અફઘાનિસ્તાન અપડેટ LIVE:વધુ 30 લોકોનું સફળ રેસ્ક્યૂ, વિમાન ભારત પહોંચ્યું; પંજશીરના લડાકુઓએ 300 તાલિબાનોને મારી નાખ્યા હોવાનો દાવો

2 મહિનો પહેલા
પંજશીરના લડાકુઓએ 300 તાલિબાનોને માર્યા હોવાનો દાવો કર્યો
  • અફઘાનિસ્તાનમાંથી 146 ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરી દોહા લાવવામાં આવ્યા, આજે જ સ્વદેશ પરત ફરશે
  • કાબુલ એરપોર્ટમાં ભાગદોડના કારણે 7 અફઘાનીઓના મોત; બ્રિટિશ સેનાએ કહ્યું- સ્થિતિ ઘણી જ પડકારજનક
  • અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોનું એરલિફ્ટ કરવા કોમર્શિયલ પ્લેન મોકલશે અમેરિકા, 18 એરક્રાફ્ટને કાબુલ એરપોર્ટ પર ઉતરવા આપી મંજૂરી
  • અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારીમાં તાલિબાન,નવા રાષ્ટ્રપતિનું નામ ટૂંક સમયમાં જાહેર કરશે

ભારતીય વાયુસેનાએ અફઘાનિસ્તાનમાંથી વધુ 30 ભારતીયોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે. ભારતીય વિમાન આ 30 લોકોને લઈને ભારત આવી પહોંચ્યું છે. ત્યાં બીજી તરફ પંજશીર ઘાટમાં કબ્જો જમાવવા ઇચ્છતા તાલિબાને મોટો ફટકો લાગ્યો છે. સૂત્રોનો દાવો છે કે, પંજશીરના લડાકુઓએ તાલિબાનના હુમલાખોરો પર રસ્તામાં જ હુમલો કરી દીધો હતો. જેમાં 300 જેટલા તાલિબાનીઓ માર્યા ગયા છે.

અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યાના એક સપ્તાહ બાદ તાલિબાન ટૂંક સમયમાં સરકારની રચના કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ નવા રાષ્ટ્રપતિની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. તાલિબાનના પ્રવક્તા અબીઉલ્લાહ મુઝાહિદે ટોલો ન્યૂઝને માહિતી આપી હતી કે નવી સરકારની રચનાને લઈ અફઘાનિસ્તાનના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

ભારે હથિયારો સાથે પંજશીર પર હુમલો કરવા પહોંચ્યા તાલિબાનો
તાલિબાન પંજશીરમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તાલિબાનના લડાકુઓ ભારે સંખ્યામાં હથિયારો સાથે પંજશીર પર હુમલો કરવા માટે પહોંચ્યા છે. આ વખતે લડાકુઓની સંખ્યા ઘણી વધારે છે. નજીક આવેલા બગલાન પ્રાંતના અંદરાબ જિલ્લામાં ગઈરાત્રે મોટી સંખ્યામાં તાલિબાને હુમલો કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. હુમલાને જોતા બગલાનના દેહ-એ-સલાહ જિલ્લામાં તાલિબાન વિરોધી લડાકુઓ પણ એકજૂટ થઈ રહ્યા છે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું- સંઘર્ષ જારી રહેશે
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સરકારમાં સંરક્ષણ મંત્રી, જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદીએ જાહેરાત કરી છે કે તેઓ પંજશીરની સુરક્ષા કરતા રહેશે. પંજશીર ઘાટી તાલિબાની શક્તિનો સતત વિરોધ કરતી રહેશે. ઘાટમાં સંઘર્ષ જારી રહેશે.

અફઘાનિસ્તાનમાંથી 146 ભારતીયોને રેસ્ક્યૂ કરી દોહા લઈ જવાયા
અફઘાનિસ્તાનમાંથી 146 ભારતીયોને રેસ્ક્યૂ કરી કતારની રાજધાની દોહા લાવવામાં આવ્યા છે. તેમને આજે જ ભારત લાવવામાં આવશે. કતાર સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.

કાબુલમાં 329 ભારતીયોને સ્વદેશ આવ્યા
કાબુલમાંથી ભારતીયોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલી રહી છે. રવિવારે ત્રણ વિમાનો મારફતે 390 લોકો ભારત પરત ફર્યાં હતા. આ પૈકી 390 ભારતીયો છે. એરફોર્સના C-17 એરક્રાફ્ટ મારફતે 168 લોકો પરત ફર્યાં છે, આ પૈકી 107 ભારતીય અને 23 અફઘાનિ શીખ તથા હિંદુઓનો સમાવેશ થાય છે. આ વિમાન ગાઝીયાબાદ સ્થિત હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. સૌથી પહેલા એર ઈન્ડિયાના વિમાનમાં 87 ભારતીય અને 2 નેપાળી નાગરિકને ભારત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય એક ફ્લાઈટમાં 135 લોકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.

