તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 ફુટની ઊંચાઈ પર દર્દનાક દુર્ઘટના:ન્યૂ મેક્સિકોમાં વીજળીના તાર સાથે અથડાઈને હોટ એર બલૂન ભડકે બળ્યું, 2 મહિલા સહિત 5નાં મોત

3 મહિનો પહેલા
ફાઇલ ફોટો
  • પોલીસ અધિકારીઓની ટીમ દુર્ઘટના પાછળના કારણોની તપાસ અર્થે કાર્યરત

અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના પ્રકાશમાં આવી છે. શનિવારે સવારે હોટ એર બલૂન વીજળીની લાઇન સાથે અથડાઇ જતા વિસ્ફોટ સાથે જમીન પર પટકાયું હતું. આ દુર્ઘટનામાં બલૂનમાં સવાર 5 લોકોના મોત નીપજ્યાં છે. અધિકારીઓ અને મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પાયલોટ સહિત 3 પુરૂષો અને 2 મહિલાઓના મોત નીપજ્યાં છે. પોલીસ પ્રવક્તા ગિલ્બર્ટ ગૈલીગોસે કહ્યું હતું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખાણ થઈ શકી નથી, આ અંગે તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના અલ્બુકર્કના પશ્ચિમ વિસ્તારમાં સવારે 7 વાગ્યાની આસપાસ ઘટી હતી.

રસ્તા પર બલૂન પટાકાયું, સ્થાનિકોમાં ખળભળાટ
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ હોટ એર બલૂન વિજળીના તાર સાથે અથડાયું ત્યારે 1 તાર તૂટી ગયો હતો. જેના પરિણામે આશરે 13 હજારથી વધુ ઘરોમાં વીજળીનો પ્રવાહ જતો અટકી ગયો હતો. ફેડરલ એવિએશન પ્રશાસને કહ્યું કે બલૂન 100 ફૂટની ઉંચાઈથી રસ્તા વચ્ચે પડ્યું અને તેમા આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ દુર્ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી.

ફાયર વિભાગની ટીમ પણ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સૂધી 4 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 1 ગંભીર વ્યક્તિએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો

વાવાઝોડા જેવો પવન ફુંકાયો હોવાથી બલૂન બેકાબૂ થયું
અધિકારીઓને હજુ સુધી આ દુર્ઘટનાનું કારણ મળી શક્યું નથી. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડના સભ્ય પીટર નુડસને કહ્યું કે બે તપાસ કર્મીઓને અમે ઘટનાસ્થળ પર મોકલ્યા છે. જેઓ બલૂન અને ઓપરેટિંગ અંગેના સવાલોના જવાબ મેળવી રહ્યા છે. આ રિપોર્ટને આવતા એક કે તેથી વધુ સપ્તાહનો સમય લાગી શકે છે, ત્યારપછી જ યોગ્ય તારણો બહાર આવી શકે છે. પોલીસ અધિકારી ગૈલેગોસે કહ્યું કે વાવાઝોડા જેવો પવન ફુંકાઈ રહ્યો હોય ત્યારે હોટ એર બલૂન પર કાબૂ મેળવવો ઘણો મુશ્કેલ છે.

દુનિયામાં અલ્બુકર્કને હોટ એર બલૂનનું સૌથી મોટુ કેન્દ્ર માનવામાં આવે છે. (ફાઇલ ફોટો)
દુનિયામાં અલ્બુકર્કને હોટ એર બલૂનનું સૌથી મોટુ કેન્દ્ર માનવામાં આવે છે. (ફાઇલ ફોટો)

અમેરિકામાં હોટ એર બલૂનની ઘણી દુર્ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે
દુનિયામાં અલ્બુકર્કને હોટ એર બલૂનનું સૌથી મોટુ કેન્દ્ર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષે અહીં ઓક્ટોબર મહિનામાં 9 દિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં દુનિયાભરથી હજારો દર્શકો અને પાયલોટ ભાગ લેવા આવે છે. અલ્બુકર્ક-ક્ષેત્રના નિવાસી લોકોને પણ આ કાર્યક્રમના પગલે રોજગારી મળે છે. જોકે, અહીં બલૂન દુર્ઘટનાનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, ક્યારેક ક્યારેક આવી ઘટના સામે આવતી રહે છે. આની પહેલા 2008થી અમેરિકામાં હોટ એર બલૂનની દુર્ઘટનાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...