ઈરાનની રાજધાની તેહરાનમાં અઝરબૈજાનના દૂતાવાસ પર કલાશ્નિકોવ-શૈલી (AK-47) રાઇફલ ધરાવતા એક વ્યક્તિએ શુક્રવારે હુમલો કર્યો. જેમાં રાજદ્વારી ચોકીના સુરક્ષા વડાનું મૃત્યુ થયું અને બે ગાર્ડને ઈજા પહોંચી. અઝરબૈજાનના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે, હાલમાં કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી અને તેની પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. જોકે ઘટનાસ્થળના એક કથિત વિડિયોમાં દૂતાવાસની અંદર મેટલ ડિટેક્ટર પાસે એક લાશ પડેલી જોવા મળે છે.
અઝરબૈજાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, "હાલમાં હુમલાની તપાસ કરવામાં આવી રહી છે." નિવેદન અનુસાર, હુમલાખોરે ગોળીબાર કર્યો અને એક સુરક્ષા ચોકીને પણ નષ્ટ કરી દીધી. અઝરબૈજાનની ઉત્તર-પશ્ચિમ સરહદ ઈરાન સાથે જોડાયેલી છે.
નાગોર્નો-કારાબાખ ક્ષેત્રને લઈને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંઘર્ષથી બંને દેશો (ઈરાન અને અઝરબૈજાન) વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે. ઈરાને ઈસ્લામિક પ્રજાસત્તાકને હચમચાવી દેનારા દેશવ્યાપી વિરોધ વચ્ચે ઓક્ટોબરમાં અઝરબૈજાન સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી હતી. તદુપરાંત, અઝરબૈજાન ઇઝરાયેલ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. જેને તેહરાન આ ક્ષેત્રમાં તેના મુખ્ય દુશ્મનોમાંના એક તરીકે જુએ છે.
આ ઘટનાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે. આમાં જોવા મળે છે કે અચાનક ગોળીનો અવાજ સંભળાતા જ નાસભાગ મચી ગઈ છે. એક વ્યક્તિ હથિયાર સાથે ઘૂસ્યો અને સતત ફાયરિંગ કરતો રહ્યો. વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિને ગોળી વાગે છે. તેમછતાં દૂતાવાસમાં હાજર એક વ્યક્તિ હિંમત કરીને હુમલાખોરને પાછળથી પકડી લે છે. આ દરમિયાન પણ તે સતત ગોળીબાર કરતો રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.