અમેરિકાએ કાબુલમાં ફસાયેલા અફઘાનિ નાગરિકોને બહાર કાઢવા એટલે કે એરલિફ્ટ કરવા 18 જેટલા કોમર્શિયલ એરક્રાફ્ટનો ઈમર્જન્સી ઉપયોગ કરવા મંજૂરી આપી છે.અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી (સંરક્ષણ મંત્રી) લોયડ ઓસ્ટિને કહ્યું છે કે બચાવ માટે અમેરિકન એરલાઈન્સ, એટલાસ એર, ડેલ્ટા એરલાઈન્સ, ઓમની એર, યુનાઈટેડ એરલાઈન્સ અને હવાઈ એરલાઈન્સના 3-3 વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે.

બગલાન પ્રાંતના અંદરા જિલ્લામાંથી લોકોએ સ્થળાંતર શરૂ કરી દીધું છે. લોકો સુરક્ષિત સ્થળની શોધ કરી રહ્યા છે
બગલાન પ્રાંતના અંદરા જિલ્લામાંથી લોકોએ સ્થળાંતર શરૂ કરી દીધું છે. લોકો સુરક્ષિત સ્થળની શોધ કરી રહ્યા છે

કાબુલ એરપોર્ટ પર ભાગદોડને લીધે 7 અફઘાન નાગરિકના મોત
બીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાની હુકૂમત વચ્ચે કાબુલમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કાબુલ એરપોર્ટની અંદર પહોંચ્વા માટે ભાગદોડ થઈ હતી જેમાં 7 લોકોનાં મોત નિપજ્યા છે. આ જાણકારી બ્રિટિશ મિલિટ્રીએ આપી છે. બ્રિટિનના રક્ષા મંત્રાલયે કહ્યું કે સ્થિતિ ગણી જ પડકારજનક છે, પરંતુ સ્થિતિને સંભાળવાની સાથે જ લોકોની સુરક્ષાનો પુરતા પ્રયાસ કરવામાં આવે છે. અફઘાનિસ્તાન છોડનારા લોકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ ખાતે ધસી આવ્યા છે. જો કે તાલિબાન અફઘાનિઓને દેશ છોડવાથી રોકી રહ્યાં છે. એરપોર્ટ આવતા રસ્તાઓ પર તાલિબાનનો બંદોબસ્ત છે અને તાલિબાની દરેક આવતા-જતા લોકોની તપાસ કરે છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 168 લોકોને લઈને એરફોર્સનું વિમાન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર પહોંચી ગયું છે. તેમાંથી 107 ભારતીય છે. જેમાં અફઘાની સાંસદ અનારકલી હોનરયાર, નરેન્દ્ર સિંહ ખાલસા અને તે બંનેના પરિવારોનો સમાવેશ થાય છે. હોનરયાર અને ખાલસા તે લોકોમાંથી છે જેમને તાલિબાન શનિવારે પોતાની સાથે લઈ ગયા હતા. તાલિબાને કહ્યું હતું કે તેઓ અફઘાની છે, તેથી તેઓ દેશ છોડી શકશે નહીં. જો કે, બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.ભારત પહોંચ્યા બાદ નરેન્દ્ર સિંહ ખાલસા ભાવુક થઈ ગયા હતા.

આ લોકો સાથે એક બાળક પણ આવ્યું છે જેની પાસે ભારતીય પાસપોર્ટ ન હતો, પરંતુ સરકારે તેમને રોક્યા ન હતા. ભારત પહોંચ્યા બાદ આ બાળકનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાળકી તે બાળકને પ્રેમથી રમાડી રહેલી જોવા મળે છે. આ દરમિયાન તે બાળકી ખૂબ જ ખુશ નજરે પડી રહી છે.

તાલિબાનો દ્વારા કાબુલમાં ભારતીયોને કબજામાં રાખવામાં આવ્યા હતા. આ તમામ ભારતીયોને તાલિબાને કબજામાંથી મુક્ત કર્યા હતા. જ્યાં સુધી તાલિબાનોના કબજામાં ભારતીયો હતા ત્યાં સુધી તમામના જીવ પડીકે બંધાયેલા હતા. ક્રૂર તાલિબાનોના કબજામાંથી છુટીને આવેલા ભારતીયો ખૂબ ખૂશ થઈ ગયા હતા.

