• Gujarati News
  • International
  • 8 Parties Of Different Ideologies In The Coalition; Experts Say Netanyahu's Only Goal Is To Stop Coalition Government

ઇઝરાયેલમાં નવી સરકારની તૈયારી:ગઠબંધનમાં જુદી જુદી વિચારધારાની 8 પાર્ટી; નિષ્ણાતે કહ્યું- માત્ર નેતન્યાહુને રોકવાનો જ હતો ઉદ્દેશ, આ સરકાર લાંબી નહીં ચાલે

તેલ અવિવએક વર્ષ પહેલા
  • ઇઝરાયેલમાં બે વર્ષમાં ચાર વખત ચૂંટણી યોજાયા બાદ પણ કોઈ પાર્ટીને બહુમતી મળી ન હતી

ઇઝરાયેલ 2 વર્ષમાં પાંચમી ચૂંટણી તરફ જવાથી બચી ગયું છે. 12 વર્ષ વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહુ હવે વડાપ્રધાન નહીં રહે. તેમનું સ્થાન હવે ગઠબંધન સરકારના લીડર નેફ્ટાલી બેનેટ લેશે, પરંતુ વાત અહીં જ સમાપ્ત થતી નથી. આની રસપ્રદ બાબત એ છે કે બેનેટ ફક્ત 26 ઓગસ્ટ 2023 સુધી ખુરશી પર રહેશે. ત્યાર બાદ યેશ અટિડ પાર્ટીના વડા યેર લેપિડ વડાપ્રધાન બનશે.નિષ્ણાતો માને છે કે આ ગઠબંધન સરકાર માટે લાંબું ચાલવું મુશ્કેલ છે. તેમની વચ્ચે વૈચારિક ક્લેશ રહેશે. અહીં આપણે ઇઝરાયેલના રાજકારણ અને હાલના ઘટનાક્રમને લગતી મહત્ત્વપૂર્ણ બાબતો સમજાવીએ છીએ.

કેવું છે નવું ગઠબંધન
ઇઝરાયેલમાં ભારતની જેમ અનેક રાજકીય પાર્ટીઓ છે, એટલે કે બહુપક્ષીય વ્યવસ્થા છે. તેમની વિચારસરણી અલગ-અલગ છે. નેફ્ટાલી બેનેટ જી પાર્ટીના નેતા છે, એને આપ રાઇટ વિંગર, દક્ષિણ પંથી કે સામાન્ય રીતે કટ્ટરપંથી પાર્ટી કહી શકીએ છીએ. 8 પાર્ટીના ગઠબંધનમાં યેશ એટિડ પાર્ટી અને રામ પાર્ટી પણ છે. રસપ્રદ વાત એ છે કે યેશ મધ્યમાર્ગી છે કે સેન્ટ્રિસ્ટ વિચારધારાવાળી પાર્ટી છે. તે વધુ કટ્ટરપંથી પણ નથી અને વધુ નરમ વલણ ધરાવતી પણ નથી. આરબ-મુસ્લિમોની રામ પાર્ટી પણ ગઠબંધનનો ભાગ છે. ઇઝરાયેલમાં રહેતા આરબ મૂળના મુસ્લિમોની ઘણી પાર્ટીઓમાંના એક છે અને તેમના પોતાના અધિકારો પર તે ધ્યાન આપે છે.

ઇઝરાયેલમાં સરકાર બદલાઈ કેમ
બે વર્ષમાં ચાર વખત ચૂંટણી બાદ પણ કોઈ પાર્ટીને એકલા પોતાના બળે બહુમત મળ્યો નથી. સંસદમાં કુલ 120 બેઠક છે. બહુમત માટે 61 સાંસદ જોઈએ, પરંતુ, મલ્ટી પાર્ટી સિસ્ટમ છે અને નાની પાર્ટીઓ પણ કેટલીક બેઠકો જીતી જાય છે. આ કારણે કોઈ એક પાર્ટીને બહુમત મળવો સરળ નથી. નેતાન્યાહુની સાથે પણ આવું જ થયું.

'ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ' ના માર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, નેતન્યાહુની લિકૂડ પાર્ટીની પાસે 30 સાંસદ છે. સમર્થકો સાથે આ સંખ્યા 52 થાય છે, તોપણ બહુમતથી 9 બેઠક ઓછી છે. બીજી તરફ, બેનેટની યામિનાની પાસે માત્ર 7 અને રામ પાર્ટીની પાસે 5 સાંસદ છે. સમર્થકો સાથે આ આંકડો 56 થાય છે. નેતન્યાહુની સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે, બની શકે છે કે તેમને સજા પણ થાય. આ માટે તેમના વિરોધીઓ એકજૂથ થઈ ગયા છે.

