તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:બ્રિટનમાં ત્રીજી લહેર ત્રાટકી, ડેલ્ટા વેરિયન્ટે ચિંતા વધારી

લંડન / જાકાર્તા / બ્રાઝીલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનલૉક થયાના એક મહિના પછી બ્રિટનમાં કોરોનાના નવા કેસ 9 હજારને પાર થયા, 25 ફેબ્રુ. પછી એક દિવસમાં સર્વાધિક કેસ
  • 15 દિવસ પછી ફક્ત 11 દિવસમાં કેસ બમણા થયા
  • કોર્નવોલ : જી-7 સંમેલન બાદ 10% કેસ વધ્યા, હોટલ બંધ કરવી પડી

બ્રિટનમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરનું આગમન થઇ ગયું છે. બુધવારે અહીં 24 કલાકમાં કોરોનાના 9055 કેસ મળ્યા જે ગત 115 દિવસમાં સર્વાધિક છે. અગાઉ 25 ફેબ્રુઆરીએ 9985 કેસ મળ્યા હતા. બ્રિટનમાં આ કેસ ત્યારે વધ્યા છે જ્યારે દેશને અનલૉક થયાનો પૂરો એક મહિનો વીતી ગયો છે. અહીં 17 મેથી અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. એક મહિનમાં જેટલા કેસ મળ્યા છે તેમાંથી 90% ડેલ્ટા વેરિયન્ટના છે. બીજી બાજુ ઈંગ્લેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટ પર થયેલા રિસર્ચે ચિંતા વધારી છે. તે મુજબ આ વેરિયન્ટને કારણે બ્રિટનમાં ફક્ત 11 દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ચૂકી છે. ગુરુવારે આવેલો રિપોર્ટ ઈમ્પિરિયલ કોલેજ લંડને તૈયાર કર્યો છે. તે હેઠળ 20 મેથી 7 જૂન સુધી એક લાખ ઘરોનો સ્વાબ ટેસ્ટ લેવાયો હતો. તેમાં 0.15 ટકા લોકોમાં આ ઘાતક વાઇરસ જોવા મળ્યો હતો.

ઈંગ્લેન્ડના કોર્નવાલમાં ગત સપ્તાહે આયોજિત ત્રણ દિવસના જી-7 શિખર સંમેલન બાદ ત્યાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોર્નવાલમાં એક અઠવાડિયામાં 10 ટકા નવા કેસ મળ્યા છે. કોર્નવાલના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે કોરોનાના વધતા કેસને કારણે હોટલો બંધ કરવી પડી છે. જ્યારે જી-7 સમાપ્ત થયા બાદ કોર્નવાલમાં કેસ વધવાને કારણે ચિંતા વધી છે. કેમ કે સંમેલન દરમિયાન નેતાઓ અનેકવાર માસ્ક વગર દેખાયા હતા. સાથે જ તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નહોતું.

ઈન્ડોનેશિયા : ચીનની વેક્સિન લેનારા 300 ડૉક્ટર સંક્રમિત, 90% હોસ્પિ. ફૂલ
ઈન્ડોનેશિયામાં 300થી વધુ એવા ડૉક્ટર મહામારીની લપેટમાં આવી ગયા જેમણે કોરોના વેક્સિનના ડૉઝ લઈ લીધા હતા. તેમણે ચીનની વેક્સિન સિનોવેકનો ડૉઝ લીધો હતો. મોટા ભાગના ડૉક્ટરો લક્ષણ વગરના છે. અમુક ડૉક્ટર એવા પણ છે જેમનું ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછું છે. ઈન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિયન્ટને કારણે બુધવારે 4 મહિના પછી 10 હજારથી વધુ કેસ મળ્યા હતા. અહીં 90% હોસ્પિટલો ભરાઈ ગઈ છે.

બ્રાઝિલ : કોરોનાના 19 વેરિયન્ટ મળ્યાં, પી.1 સ્ટ્રેન 89 ટકા કેસ માટે જવાબદાર
બ્રાઝિલના વિજ્ઞાનીઓએ કહ્યું કે સાઓ પાઉલોમાં કોરોનાના 19 નવા વેરિયન્ટ્સની ઓળખ કરાઈ હતી. તેના લીધે બ્રાઝિલમાં મૃત્યુ વધવા લાગ્યાં છે. બ્રાઝિલના જૈવિક અનુસંધાન કેન્દ્ર, ઈન્સ્ટિટ્યૂટ બુટાંટન તરફથી આ માહિતી અપાઈ હતી. તેમાં જણાવાયું કે આ વેરિયન્ટ્સમાં પી.1(અમેઝન) સ્ટ્રેન 89.9% કેસ માટે જવાબદાર છે. તેના બાદ યુકે વેરિયન્ટ આવે છે જે 4.2% કોરોનાના કેસ માટે જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...