ઈરાનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઈજીહમાં 16 નવેમ્બરે બાઈકસવાર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. હુમલામાં 5 લોકોનાં મોત થયાં હતાં. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં એક પોલીસકર્મી સહિત 10 લોકો ઘાયલ થયા હતા. શહેરના ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર વલ્લીઉલ્લાબ હયાતીએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક બાળકી અને મહિલા સામેલ છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી. કહેવાય છે કે આ હુમલો બે મહિનાથી ચાલી રહેલા હિજાબવિરોધી પ્રદર્શન સંબંધિત છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલા પછી વિસ્તારમાં લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં. લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘણા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે ટોળાં પર કાબૂ મેળવવા ટિયરગેસના શેલ છોડ્યા હતા.
શિયા મસ્જિદ પર ગોળીબાર
મીડિયા રિપોર્ટ અનુસાર, લોકોએ શિયા સમુદાયની એક સ્કૂલમાં આગ લગાવી દીધી હતી. ઈરાનમાં આવા હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. 26 ઓક્ટોબરે ઈરાનના શિરાઝમાં એક ધાર્મિક સ્થળ પર ગોળીબાર થયો હતો. આ હુમલામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે બની હતી. અહીં ત્રણ હથિયારધારી શખસે ગોળીબાર કર્યો હતો.
2 મહિનાથી હિજાબવિરોધી પ્રદર્શન ચાલુ
ઈરાનમાં 22 વર્ષીય યુવતી મહસા અમિનીના મોત પછી પ્રદર્શન થઈ રહ્યાં છે. મહસાને પોલીસે 13 સપ્ટેમ્બરે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. 16 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં તેનું મોત નીપજ્યું હતું. એ પછી લોકો રસ્તાઓ પર દેખાવ કરવા ઊતર્યા હતા અને ફરજિયાત હિજાબ પહેરવાનો વિરોધ કરવા લાગ્યા હતા. એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે વિરોધપ્રદર્શનમાં અત્યારસુધી 344નાં મોત થયાં છે. આમાંથી મોટા ભાગના યુવાનો છે. લગભગ 15,820 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.