ચીન:નૂડલ્સ ખાધા પછી એક જ પરિવારનાં 9 લોકોનાં મોત, કોર્ન ફ્લોર વાસી થવાથી એનું ઝેર ઘાતક નીવડ્યું, ફાસ્ટ ફૂડ શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો

શંઘાઈ2 વર્ષ પહેલા
  • બે જ દિવસમાં નૂડલ્સ ખાનારા તમામ 9 લોકોનાં મૃત્યુ નીપજ્યાં
  • તબીબોના મતે આથામાં બોન્ગ્ક્રેકિક એસિડનું પ્રમાણ ન જળવાય તો જલદ ઝેર બની જાય છે

ચીનના હેઈલોન્ગજિયાંગ પ્રાંતના જીક્સી શહેરમાં વાસી નૂડલ્સ ખાવાથી એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થવાથી ભારે ચકચાર મચી છે. ઘરે જ બનાવેલી અને ફ્રિઝરમાં સાચવી રાખેલી મકાઈની નૂડલ્સ બાફીને ખાવાના કારણે 7 પુખ્ત અને 2 બાળકો સહિત એક જ પરિવારના 9 લોકો મોતને ભેટ્યા છે. મકાઈ વાસી થઈ જવાથી તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી એસિડ ઘાતક બન્યો હોવાનું કારણ તબીબી તપાસમાં સામે આવ્યું છે.

બ્રેકફાસ્ટમાં મોત મળ્યું
12 વ્યક્તિના પરિવાર પૈકી કુલ 9 લોકોએ સવારના નાસ્તામાં ઘરે બનાવેલી મકાઈની નૂડલ્સ આરોગી હતી. બાકીના 3 કિશોરોએ મકાઈની નૂડલ્સ ભાવતી ન હોવાથી તે ખાવાનું ટાળ્યું હતું. નાસ્તો કર્યા પછી બપોરથી જ દરેકને તીવ્ર ડિહાઈડ્રેશનની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં સઘન સારવાર છતાં બે દિવસના અંતરે નાસ્તો કરનાર દરેક 9 લોકોએ એક પછી એક દમ તોડ્યો હતો.

નૂડલ્સ કેવી રીતે ઝેરી બની?

  • શુઆનટાંગ્ઝી તરીકે ઓળખાતી મકાઈની નૂડલ્સ એ ઉત્તર-પૂર્વ પ્રાંતનો પરંપરાગત નાસ્તો મનાય છે.
  • આપણે ત્યાં જેમ ચોખાના પાપડ વ. ચીજો બારમાસી બનાવીને રાખી મૂકવામાં આવે છે એમ ઉત્તર-પૂર્વ ચીનના પરિવારો વર્ષભરની મકાઈ નૂડલ્સમાં આથો લાવીને ભરી રાખે છે તેમજ જરૂરિયાત મુજબ પાણીમાં પલાળીને, બાફીને તેનાં પર મસાલો છાંટીને નાસ્તા તરીકે ખાવા ટેવાયેલા છે.
  • મકાઈના આથામાં બોન્ગ્ક્રેકિક નામના એસિડનું પ્રમાણ વધી જવાથી તે શ્વસનતંત્ર માટે અત્યંત ઘાતક ઝેર બની જાય છે. નૂડલ્સમાંથી તેમજ ખાનારા લોકોની હોજરીમાંથી પણ બોન્ગ્ક્રેકિક એસિડ માટે કારણભૂત બેક્ટેરિયાનું ભારે ઊંચું પ્રમાણ મળ્યું હતું.
  • બોન્ગ્ક્રેકિક એસિડની પાણીના 100મા ભાગ જેટલી હાજરી વાનગીમાં ખટાશ ઉમેરવા માટે પૂરતી હોય છે પરંતુ એથી વધુ પ્રમાણ હોય તો એ ઘાતક નીવડે છે. જ્યારે કે મૃતકોએ ખાધેલ નૂડલ્સમાં બોન્ગ્ક્રેકિક એસિડનું પ્રમાણ પાણીના 18મા ભાગ જેટલું હતું. આથી તે જલદ ઝેર જ બને.
  • તબીબોના મતે બોન્ગ્ક્રેકિક એસિડનું આટલું ઊંચું પ્રમાણ હોય ત્યારે અડધાથી વધુ કિસ્સામાં મૃત્યુ નિશ્ચિત બની જાય છે.
અન્ય સમાચારો પણ છે...