ઝામ્બિયા-ઝિમ્બાબ્વે બોર્ડર પર સ્થિત 350 ફૂટ ઊંચા વિક્ટોરિયા ફોલ્સના ઢોળાવ પર રહેલી એક યુવતીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઝડપથી નીચે પડતા પાણીનું મંત્રમુગ્ધ, પરંતુ ભયાનક દૃશ્ય જોવા મળી રહ્યું છે. ઝરણાના ઢોળાવ પર એક યુવતી પણ દેખાઈ રહી છે. આ વીડિયોને અત્યારસુધીમાં બે કરોડથી વધુ લોકોએ જોયો છે. યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે વીડિયો જોઈને તેઓ ડરી ગયા.
પગ પકડીને વહેતા બચાવે છે લોકલ ગાઈડ
ધોધના ઢોળાવ પહેલાં એક ઓછી ઊંડાઈવાળું પ્રાકૃતિક તળાવ બનાવવામાં આવ્યું છે, જેને 'ડેવિલ્સ પૂલ' એટલે કે રાક્ષસી તળાવ કહેવાય છે. લોકો આ જગ્યાએ એડવેન્ચર ટૂરિઝમ કરવા આવે છે. તેઓ તળાવમાં ડૂબકી મારી ધોધના ઢોળાવ સુધી જાય છે અને વહેતા પાણીમાં સૂઈ જાય છે. આ દરમિયાન લોકલ ગાઈડ તેમના પગ પકડીને રાખે છે, જેથી લોકો પાણીના વહેણ સાથે નીચે ન પડી જાય.
લોકો કમરના ઉપરના ભાગ સુધીનો જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં નાખે છે, જેથી લોકોને લાગે કે તેઓ કોઈપણ જાતના સપોર્ટ વગર વહેણમાં સૂતા છે. જે યુવતીનો વીડિયો વાઇરલ થયો છે તેણે પણ કંઈક આવું જ કર્યું છે. આ ધોધના ઢોળાવ સુધી જવાની પરવાનગી જૂનથી ડિસેમ્બર વચ્ચે જ મળે છે, જ્યારે નદીનો પ્રવાહ ધીમો અને નબળો હોય છે.
વિક્ટોરિયા ધોધ પરથી પડીને ઘણા લોકોનાં મોત થયાં છે
વિક્ટોરિયા ધોધ પરથી પડીને ઘણા લોકોનાં મોત પણ થયાં છે. 2021માં નવા વર્ષ નિમિત્તે, ઝિમ્બાબ્વેના તિનાશે દેકન્યા વિક્ટોરિયા ધોધની મુલાકાત લેવા ગયા હતા. ફોટોશૂટ માટે વોટરફોલના કિનારે ઊભા હતા, ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડી ગયા. પોલીસ, એરફોર્સ અને ડાઇવર્સ દ્વારા સખત મહેનત કર્યા બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
2019માં, ઝામ્બેઝી નદીમાં ડૂબી જવાને કારણે એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું. 2009માં એક પ્રવાસીને બચાવવા જતાં એક ગાઈડ નીચે પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.