપર વેરિયન્ટનું જોખમ પણ સામે આવી રહ્યું છે. બ્રિટનના એક સ્વાસ્થ્ય નિષ્ણાતે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. મોડર્નાના ચીફ મેડિકલ ઓફિસર ડો.પોલ બર્ટનનું કહેવું છે કે જો ઓમિક્રોન અને ડેલ્ટા સ્ટ્રેન સાથે મળી કોઈને સંક્રમિત કરે છે તો કોરોનાનું તદ્દન નવું જ સુપર વેરિયન્ટનું સર્જન થઈ શકે છે. બ્રિટનમાં ડેલ્ટા અને ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી સુપર-વેરિયન્ટનું જોખમ ઘણું વધી ગયું છે.

પરસ્પર DNA બદલી શકે છે વાઈરસ
ડો.બર્ટને કહ્યું કે સામાન્ય રીતે માનવી કોરોનાના એક જ મ્યૂટેન્ટ સ્ટ્રેનથી સંક્રમિત થઈ શકે છે. કેટલાક ખાસ કેસોમાં બન્ને સ્ટ્રેન એક જ સમયે દર્દીને સંક્રમિત કરે છે. જો ડેલ્ટા અને ઓમિક્રોન બન્ને એક સેલને સંક્રમિત કરે છે તો તે પરસ્પર DNAની અદલા-બદલી શકે છે. આ બન્ને સાથે મળી કોરોનાનું એક નવું સુપર સ્ટ્રેન બની શકે છે. ડો. બર્ટને જણાવ્યું હતું કે બન્ને વેરિયન્ટ સાથે મળવાના સંજોગોમાં પણ વધારે ખતરનાક વેરિયન્ટ બની શકે છે. બે વાઈરસ પરસ્પર મળીને જીન શેર અને સ્વેપ કરી શકે છે.

અગાઉ પણ સામે આવેલા સ્ટ્રેન જોડવાને લગતો કેસ
ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના વાયરોલોજીસ્ટ પીટર વ્હાઈટે પણ આ મહિને એક સુપર સ્ટ્રેન ઉભરવાની ચેતવણી આપી હતી. બ્રિટનના સ્વાસ્થ્ય બાબતના નિષ્ણાતોએ જાન્યુઆરીમાં સ્પેનમાં કેટલાક એવા કેસ નોંધાયા હતા, જેમાં અલ્ફા સ્ટ્રેન અને B.1.177 સ્ટ્રેન પરસ્પર જોડીને એક થઈ ગયા હતા. જ્યારે કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ પણ ફેબ્રુઆરીમાં આ સ્થિતિ દર્શાવી છે. તેમણે એક એવા સ્ટ્રેનની ઓળખ કરી હતી, જેમાં કેન્ટ સ્ટ્રેન અને B.1.429 પરસ્પર મળી હતી.

બ્રિટનમાં 11,708 ઓમિક્રોન સંક્રમિત
બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના વિક્રમજનક કેસ સામે આવ્યા છે. શુક્રવારે એક દિવસમાં જ 93 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા. અહીં ઓમિક્રોનના 11,708 કેસની પુષ્ટી થઈ ચુકી છે. નવા મળી રહેલા કેસમાં પ્રત્યેક પામાંથી એક કેસ ઓમિક્રોન વેરિયન્ટનો છે.

91 દેશમાં ફેલાયો નવો વેરિયન્ટ
અત્યાર સુધીમાં 91 દેશમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટી થઈ ચુકી છે. 9,009 કેસ ડેનમાર્કમાં,1,792 કેસ નોર્વેમાં અને 1,247 કેસ દક્ષિણ આફ્રિકામાં મળી ચુક્યા છે. ભારતમાં પણ આ વેરિયન્ટના કેસ 100નો આંકડો પાર થઈ ચુક્યો છે. નીતિ આયોગે ચેતવણી આપી છે કે જો બ્રિટનની માફક ભારતમાં સંક્રમણ ફેલાય છે તો પ્રત્યેક દિવસે 14 લાખ કેસ સામે આવી શકે છે.