કૉસ્મેટીક્સ ક્ષેત્રની જાણિતી અમેરિકાની રેવલૉન ઈન્ક (Revlon Inc)એ નાદારી (Bankruptcy)માટે અરજી કરી છે. 90 વર્ષ જૂની આ અગ્રણી કંપની હવે તેના દેવાની પરત ચુકવણી કરવા માટે સક્ષમ રહી નથી. મોંઘવારી તથા સપ્લાઈ ચેઈનને લઈ સર્જાયેલી વિકટ પરિસ્થિતિએ કંપનીને નાદારી તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કોવિડ-19ને લીધે સમગ્ર વિશ્વમાં જે ભારે અસ્થિરતાનો માહોલ છે તેમાંથી હોટેલ, ટુરિઝમ, એવિએશન ઉપરાંત ફેશન અને કૉસ્મેટીક ઉદ્યોગ પણ મંદીમાં આવી ગયો હતો. તેની રેવલૉન પર વ્યાપક અસર થઈ હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે માર્ચ મહિનાના અંત ભાગ સુધીમાં કંપની ઉપર 3.31 અબજ ડોલરનું જંગી દેવું હતું. તાજેતરમાં મેકઅપ પ્રોડક્ટ્સની માગમાં તેજી આવી કારણ કે લોકડાઉનના નિયંત્રણો હળવા થયા હતા, પણ સ્પર્ધક કંપનીઓ તરફથી રેવલૉનને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે.
પોતાના કારોબારને બચાવવા માટે કંપની ધિરાણકર્તાઓ સાથે વાતચીત કરી હતી, પણ માર્ચ મહિનામાં કંપનીએ કહ્યું હતું કે તેને સપ્લાઈ ચેઈનને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂયોર્કની આ કંપનીનો માલિકી હક અબજપતિ કારોબારી રોન પેરેલમેનની કંપની મેકએન્ડ્ર્યુઝ એન્ડ ફોર્બ્સ પાસે છે.
90 વર્ષ જૂની કંપની છે
કંપનીનો ઈતિહાસ ઘણો જૂનો છે. પ્રારંભિક દિવસોમાં કંપની નેલ પોલિશનો કારોબાર કરતી હતી. જોકે વર્ષ 1955માં કંપની લિપસ્ટીકના કારોબારમાં આવવાનો નિર્ણય લીધો હતો. વર્તમાન સમયમાં રેવલૉન 15થી વધારે બ્રાન્ડ ધરાવે છે, જેમાં એલિઝાબેથ એન્ડર અને એલિઝાબેથ ટેલરનો સમાવેશ થાય છે. વિશ્વના આશરે 150 દેશોમાં તે પોતાનું બજાર ધરાવે છે.
કંપનીની શરૂઆત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 1લી માર્ચ 1932માં મહામંદી બાદ શરૂઆત થઈ હતી. તેને ચાર્લ્સ રેવસન તથા જોસેફ રેવસન નામના બે ભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સાથે એક કેમિસ્ટ ચેરિસ લેચમેન પણ હતા. જેમના નામના 'L'ને બ્રાન્ડમાં સામેલ કર્યો હતો. માટે કંપનીના નામ રેવસન (Revson)ને બદલે રેવલૉન (Revlon)રાખવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.