માત્ર નેતન્યાહુને હટાવવાની ઉદ્દેશ હતો
ડિફેન્સ અને ફોરેન પોલીસ એક્સપર્ટ હર્ષ પાંત ઇઝરાયેલના મુદ્દે સતત નજર રાખી રહ્યા છે. હાલના ઘટનાક્રમ વિશે પંત જણાવે છે, ઇઝરાયેલે બે વર્ષમાં ચાર ચૂંટણી જોઈ લીધી, પરંતુ કોઈપણ પાર્ટીને બહુમત મળ્યો નથી. નેતન્યાહુ સૌથી મોટો પાર્ટી લિકુડ પાર્ટીના નેતા છે, પરંતુ તેમની પાસે પણ બહુમત નથી. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનો ઉદ્દેશ નેતન્યાહુને ખુરશીથી હટાવવાનો હતો. નવા ગઠબંધનમાં તમામ પક્ષોની અલગ વિચારસરણી છે. વડાપ્રધાન પણ રોટેશન પોલિસી પર રહેશે. રામ પાર્ટી પહેલીવાર કોઈ સરકારનો ભાગ બની રહી છે. અન્ય અરબ મુસ્લિમ સમર્થક પાર્ટીઓ ગઠબંધનમાં જોડાઇ નથી. જોકે રામ પાર્ટી સત્તામાં હોવાનો અરબ મૂળના લોકોને ફાયદો થઈ શકે છે.

કેટલી ચાલશે ગઠબંધન સરકાર
પંત કહે છે, આ સરકાર વધુ અંતર્મુખ હશે. ગઠબંધનમાં સામેલ પાર્ટીઓની વિચારધારા અને તેમના એજન્ડાને જોતાં મને નથી લાગતું કે તેમની પાસે ઘણુંબધું કરવાનો અવકાશ હશે. કંઈક મોટી સમસ્યાઓ આવવાની નક્કી જ લાગી રહી છે અને તેથી જ મને નથી લાગતું કે આ ગઠબંધનની સરકાર લાંબા સમય સુધી ચાલશે. ઇઝરાયેલ બે-અઢી વર્ષમાં તેની પાંચમી ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે.

ફોટો રામ પાર્ટી (Ra’am party)ના વડા મંસૂર અબ્બાસનો છે. એ અરબ-મુસ્લિમોની પાર્ટી છે. માનવામાં આવે છે કે અબ્બાસને પ્રધાન પણ બનાવી શકાય છે. (ફાઇલ)
ફોટો રામ પાર્ટી (Ra’am party)ના વડા મંસૂર અબ્બાસનો છે. એ અરબ-મુસ્લિમોની પાર્ટી છે. માનવામાં આવે છે કે અબ્બાસને પ્રધાન પણ બનાવી શકાય છે. (ફાઇલ)

સૌથી વધુ નજર ક્યાં
રામ પાર્ટી (Ra’am party)મૂળ રૂપથી આરબ મુસ્લિમોની પાર્ટી છે. 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ આરબ પાર્ટી સત્તાધારી ગઠબંધનમાં સામેલ થશે. તેના ચીફ છે મંસૂર અબ્બાસ. તેઓ કહે છે, અમે પરિસ્થિતિને બદલવા જઇ રહ્યા છીએ. અરબ-ઇઝરાયેલ સોસાયટી માટે અલગ બજેટ રાખવા બાબતે સંમતિ બની છે. સુરક્ષા બાબતે પણ ધ્યાન આપવું જરૂરી છે. હાલમાં જ યહૂદી અને અરબ લોકોની વચ્ચે રમખાણો થયાં હતાં. રામ પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું- અરબ સમુદાયના વિકાસ પર લગભગ 16 કરોડ ડોલર ખર્ચ થશે. એમાં હાઉસિંગ અને અન્ય બીજી બાબતો સામેલ રહેશે. અમારી સાથે બીજા વર્ગના નાગરિકોની જેમ વર્તન ન થવું જોઈએ.

1950માં પ્રથમ વખત એક એક અરબ-ઇઝરાયેલી સંસદસભ્ય ચૂંટાયા હતા. 1990માં જ્યારે યિત્ઝાક રેબિનની સરકાર પડવાની હતી ત્યારે અરબ પક્ષના બે ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટ દરમિયાન તેની તરફેણમાં મત આપ્યો હતો અને સરકારનો બચાવ થયો હતો.

ભારત, દુનિયા અને પેલેસ્ટાઇન મુદ્દે શું અસર થશે
પંત કહે છે કે હાલમાં જ જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ થયું, ત્યારે સમગ્ર વિપક્ષ અને આખો દેશ નેતન્યાહુની સાથે હતો. ખરેખર ઇઝરાયેલમાં નેશનલ સિક્યોરિટી સૌથી મહત્ત્વપૂર્ણ અને અસરકારક મુદ્દો છે. કોઈ સરકાર પણ એની અવગણના કરી શકે નહીં. દરેક જણ આ બાબતે સાથે છે. ગઠબંધન સરકાર પણ પોતાને નેતાન્યાહુ જેટલા મજબૂત બતાવવા માગશે. નેફ્ટાલી બેનેટને 2 રાજ્ય સોલ્યુશન પણ નહિ જોઈએ, પરંતુ તેમને આ મુદ્દે અન્ય પક્ષોના સહયોગની જરૂર રહેશે.

ભારત સાથેના સંબંધોમાં પરિવર્તનના સવાલ પર પંત કહે છે, આમાં કોઈ પરિવર્તન આવશે નહીં, સંબંધોમાં સાતત્યતા બની રહેશે. તેનું કારણ એ છે કે બંને દેશોની નીતિઓ પાર્ટીના રાજકારણથી પર છે. હા, અરબ મુદ્દા પર સમસ્યા થઈ શકે છે, કારણ કે મહાગઠબંધનમાં સામેલ પક્ષોનો પણ આ અંગેનો મત જુદો છે.