અમેરિકામાં હત્યા કરવાના પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યૂઝના શંકાસ્પદ કેસમાં ભારતીય મૂળના એક 41 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ખરેખર ડોક્ટર પર આરોપ છે કે તેણે જાણીજોઈને પોતાની પત્ની અને બે બાળકને ટેસ્લા કાર સાથે ઊંડી ખીણમાં ધકેલી દીધા છે. અમેરિકાની હાઈવે પેટ્રોલ પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી ડો.ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી રજા મળતાંની સાથે જ સેન મેટો કાઉન્ટી જેલમાં ધકેલવામાં આવશે.
ચમત્કારિક બચાવ થયો
કેલિફોર્નિયાની હાઇવે પેટ્રોલ પોલીસે કહ્યું હતું કે ડો.ધર્મેશ પટેલ, તેમની પત્ની અને બાળકો આ દુર્ઘટનામાં બચી ગયાં છે. તેમને રેસ્ક્યૂ કર્યા બાદ સોમવારે સેન મેટો કાઉન્ટી ખાતે ડેવિલ્સ સ્લાઈડ પહાડ પરથી બચાવી લેવામાં આવ્યાં હતાં. ફાયર ફાઈટર દ્વારા આ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દુર્ઘટનામાં કારમાંથી ચાર વર્ષનો છોકરો અને નવ વર્ષની છોકરીનો બચાવ થયો હતો. એનબીસી ન્યૂઝ મુજબ, હેલિકોપ્ટરની મદદથી કારમાં ફસાયેલા બંને વયસ્ક, એટલે કે ધર્મેશ અને તેની પત્નીને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
કારનો કચ્ચરઘાણ વળી ગયો
અમેરિકામાં 41 વર્ષીય ભારતીય મૂળના ડો.ધર્મેશ પટેલની હત્યાના પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યૂઝના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેણે જાણીજોઈને તેની ટેસ્લા કારને એક ટેકરી પરથી નીચે ખીણમાં ધકેલી હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પટેલ પોતે, તેની પત્ની અને બે બાળક કારમાં જ હતાં. ઊંડી ખીણમાં પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં.
કાર 250થી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
આ તરફ ન્યૂયોર્ક ટાઈમ્સે રેસ્ક્યૂ-ઓપરેશનને ચમત્કારી હોવાનું જણાવ્યું છે. હાઈવે પેટ્રોલ પોલીસ મુજબ, ટેસ્કા કાર 250થી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓના આધાર પર તપાસમાં આ જાણીજોઈને કર્યું હોવાનું માનવામાં આવે છે.
કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના કમાન્ડર બ્રાયન પોટેંગરે જણાવ્યું હતું કે અકસ્માત બાદ હાજર લોકોએ 911 પર ફોન કરીને જાણ કરી હતી. ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે આટલી વધુ ઝડપે અને આટલી ઊંડી ખીણમાં પડ્યા પછી દરેકનું બચવું કોઈ ચમત્કારથી ઓછું નથી. ત્યાંના લોકોએ કહ્યું હતું કે બાળકો કારની સીટો વચ્ચે બચી ગયાં હતાં.
ડો. ધર્મેશ પટેલ સામે ચાલશે કેસ હાઈવે પેટ્રોલના ગોલ્ડન ગેટ ડિવિઝનના એક પ્રવક્તા, અધિકારી એન્ડ્રયુ બાર્કલેએ કહ્યું હતું કે અધિકારીઓએ પટેલ પર હત્યાના પ્રયાસના ત્રણ કેસ અને ચાઈલ્ડ એબ્યૂઝના શંકાસ્પદ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.