તીખાં તમતમતાં મોમોઝ ખાવાનો શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો ચીનથી આવ્યો છે. ત્યાં વાંગ નામના 63 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિએ તીખાં મોમોઝ ખાધા પછી એમનું આંતરડું ધડાકાભેર ફાટી ગયું . તાબડતોબ એને હોસ્પિટલે લઈ જવો પડ્યો અને ત્યાં તેની ઈમર્જન્સી સર્જરી કરવી પડી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે અતિશય તીખા મોમોએ જે ગેસ પેદા કર્યો તેને કારણે ખોરાક આંતરડામાં ફસાઈ ગયો અને પ્રેશર વધી જવાથી બ્લાસ્ટ થયો. આ કિસ્સો ચીનના જિયાંગ્સૂ પ્રાંતમાં બન્યો હતો.
1 વર્ષથી આંતરડાંની તકલીફો હતી
વાંગના કહેવા પ્રમાણે સાંજે છ વાગ્યે મોમોઝ ખાધાં પછી એને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. સાથોસાથ એને પરસેવો પણ વળવા માંડ્યો હતો. એ પછી તરત જ એને પેટમાં બ્લાસ્ટ થયો હોય એવું મહેસૂસ થયું. પારાવાર વેદનાથી કણસતા વાંગને લઈને પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા, જ્યાં ડૉક્ટરોએ એની ઈમર્જન્સી સર્જરી કરવી પડી. વાંગ પાછલા એક વર્ષથી આંતરડાંની સમસ્યાઓથી પરેશાન હતા. એનાં આંતરડાંનાં ફંક્શનિંગમાં પણ પ્રોબ્લેમ આવતા હતા. વાંગના કહેવા પ્રમાણે એનાં આંતરડાંમાં એક્ઝેક્ટ્લી શું પ્રોબ્લેમ છે એ હજી સુધી ખબર પડી શકી નથી.
પેટમાંથી ત્રણ લિટર પાણી અને મળ નીકળ્યું
ડૉક્ટર્સના કહેવા પ્રમાણે મેડિકલ ચેકઅપમાં વાંગના પેટમાં મોટા પ્રમાણમાં મળ જમા થયેલું જોવા મળ્યું. એનો ઈલાજ કરનારા ડૉક્ટર સૂં જિઆનના કહેવા પ્રમાણે વાંગના પેટમાંથી ત્રણ લિટર પાણી અને મળ નીકળ્યાં હતાં. એ પછી 25 હજાર મિલિલિટર પાણીથી તેનાં આંતરડાં અને પેટનો ભાગ સાફ કરવો પડ્યો.
આંતરડાંમાં દોઢ ઈંચનું કાણું પડી ગયું
ડૉક્ટર્સના કહેવા પ્રમાણે ઈમર્જન્સી સર્જરી વખતે ખબર પડી કે વાંગના આંતરડામાં દોઢ ઈંચ લાંબું કાણું પડી ગયેલું. સર્જરી પછી હવે વાંગની તબિયત સુધારા પર છે. જોકે વાંગના પેટમાંથી મોમોઝ બહાર આવી ગયા છે, પરંતુ ખુદ હજી આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. હા, સોશિયલ મીડિયામાં લોકો જલસાથી આ સ્ટોરી શૅર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.