અગાઉ કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા 87 અન્ય ભારતીયો એર ઇન્ડિયાથી વિમાન દ્વારા આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા. જેમાં 2 નેપાળીઓનો સમાવેશ થાય છે. ભારતીયોએ તેમના વતન પરત ફરવાની ખુશીમાં ફ્લાઇટની અંદર ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. આ લોકો 2 વિમાનો દ્વારા ભારત પહોંચ્યા છે. તેમને પહેલા તઝાકિસ્તાનની રાજધાની દુશાંબે અને કતારની રાજધાની દોહા મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને ગત રાત્રે ભારત મોકલવા માટે રવાના કરાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી હતી.

કાબુલ એરપોર્ટ પરથી દરરોજ બે ભારતીય વિમાનો ઉડાન ભરી શકશે
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત ફરવાનો માર્ગ સરળ બની ગયો છે. ભારતને કાબુલ એરપોર્ટ પરથી દરરોજ બે વિમાનના સંચાલનની પરવાનગી મળી ચૂકી છે. અમેરિકન અને ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO) ફોર્સે શનિવારે તેની પરવાનગી આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હવે તેઓ ટૂંક સમયમાં તમામ ભારતીયોને પરત લાવશે. અત્યારે અહીં 300 ભારતીયો ફસાયેલા હોવાની માહિતી છે.

તાલિબાને કહ્યું- અહમદ મસૂદ સાથે આવવા માટે તૈયાર
તાલિબાનોએ કહ્યુ છે કે અહમદ મસૂદ, જે પંજશીરમાં લડવૈયાઓનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમની સાથે આવવા માટે તૈયાર છે. આતંકી સંગઠન હક્કાનીએ આ જાહેરાત કરી છે. જો આવું થાય તો અફઘાનિસ્તાનમાં તાલિબાનને રોકનાર હવે કોઈ નહીં હોય.

અહેમદ મસૂદના નોર્દન એલાયન્સને શુક્રવારે જ જાહેરાત કરી હતી કે ત્રણ જિલ્લા તાલિબાન લડવૈયાઓ પાસેથી છીનવી લેવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં તાલિબાનનો ધ્વજ હટાવીને અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના સંરક્ષણ પ્રધાન જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદે પણ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તાલિબાનને પુલ-એ-હિસાર, બાનુ અને દેહ-એ-સલાહમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. બિસ્મિલ્લાહ મોહમ્મદ અશરફ ગનીની સરકારમાં સંરક્ષણ મંત્રી હતા

પંજશીર લડવૈયાઓ તાલિબાન માટે સમસ્યા સર્જી શકે છે
તાલિબાન પણ પંજશીર કેસના વહેલા નિરાકરણની તરફેણમાં છે. તેઓ માને છે કે જો પંજશીરના લડવૈયાઓ શાંત નહીં થાય તો તેમને સરકાર ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અફઘાનિસ્તાનમાં પંજશીર એકમાત્ર એવો પ્રાંત છે જેને તાલિબાન આજ સુધી કબજો કરી શક્યું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાન વાટાઘાટકારો સરકારમાં જોડાવા માટે અહમદ મસૂદ સાથે સતત વાતચીત કરી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઈ સમજૂતી થઈ નથી. હક્કાનીના દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

હથિયારો સાથે તહેનાત નોર્થન એલાયન્સના લડવૈયા. તેમની પાસે લડવાના તમામ સાધનો ઉપલબ્ધ છે.
હથિયારો સાથે તહેનાત નોર્થન એલાયન્સના લડવૈયા. તેમની પાસે લડવાના તમામ સાધનો ઉપલબ્ધ છે.

અમેરિકા તેના નાગરિકોને કાબુલ એરપોર્ટ પર ન જવા સૂચના આપી
અમેરિકાએ પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સૂચના આપી છે. અમેરિકી દૂતાવાસે અમેરિકનોને કહ્યું છે કે એરપોર્ટ પર સ્થિતિ સારી નથી. ગોળીબાર થઈ રહ્યો છે અને અરાજકતાનું વાતાવરણ છે. અમેરિકન નાગરિકોને અપીલ છે કે તેઓ અત્યારે કાબુલ એરપોર્ટની નજીક પણ ન જાય. એરપોર્ટની સ્થિતિ સુધર્યા બાદ સરકાર ફરીથી નવી સૂચનાઓ જાહેર કરશે.

અત્યારે અફઘાનિસ્તાનમાં 6 હજાર અમેરિકન સૈનિકો હાજર છે.તેમાંના ઘણા કાબુલ એરપોર્ટની સુરક્ષા સંભાળી રહ્યા છે.
અત્યારે અફઘાનિસ્તાનમાં 6 હજાર અમેરિકન સૈનિકો હાજર છે.તેમાંના ઘણા કાબુલ એરપોર્ટની સુરક્ષા સંભાળી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...