મંગળવારે રાત્રે એક રશિયન ફાઈટર પ્લેને અમેરિકાના હાઇ-ટેક રીપર ડ્રોનને તોડી પાડ્યું. અમેરિકી સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, બંને દેશોએ આ અંગે વધુ માહિતી આપી નથી. અમેરિકન સેનાએ કહ્યું- આ વિસ્તારમાં બે રશિયન ફાઈટર જેટ હાજર હતા. આમાંથી એકની પાંખ ડ્રોન સાથે અથડાઈ હતી. આ વિસ્તાર યુક્રેન સરહદની ખૂબ નજીક આવેલો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બાદ બંને દેશોની સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. CNNના અહેવાલ મુજબ ઘટનાથી પરિચિત એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક રશિયન ફાઇટર જેટે યુએસ એરફોર્સના MQ-9 રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યા બાદ મંગળવારે બ્લેક સી પર ડ્રોનને તોડી પાડ્યું હતું.
કેવી રીતે થઈ અથડામણ?
અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકન રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 બ્લેક સીની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે એક જેટ ઇરાદાપૂર્વક ડ્રોનની સામે આવ્યું અને તેલ છાંટવાનું શરૂ કર્યું. અધિકારીએ કહ્યું કે આ પછી એક જેટે રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું, જે ડ્રોનની પાછળ જોડાયેલ હતું. પ્રોપેલરને નુકસાન થતાં જ યુએસ આર્મીને રીપરને નીચે લાવવાની ફરજ પડી હતી. જણાવી દઈએ કે બ્લેક સીની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં પણ તણાવ છે. યુદ્ધ દરમિયાન સામાન્ય રીતે રશિયન અને અમેરિકન એરક્રાફ્ટ અહીં ચક્કર લગાવતા જોવા મળે છે, પરંતુ આવો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને જાણકારી અપાઈ
આ ઘટના પર યુએસ એરફોર્સે એક નિવેદન બહાર પાડીને રશિયન એરક્રાફ્ટ પર બેદરકારી અને અવ્યાવસાયિક રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંચાર સંયોજક જોન કિર્બીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડનને મંગળવારે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન દ્વારા આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.
અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધશે
પશ્ચિમી સંરક્ષણ નિષ્ણાતોએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે શું આ ઘટના રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રની નજીક નાટોની સૈન્ય પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે બની છે. કારણ ગમે તે હોય, પરંતુ આ ઘટના અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધારશે તેવું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તેની અસર બંને દેશોના સંબંધોમાં પણ જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.