બાંગ્લાદેશમાં 2024માં થનારી ચૂંટણીને લઈ રાજકીય અખાડો તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં હિન્દુઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ખાલિદા જિયાનું નેતૃત્વ ધરાવતી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ રેલીમાં લાખો લોકોની ભીડ એકઠી કરીને પ્રધાનમંત્રી શેખ હસીનાની સત્તાને સીધો પડકાર આપી 16 જાન્યુઆરીથી આંદોલનની ચીમકી આપી છે. ઉપરાંત તે કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામીને સાથે લઈને હિન્દુઓ વિરુદ્ધ નફરતની ભાવના ભડકાવી રહી છે.
બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી બીએનપીની સહયોગી પાર્ટી જમાત-એ-ઈસ્લામી છે. દરેક રેલીમાં બીએનપીના નરુલ હક નૂર પીએમ શેખ હસીના પર નિશાન સાધતા હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવે છે અને ભડકાઉ વાતો કરી રહ્યાં છે. બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના સંયુક્ત સંયોજક અને નુરુલ હક નૂરના સહયોગી તારિક રહેમાને તો હિન્દુ ધાર્મિક ગ્રંથોને અશ્લીલતા સાથે જોડી દીધા. નૂરે કહ્યું કે અમને હિન્દુઓ પ્રત્યે ખૂબ નફરત છે.
કટ્ટરપંથીઓની જમાત પહેલાં પણ ચટગામ અને નરૈલ સહપારામાં દુર્ગાપૂજા ઉત્સવ દરમિયાન દંગા કરાવી ચૂકી છે. જેમાં ઘણા આરોપીઓ વિરુદ્ધ કેસો તો નોંધાયા પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. બાંગ્લાદેશના માનવાધિકાર આયોગને હજુ સુધી આ કેસોના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી.
ખાલિદા હિંસાથી સરકાર પાડવા માંગે છેઃ હસીના
અહીં, પીએમ શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં ત્રણ વાર પીએમ રહી ચૂકેલાં ખાલિદા જિયા કટ્ટરપંથીઓને સાથે લઈને હિંસા કરાવવા માંગે છે. તે સરકાર પાડવાની કોશિશમાં છે. હસીનાએ કહ્યું કે તેમની સરકાર હિન્દુ લઘુમતીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પાછલા વર્ષે દુર્ગાપૂજામાં શાંતિપૂર્ણ સમારોહનું આયોજન તેનું પ્રમાણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.