તૂર્કીના ઈસ્તંબુલમાં આવેલી હગિયા સોફિયા મસ્જિદમાં 87 વર્ષ પછી પહેલીવાર ઈદ પર નમાજ પઢવામાં આવી. ગુરુવારે આશરે 5000 લોકો મસ્જિદમાં પહોંચ્યા હતા અને એકસાથે ઈબાદત કરી હતી. આ દરમિયાન લોકોએ કોરોનાના નિયમોનું પાલન પણ કર્યું હતું. રિપોર્ટ મુજબ 1500 વર્ષ જૂની આ ઈમારત યુનેસ્કોની વૈશ્વિક ધરોહરોમાં સામેલ છે. આ ઈમારત સદીઓ સુધી વિવાદિત રહી છે. સૌથી પહેલાં આ ઈમારત 900 વર્ષ સુધી ચર્ચ રહી. પછી તેને મસ્જિદમાં ફેરવી દેવાયા બાદ આશરે 500 વર્ષ સુધી તે મસ્જિદ રહી. પછી 1934માં તેને મ્યુઝિમયમાં ફેરવી દેવાઈ પણ ગત વર્ષે વિવાદ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે 86 વર્ષ બાદ તેને ફરી મસ્જિદમાં ફેરવી. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હવે આ ઈમારત મસ્જિદ જ રહેશે.
મન હોય તો થાંભલે પણ ચઢાય
ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય પરંતુ આ રીંછભાઈએ થોડું ટૂંકે પતાવવાનું નક્કી કર્યુ અને માળવાને બદલે થાંભલે ચઢવાનો નિર્ધાર કર્યો. એરિઝોનાના ડગલાસમાં અચાનક એક રીંછ આવી પહોંચ્યું. જોતજોતામાં એક ઈલેક્ટ્રીક થાંભલા પર ચઢી ગયું. લોકોને કૌતુકની સાથે ભયની લાગણી થઈ અને આખરે પોલીસ પણ આવી. મહામહેનતે રીંછને ત્યાંથી ઉતાર્યુ અને જંગલમાં મોકલી દેવાયું હતું.
ડ્રેકુલા કેસલમાં કોરોનાની રસી લો
ડ્રેકુલા નામ પડે અને ભયનું લખલખું પસાર થઈ જાય એટલું જ નહીં અનેક લોકો એવા પણ હોય છે કે રસીના ઈન્જેક્શનથી પણ ડરતા હોય છે. આ બંને વાતને એકબીજા સાથે આમ લાગતું વળગતું નથી પણ હાલમાં રોમાનિયા ખાતે આવેલા ડ્રેકુલા કેસલમાં જ વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ કિલ્લાનું મૂળ નામ બ્રાન કેસલ છે પણ તેને 19મી સદીની નોવેલ ‘ડ્રેકુલા’ પરથી ડ્રેકુલા કેસલ નામ અપાયું છે. અહીં આ કિલ્લામાં મધ્યયુગ કાળના ટોર્ચર રૂમ પણ છે અને ટોર્ચર માટેના સાધનો પણ છે. રસીને લેનાર આ ટોર્ચર રૂમમાં જવા માટે ફ્રી એન્ટ્રી મળે છે. જો કે રસી પછી આ કિલ્લામાં મફત પ્રવેશ કરીને ડરવાની આ ઓફર માત્ર રોમાનિયાના રહેવાસીઓ પાસે છે. મજાની વાત એ છે કે અત્યાર સુધીમાં 400 હિંમતવાન લોકો અહીં રસી પણ લઈ ચૂક્યા છે અને કિલ્લો અંદરથી નિહાળી પણ ચૂક્યા છે.
આકાશમાં અકસ્માત!
ડેનવર ખાતે બે નાના વિમાનો વિશાળ આકાશમાં ઊડી રહ્યા હતા ત્યારે કોણ જાણે કેમ ક્યાં જગ્યા ઓછી પડી અને બંને વિમાન એકબીજા સાથે અથડાઈ પડ્યા હતા. જો કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી. વાસ્તવમાં ટ્વીન એન્જિન ફેરચાઈલ્ડ મેટ્રોલાઈનર અને સિંગલ એન્જિન સાઈરસ એસઆર22 એવા બે વિમાનો લેન્ડિંગ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
100 દિવસથી લોકશાહી માટે લોહિયાળ જંગ
મિલિટરીએ 1 ફેબ્રુઆરીએ સત્તા હસ્તગત કરી લીધા પછી જ્યાં માંડ લોકશાહીનો વાયરો વાયો હતો એવા મ્યાંમારના લોકો છેલ્લા 100 દિવસથી સશસ્ત્ર આર્મી સામે ખાલી હાથે લોહિયાળ જંગ ખેલી રહ્યા છે. તેમની પાસે એકમાત્ર શસ્ત્ર હિંમતનું છે. સિવિલિયન લીડર આંગ સાન સુ કી હાલ જેલમાં કેદ છે. તેમની મુક્તિ માટે અને દેશમાં ફરી લોકશાહી સ્થપાય એવી માગ સાથે દરરોજ હજારોની સંખ્યામાં મ્યાંમારવાસીઓ માર્ગો પર પોતાના જીવની પરવા કર્યા વિના ઊતરી પડે છે.
કોરોનાકાળમાં કારવાનની બોલબાલા
કોરોના કાળમાં કેમ્પિંગ દરમિયાન સામાન લઈ જવાથી છુટકારો મેળવવા માટે બ્રિટનમાં લોકો કારવાન વાહન પસંદ કરી રહ્યા છે. યુકેમાં આ વર્ષે માર્ચમાં કારવાનના વેચાણો ગત વર્ષની તુલનાએ 125 ટકા વધ્યા છે. કારવાનના નવા મોડલ ફાઈવ સ્ટાર હોટલની લકઝરી સ્યુટ જેવી તમામ સુવિધાઓ રજૂ કરે છે. જેમાં શાવર રૂમ, ફેન ઓવન, ફ્રિઝ, માઈક્રોવેવ, વાઈફાઈ, કોમ્ફી બેડ, કાર્પેટ, સેટેલાઈટ ટીવી, વાઈન કુલર્સ, કોફી મશીન અને સોલર પેનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. કારવાનની કિંમત 40000 પાઉન્ડથી શરૂ થાય છે. અમેરિકી કંપની એરસ્ટ્રીમે બ્રિટિશ માર્કેટમાં માગને જોતાં પોતાની સિલ્વર બુલેટ કારવાનનું નવું મોડલ રજૂ કર્યુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.