અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી અફરાતફરીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે, જેમાં અફઘાની લોકો કાબુલ એરપોર્ટ પર ભાગતા જોવા મળી રહ્યાં છે. તાલિબાનના ડરથી આ લોકો કોઈ પણ રીતે પોતાના દેશમાથી નીકળવાની કોશિશ કરી રહ્યાં હતા. આવો જ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં અમેરિકાના મિલિટ્રી પ્લેનમાંથી એક વ્યક્તિ નીચે પાડતો જોઈ શકાય છે. આ વિમાનમાંથી પડનાર વ્યક્તિ 17 વર્ષનો એક છોકરો હતો.
તાલિબાનથી ગભરાઈને લક અજમાવવા પહોંચ્યા એરપોર્ટ
આ છોકરાનું નામ ઝાકી અનવારી છે.ઝાકી તેના 16 વર્ષના ભાઈ સાથે કાબુલ એરપોર્ટ પર ભાગી ગયો હતો. અમેરિકાના મિલિટ્રી પ્લેનમાંથી પડનાર ઝાકી અનવારીનું શબ પરિવારને મળી ચૂક્યું છે. જોકે તેમને હજી સુધી તેના ભાઈને લઈને કોઈ માહિતી મળી નથી. બંને છોકરાઓને એવી માહિતી મળી હતી કે અફઘાનિસ્તાનમાંથી 20 હજાર લોકોને કેનેડા કે અમેરિકા લઈ જવામાં આવી શકે છે. તાલિબાનના રાજથી ગભરાઈને આ બંને ભાઈ પોતાનું લક અજમાવવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વાઈસ ન્યુઝ સાથેની વાતચીતમાં ઝાકીના પરિવારના એક સભ્યએ કહ્યું કે તે કોઈને પણ કહ્યાં વગર ભાગી ગયા હતા.
અમેરિકાના પ્લેનમાંથી પડી જવાની ત્રણના મૃત્યુ થયા
તેમણે આગળ કહ્યું કે બંને પોતાનું પર્સનલ આઈડી ઘરમાંથી લઈ એરપોર્ટ જવા રવાના થયા હતા. તે તાલિબાનના રાજમાં રહેવા માંગતા ન હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકાનું મિલિટ્રી પ્લેન C-17 એરક્રાફટ, જ્યારે કાબુલ એરપોર્ટ પરથી નીકળી રહ્યું હતું તો તેમાં જબરજસ્ત ભીડ જોવા મળી હતી. રિપોર્ટ મુજબ આ પ્લેનમાંથી પડીને ત્રણ લોકોના મૃત્યુ થયું છે.
યુવા પેઢીને આઝાદી છીનવાઈ જવાની વાત પસંદ નથી
ઝાકી અનવારીના છ ભાઈ-બહેન છે, આ બંને તેમાં સૌથી મોટા હતા. અફઘાનિસ્તાનના યુવાઓએ ભલે 1996થી 2001ની વચ્ચે તાલિબાનનું રાજ ન જોયું હોય પરંતુ તેમને આ કટ્ટરપંથી સંગઠનના કારનામાની માહિતી પોતાના પરિવાર પાસેથી મળતી રહી છે અને અફઘાનની યુવા પેઢી આ આઝાદી છીનવાઈ જાય તેવું ઈચ્છતી નહોતી.
તાલિબાનના રાજમાં સુરક્ષા, રોજગારી મોટો સવાલ
ઝાકી પરિવારના એક સભ્યએ કહ્યું કે તેમને કપડા પહેરવાનો, બોક્સિંગ કરવાનો અને સોશિયલ મીડિયા યુઝ કરવાનો શોખ હતો. બાકી લોકોની જેમ જ તે પણ ડરેલા હતા. દરેક ભાગવાની કોશિશ કરી રહ્યાં છે. બધા લોકો એરપોર્ટ તરફ ભાગ્યા હતા કારણ કે બધા સુરક્ષા, રોજગારી અને આઝાદી જેવા મુદ્દાઓની લઈને ચિંતિત છે. આ તાલિબાનનો ડર છે.
મહિલાઓને પણ તાલિબાનનું શાસન પસંદ નથી
યુવાઓની સાથે જ મહિલાઓ પણ તાલિબાન રાજથી ત્રાસેલી છે. વર્ષ 1996માં જ્યારે તાલિબાનનું રાજ અફઘાનિસ્તાન પર હતું, તે દરમિયાન મહિલાઓને લઈને ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. મહિલાઓ ઘરમાંથી બહાર એકલી નીકળી શકતી નહોતી. આ સિવાય તે ભણવા કે નોકરી કરવા જઈ શકતી નહોતી. તાલિબાની ક્રૂરતાની ઘણી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.